અમદાવાદઃ વિશ્વભરમાં વસતા અને ઉદ્યોગ-વેપાર સાથે સંકળાયેલા લોહાણા ઉદ્યોગ સાહસિકો તથા વ્યાવસાયિકો માટે વિશ્વ લોહાણા પરિષદ દ્વારા આગામી 13 એપ્રિલથી ચાર દિવસ દુબઈમાં વૈશ્વિક બિઝનેસ સમિટનું ભવ્ય આયોજન કરાયું છે. આ પાછળનો ઉદેશ વૈશ્વિક લોહાણા બિઝનેસ તથા સામાજિક વિકાસના સશક્તિકરણનો છે તેમ સંસ્થાના ચેરમેન સતીષભાઈ વિઠ્ઠલાણીએ જણાવ્યું હતું. આ મુદ્દે તાજેતરમાં પોરબંદરમાં વિશાળ બેઠક પણ યોજવામાં આવી હતી.
વિશ્વ લોહાણા પરિષદનાં ચેરમેન સતીષભાઈ વિઠ્ઠલાણીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સમય સાથે તાલ મિલાવવા તથા સમાજને મજબૂત બનાવવા 1952માં વિશ્વ લોહાણા પરિષદની સ્થાપના કરવામાં આવી હતી. આવતા વર્ષે સંગઠનનો અમૃત મહોત્સવ યોજાશે. આ પરિષદનું નેટવર્ક વિશ્વના 37 દેશોમાં ફેલાયેલું છે. લોહાણા મહાપરિષદના નેજામાં લોહાણા સમાજમાં બિઝનેસ નેટવર્કિંગ, સહયોગ તથા રોકાણની તકો માટે વૈશ્વિક મંચનું નિર્માણ કરવા બિનનફાકારક કંપની તરીકે લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમની સ્થાપના કરાઇ છે. તેમાં બિઝનેસ ઉપરાંત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક, મેડિકલ સહાય માટે ભંડોળ એકત્ર કરાશે. જે સંગઠનની સમાજ કલ્યાણ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આફ્રિકાના યુગાન્ડા અને ગાંધીનગર ખાતે લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમની અકલ્પનીય સફળતા બાદ હવે દુબઈ ખાતે વૈશ્વિક બિઝનેસ સમિટનું આયોજન કરાયું છે. તેમાં ખરીદદારો, વેચાણકર્તાઓની બેઠકમાં નેટવર્ક બનાવવા આંતરરાષ્ટ્રીય વેપારની સંભાવનાઓ ચકાસવા અને મૂડીરોકાણ માટેની સુવર્ણ તક બની રહેશે. આ સમિટનું ઉદ્ઘાટન 14 એપ્રિલના રોજ દુબઈના મંત્રી શેખ નાહયાન બીન મુબારક કરશે. આ અવસરે વિશ્વભરના વિવિધ ક્ષેત્રના તજજ્ઞો, પરિષદના ડાયરેક્ટરો ઉપરાંત વિશ્વભમાંથી 1000થી વધુ પ્રતિનિધિઓ જોડાશે.