અમદાવાદઃ આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાન અંતર્ગત વિશ્વ ઉમિયા ધામ-અમદાવાદ દ્વારા અંખડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મ જયંતીએ રાષ્ટ્ર ચેતના મહાસંમેલન યોજાયું હતું. આ પ્રસંગે સ્વાતંત્ર્ય ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત અખંડ ભારતના નિર્માણમાં પોતાનું રાજ્ય સમર્પિત કરનાર મહારાણા પ્રતાપના વંશજ લક્ષ્યરાજસિંહ મેવાડ અને ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી મહારાજના પ્રપૌત્ર વિજયસિંહજી મહારાજ સહિત દેશના જુદા જુદા સ્ટેટ - રજવાડાંના 20થી વધુ રાજવી વંશજોનું સન્માન કરાયું હતું.
સરદાર પટેલ સમગ્ર સમાજનું ગૌરવ: મુખ્યમંત્રી
ભારત માતાના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીના અવસર પર યોજાયેલા સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલન અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વિશ્વ ઉમિયા ધામ દ્વારા કરાયેલું રાજવી પરિવારોનું સન્માન યુવાનોમાં રાષ્ટ્ર ચેતના જગવવા માટે ઉદ્દીપકનું કામ કરશે. વિશ્વ ઉમિયા ધામ હંમેશા સેવાકીય પ્રવૃતિમાં અગ્રેસર છે. સરદાર પટેલ એ માત્ર પાટીદારો જ નહીં પણ સમગ્ર સમાજનું ગૌરવ છે.
સ્વાતંત્ર્ય ભારતમાં પહેલી વાર રાજવી વારસોનું સન્માનઃ આર.પી. પટેલ
સમગ્ર આયોજન અંગે વાત કરતા વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આર.પી. પટેલ જણાવ્યું હતું કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભારતની આઝાદીના ઈતિહાસમાં પ્રથમ વાર રાજવી પરિવારોનું સન્માન કરાયું છે. સાથો સાથ આ કાર્યક્રમથી સમાજમાં સામાજિક સમરસતાનું એક મૂર્તિમંત ઉદાહરણ પુરું પડ્યું છે.
અમદાવાદના જાસપુરમાં વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચુ (504 ફૂટ) જગતજનની મા ઉમિયાનું મંદિર નિર્માણ સાકાર થઇ રહ્યું છે તે સમગ્ર સનાતન ધર્મ માટે ગર્વ લેવાની ક્ષણ છે. વિશ્વ ઉમિયા ધામ એ પહેલી એવી વૈશ્વિક સંસ્થા છે જેમણે ભારતના રાજવી પરિવારોનું સન્માન કર્યું હોય.
મા ઉમિયા મારી પણ મા છે: લક્ષ્યરાજસિંહ
સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલનને સંબોધતા મહારાણા પ્રતાપના વંશજ લક્ષ્યરાજસિંહજી મહારાજે જણાવ્યું હતું કે વિશ્વ ઉમિયા ધામનું આ ભગીરથ કાર્ય ઈતિહાસમાં પ્રથમ વખત થયું છે. મા ઉમિયા માત્ર પાટીદારોની જ નહીં પણ મારી પણ મા છે. સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલનથી હવે હું વિશ્વ ઉમિયા ધામ સાથે જોડાઈ ગયો છું.
10 હજાર કારની રેલીએ સર્જ્યો વિક્રમ
ઉલ્લેખનીય ચે કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કાર રેલીસ્વરૂપે આવેલી 10 હજાર કારે વિક્રમ સર્જ્યો છે. વિશ્વ ઉમિયા ધામે ગોલ્ડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. આ સાથે જ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિશ્વ ઉમિયા ધામ આઇએએસ એકેડમીનું ઉદ્ધાટન કર્યું છે. અમદાવાદના નિકોલમાં અને ગાંધીનગરમાં વિશ્વ ઉમિયા ધામ IAS એકેડમીનું ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાયું છે. આ ઉપરાંત ઉમા કાઉન્સેલિંગ સેન્ટરનું પણ મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ધાટન થયું હતું.