વિશ્વ ધર્મ સંસદના ઉપાધ્યક્ષ પદે ન્યૂ યોર્કના ડો. ભદ્રાબહેન શાહ

Thursday 15th November 2018 06:11 EST
 
 

ન્યૂ યોર્કઃ ધર્મ-અધ્યાત્મના પ્રચાર-પ્રસાર માટે વૈશ્વિક સ્તરે કાર્યરત પાર્લામેન્ટ ઓફ ધ વર્લ્ડ રિલિજિયનના વાઇસ ચેરમેન પદે ગુજરાતી મૂળના ડો. ભદ્રાબહેન શાહની વરણી થઇ છે. ભદ્રાબહેન આ પ્રતિષ્ઠિત હોદ્દા માટે પસંદ થનાર પ્રથમ ભારતીય છે.
પાર્લામેન્ટ ઓફ ધ વર્લ્ડ રિલિજિયનની સ્થાપના ૧૮૯૩માં સ્વામી વિવેકાનંદના આગમનના વર્ષમાં શિકાગોમાં થઇ હતી. ૧૦૦ વર્ષ જેટલો સમય સંસ્થા નિષ્ક્રિય રહી પણ સ્વામી વરદાનંદજીએ ૧૯૯૩માં તેને પુનઃર્જિવિત કરી ત્યારથી દર ત્રણ વર્ષે વિશ્વનાં જુદાં જુદાં શહેરોમાં તેનું અધિવેશન યોજાય છે.
આ વર્ષે નવેમ્બરના આરંભમાં કેનેડાના ટોરોન્ટોમાં તેનું અધિવેશન યોજાયું હતું. સાત દિવસના આ આંતરરાષ્ટ્રીય અધિવેશમાં જુદા જુદા દેશોમાંથી જુદા જુદા ધર્મોના ૮૦૦૦થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિવિધ વક્તાઓએ અલગ અલગ ધર્મો, તેની વિચારસરણીને નજરમાં રાખીને અભ્યાસપૂર્ણ પ્રવચન કર્યા હતા.
આ અધિવેશનમાં સંસ્થાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં અધ્યક્ષ પદે જાપાનના ઓડ્રી કિટિગાવા ચૂંટાયા હતા. જ્યારે ઉપાધ્યક્ષ પદે ડો. ભદ્રાબહેન શાહની વરણી થઇ છે. ઉલ્લેખનીય છે કે સંસ્થાના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ ભારતીય મૂળની અને તેમાં પણ ગુજરાતી વ્યક્તિની આ હોદ્દા પર વરણી થઇ છે. ન્યૂ યોર્કમાં વસતાં ભદ્રાબહેન સેવાવ્રતી તરીકે બહોળી નામના ધરાવે છે.
ડો. ભદ્રાબહેન શાહે શેર એન્ડ કેર ફાઉન્ડેશનમાં ૨૫ વર્ષ સુધી વિવિધ હોદ્દાઓ પર જવાબદારી સંભાળીને ભારતના અનેકવિધ શૈક્ષણિક અને આરોગ્ય સંસ્થાનોને કરોડો રૂપિયાની આર્થિક અને સાધનસહાય પહોંચાડી છે. આ ઉપરાંત તેમણે પોતાનું જ સાથી ફાઉન્ડેશન સ્થાપ્યું છે, જે ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે સેવાકીય સહાય કરી રહ્યું છે. સમાજસેવાની ઉમદા કામગીરી કરતાં ભદ્રાબહેને પાર્લામેન્ટ ઓફ ધ વર્લ્ડ રિલિજિયનનું ઉપાધ્યક્ષપદ સંભાળીને સમગ્ર ભારતીય સમુદાયને ગૌરવ અપાવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter