ભરૂચઃ કેવડિયા કોલોનીમાં યોજાયેલી ડીજી કોન્ફરન્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોલીસ અધિકારીઓને ચેતવ્યા હતા કે, દેશમાં અંગત સ્વાર્થ ખાતર વિભાજનકારી તત્ત્વો જાતિવાદને ઉત્તેજન આપી રહ્યાં છે. તેમણે પોલીસને સલાહ આપી કે, કટ્ટરવાદ સામે જાગૃત રહી પોલીસે તમામ સમુદાયમાં વિશ્વાસની ભાવના કેળવવી પડશે. આતંકવાદ જેવા સળગતા મુદ્દે તેમણે કહ્યું કે, દેશના એક ટુકડામાં જ આતંકીઓને સીમિત કરવા બદલ જમ્મુ કાશ્મીર પોલીસે પ્રશંસનીય કામગીરી અદા કરી છે. આજે દેશના લોકો જમ્મુ કાશ્મીર પોલીસ પર ગર્વ લે છે જેમણે આતંકવાદીઓ સામે મુકાબલો કર્યો છે અને સફળ થયાં છે. ડીજી કોન્ફરન્સના અંતિમ દિવસે સંબોધન કરતાં મોદીએ હાકલ કરી કે, પોલીસે ગમે તેવા સંજોગોમાં પ્રમાણિકતાથી કામ કરવું જોઇએ. પોલીસને ઇચ્છિત સન્માન મળતું નથી છતાંય પોલીસે લોકકલ્યાણ માટે કામગીરી કરવાની છે. તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયાનો પોલીસે અસરકારક ઉપયોગ કરવો જોઇએ.
૫૩મી ઓલ ઈન્ડિયા ડી. જી. કોન્ફરન્સમાં ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ રાજ્ય પ્રધાન હંસરાજ આહિરેની ઉપસ્થિતિમાં ભારતના ટોચના ૧૦ પોલીસમથકો પૈકી ત્રણ પોલીસમથકના અધિકારીઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. ઉલ્લેખનીય છે કે ટોપ ૧૦માં ગુજરાત, મહારાષ્ટ્ર કે મધ્ય પ્રદેશના એક પણ પોલીસમથકનો સમાવેશ થતો નથી.
દેશના ટોચના પોલીસ સ્ટેશનમાં રાજસ્થાનનું કાલુ પોલીસ સ્ટેશન દેશમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે. બીજા નંબરે આંદામાન નિકોબારનું કેપબેલ અને ત્રીજા નંબરે ફરક્કા-પોલીસ સ્ટેશન છે. ચોથા નંબરે નદારબાદ પક્કમ, પોંડીચેરી અને પાંચમા નંબરે ગુડેરી, કર્ણાટક રહ્યું. છઠ્ઠા નંબરે ચૌપાલ હિમાચલ પ્રદેશ, સાતમા નંબરે લાખેરી, રાજસ્થાન છે. આઠમા નંબરે એરિયાકુલમ તામિલનાડુ, નવમા નંબરે મુશિયારી, ઉત્તરાખંડ અને દસમા ક્રમે ચુરકોરમ, ગોવાનો સમાવેશ થાય છે.
૭ કિ.મી. મોર્નિંગ વોક
ટેન્ટસિટીમાં સલામતીના કારણોસર રાત્રિ રોકાણ નહીં કરનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે કેવડિયા રેસ્ટહાઉસથી અચાનક મોર્નિંગ વોક કરી હતી. તેમણે સર્કિટહાઉસથી સરદાર પ્રતિમા સુધીનું અંતર ચાલતાં જ કાપ્યું હતું.
તેમણે કેવડિયાથી સરદાર પ્રતિમા સુધીનો કુદરતી વૈભવ માણ્યો હતો. નિયમિત યોગાભ્યાસ અને કસરત કરનાર મોદીએ કડકડતી ઠંડીમાં સાત કિમીનું અંતર કાપ્યું હતું.
ટેન્ટ સિટીમાં ભરાયેલી ડીજી કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા ડીજી., આઈજી, તેમજ વિવિધ રાજ્યોના પ્રધાનોએ ટેન્ટસિટી ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. તેમાંથી મોટાભાગના અધિકારીઓ મોર્નિંગ વોક માટે અને સાઈકલિંગ માટે
નીકળ્યા હતા