અમદાવાદઃ શહેરના ચીફ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ડો. તેજસ પટેલે પાંચમીએ દર્દીથી ૩૨ કિમી દૂર બેસીને સફળતાપૂર્વક ટેલિરોબોટિક કોરોનરી ઇન્ટરવેન્શન કરી વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો છે. આ પ્રકારની આ પ્રથમ સર્જરી કરીને તેમણે ઈતિહાસ રચ્યો છે. ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં બેસીને ડો. તેજસ પટેલે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ થયેલી મહિલા પર ૧૦ મિનિટમાં સફળતા પૂર્વક ટેલિરોબોટિક સર્જરી કરી હતી. ૩૨ કિમી દૂર બેસીને જીઓ ઇન્ટરનેટ કનેકટવિટી અને ૧૦૦ એમબીપીએસની સ્પીડથી રોબોટિક સર્જરીને તેમણે સફળ બનાવી હતી. જીઓ કનેક્ટિવિટીથી રોબોટિક સર્જરીમાં માનવસર્જિત ખામીઓને પણ દૂર કરી શકાઇ હતી.
‘ઇશ્વરની કેથલેબમાં બેસીને સર્જરી કરો તો ચિંતા ઇશ્વરને’
ડો. તેજસ પટેલે મેળવેલી સિદ્ધિને તેમણે પ્રમુખ સ્વામીને અર્પણ કરી હતી. ટેલિરોબોટિક સર્જરી માટે અક્ષરધામ મંદિર શા માટે પસંદ કર્યું? તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ઇશ્વરની કેથલેબમાં બેસીને સર્જરી કરો તો ચિંતા ઇશ્વરને રહે છે. ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય થાય ત્યાં સફળતા મળે છે. ધર્મ અને વિજ્ઞાન બંને એકબીજાના પૂરક છે. તેથી મંદિર પસંદ કરાયું હતું. તેમણે કહ્યું કે, એક વર્ષ પહેલાં મારી હોસ્પિટલમાં રોબોટ લાવવામાં આવ્યો હતો. તેના પર સર્જરી શરૂ કરતાં પહેલાં મહંત સ્વામીએ તેના પર રાખડી બાંધી હતી. નવી વસ્તુ કરવી અને શીખવી એ મારો સ્વભાવ છે. રોબોટિક સર્જરી શીખતી વખતે ડરતો હતો તેવી રીતે આજે પણ મારા પર બોજ હતો, પરંતુ અક્ષરધામ મંદિરમાં સકારાત્મક શક્તિ મળે છે. ટેલિરોબોટિક સર્જરી કરતા પહેલાં એનિમલ ટેલિરોબોટિક સર્જરીની સખત ટ્રેનિંગમાંથી અમે પસાર થયા છીએ. ખાસ કરીને ભૂંડ ઉપર ટેલિરોબોટિક સર્જરી કરવામાં આવી હતી.
જય જવાન, જય કિસાન પછી હવે જય વિજ્ઞાન
દુનિયામાં સૌ પ્રથમ વખત ટેલિરોબોટિક સર્જરી કરીને વિશ્વ વિક્રમ સર્જનાર ડો. તેજસ પટેલની સિદ્ધિ દરમ્યાન મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તેજસ પટેલને ગુજરાતનું ગૌરવ ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે, આપણે ત્યાં ‘જય જવાન, જય કિસાન’ સૂત્ર પ્રચલિત હતું હવે ‘જય વિજ્ઞાન’ પણ જોડાશે. ગુજરાત સરકાર આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને છેવાડાના લોકો સુધી તેનો લાભ મળે તે માટે પ્રયત્નશીલ રહેશે.
૩૨ કિમી દૂરથી સર્જરી
અક્ષરધામમાંથી ૩૨ કિમી દૂર એસ. જી. હાઈવે પરની હોસ્પિટલમાં દાખલ થયેલી મહિલા પર ટેલિરોબોટિક સર્જરી વખતે કેથલેબમાં ડો. તેજસ પટેલ અને અન્ય એક તબીબ હાજર રહ્યા હતા. તો બીજી તરફ અમદાવાદમાં હોસ્પિટલમાં દાખલ થયેલી મહિલા દર્દીને ઓપરેશન ટેબલ પર લીધા પછી તેની સાથે ૪થી ૫ કાર્ડિયાક તબીબ હતા. ડો. તેજસે ઇન્ટરનેટ દ્વારા ઓપરેશન થિયેટરમાં હાજર રહેલા તબીબો પાસેથી જરૂરી સૂચના મેળવી લીધા બાદ રોબોટમાં ઇન્સ્ટોલ કરેલા સાધનો પર ઇન્ટરનેટ કમાન્ડ આપીને માત્ર ૧૦ મિનિટમાં મહિલાની હાર્ટ આર્ટરીમાંથી બ્લોક દૂર કર્યો હતો.
‘અક્ષરધામઃ વિજ્ઞાન અને અધ્યાત્મનું સંગમ સ્થાન’
ડો. તેજસ પટેલની આ સિદ્ધિ વિશે બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું હતું કે થોડા વર્ષો પહેલાં પ્રમુખ સ્વામીની હાર્ટસર્જરી તેમણે કરી પછી ડો. તેજસ પટેલે પણ જેટલાં માનવતાના કાર્યો થાય એટલા કરવા નક્કી કર્યું હતું. આજે પણ અક્ષરધામ વિજ્ઞાન અને અધ્યાત્મનું સંગમ સ્થાન બની ગયું છે.