કેવડિયા કોલોનીઃ સરદાર સરોવર બંધ ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાની કામગીરી સંપન્ન થઈ ચૂકી છે. ૩૧મી ઓક્ટોબરે, સરદાર જયંતીએ આ પ્રતિમાનું લોકાર્પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે. તેથી આ ૧૮૨ મીટર ઊંચી પ્રતિમાના લોકાર્પણની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.
એક નવો ઇતિહાસ રચાશે
સરદાર જયંતીએ સરદારની પ્રતિમા ઇતિહાસ રચશે અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બની જશે. અત્યારે વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા ચીનની સ્પ્રિંગ ટેમ્પલ છે. તેની ઊંચાઈ ૧૫૩ મીટર છે. એ પછી જાપાનની ઉશિકુદાઇબુત્સુ ૧૨૦ મીટરની સાથે વિશ્વની બીજા નંબરની ઊંચી પ્રતિમા છે. અમેરિકાની સ્ટેચ્યુ ઓફ લીબર્ટી ૯૩ મીટર સાથે વિશ્વની ત્રીજા નંબરની સૌથી ઊંચી પ્રતિમા છે. ત્યારબાદ ચોથા નંબરે રશિયાની ધ મધરલેન્ડ કોલ્સ પ્રતિમા ૮૫ મીટર ઊંચી છે જ્યારે ૩૬.૬ મીટરની ઊંચાઈ સાથે બ્રાઝીલનું ક્રાઇસ્ટ ધ રીડિયર વિશ્વની પાંચમી સૌથી ઊંચી પ્રતિમા છે.
વડા પ્રધાન દ્વારા લોકાર્પણ
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે એ પ્રસંગે રાજ્યના પ્રધાનો સહિત ભારતના આશરે ૧૫ રાજ્યના મુખ્ય પ્રધાન હાજર રહેશે.
પ્રતિમાના લોકાર્પણ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા ચાલતી હશે. સ્ટેચ્યુ નજીક બનેલા શિવલિંગ પર મોદી નર્મદા જળાભિષેક કરશે. એ પછી સભામંડપમાં આવીને ૨૦ ફૂટ ઊંચી રેપ્લિકાનું અનાવરણ થશે. એ પછી સભામંડપમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે. આ પૂજનવિધિ માટે ૧૦૦ જેટલા બ્રાહ્મણો દ્વારા નર્મદાષ્ટકમ્ અને મંત્રોચ્ચાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરાશે. પ્રતિમાના લોકાર્પણ પ્રસંગે કેવડિયા પાસેના લીમડી ગામનાં હેલિપેડ મેદાનમાં વડા પ્રધાનની જાહેરસભા યોજાશે. આ કાર્યક્રમમાં વિવિધ રાજ્યોના સાંસદોને પણ ખાસ ઉપસ્થિત રહેવા આમંત્રણ અપાયું છે.
ડેમની સાઇટ પર નર્મદા ટેન્ટસિટી આકાર લઈ રહી છે. પ્રવાસન વિભાગના અગ્રસચિવ એસ. જે. હૈદરે આપેલી જાણકારી મુજબ ૭૫ જેટલા એસી ટેન્ટ, ૭૫ જેટલા ડિલક્સ ટેન્ટ, અને ૭૫ નોનએસી ટેન્ટ મળી ૨૨૫ જેટલા ટેન્ટની સુવિધા ઊભી કરાઈ છે. અહીં આવનારા પ્રવાસીઓ માટે પૂરતો સુરક્ષાબંદોબસ્ત પણ ગોઠવાયો છે. આ સંપૂર્ણ કાર્યક્રમ રાજ્યના અનેક વિસ્તારોમાં મોટા સ્ક્રીન પર લાઇવ જોઈ શકાય, તેવું આયોજન કરાય તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી હતી, પણ હજુ સત્તાવાર કાર્યક્રમ નક્કી થયો નથી.
૧૫ રાજ્યના મુખ્ય પ્રધાનને આમંત્રણ
મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટના લોકાર્પણ વખતે આશરે ૧૫ રાજ્યોનાં મુખ્ય પ્રધાન હાજર રહે તેવી શક્યતા છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઝારખંડ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ત્રિપુરા અને આસામ ઉપરાંત બીજા ત્રણ રાજ્યનાં મુખ્ય પ્રધાન હાજર રહે તેવી શક્યતા છે. વિવિધ રાજ્યોના રાજ્યપાલોને પણ ગુજરાતના પ્રતિનિધિ મંડળ દ્વારા આમંત્રણ અપાયું છે.
કુદરતી આફતોમાં પણ અટલ રહેશે સરદાર
વર્ષ ૨૦૧૦ની ૭મી ઓક્ટોબરના રોજ આ પ્રોજેક્ટની ઘોષણા થઈ હતી અને ૨૦૧૪ની ૩૧મી ઓક્ટોબરે નિર્માણકાર્યનો પ્રારંભ થયો હતો. માત્ર ૪૮ મહિનામાં પ્રતિમા તૈયાર થઈ છે. ૧૮૨ મીટર ઊંચી આ પ્રતિમા ૭ કિમી દૂરથી જોઈ શકાય છે. પ્રતિમામાં માત્ર સરદારના ચહેરાની ઊંચાઈ જ ૭ માળની ઇમારત જેટલી છે. તેમના હાથ ૭૦ ફૂટના છે અને ૮૫ ફૂટથી વધુના પગ છે. એક વ્યક્તિના કદથી તો મોટી આંખો અને હોઠ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર ૬૦ મહિનામાં બન્યું. તેના નિર્માણમાં પાંચ વર્ષ લાગ્યા. સૌથી ઓછા સમયમાં બનનારી આ સૌથી પ્રથમ પ્રતિમા છે. ચીનની સૌથી ઊંચી પ્રતિમા ૧૧ વર્ષમાં બની હતી. બુદ્ધની ૨૩૦ ફૂટ ઊંચી આ પ્રતિમામાં ૯૦ વર્ષમાં બની હતી.
૬.૫નો આંચકો કે ૨૨૦ની ઝડપે ફુંકાતો પવન પણ સહન કરશે પ્રતિમા. આ પ્રતિમાનું બાંધકામ એ પ્રમાણે કરાયું છે ૬.૫ની તીવ્રતાના ભૂકંપ તથા ૨૨૦ની ઝડપે ફુંકાતા પવનની અસર તેને નહીં થાય. આ પ્રતિમાનું સ્ટ્રક્ચર ભૂકંપ વિરોધી ટેક્નોલોજીથી બનાવાયું છે.
સ્ટેચ્યુમાં ઉચ્ચકક્ષાની ધાતુનો ઉપયોગ થયો છે. હજારો વર્ષો સુધી મૂર્તિને જરા પણ કાટ લાગશે નહીં. શિલ્પકાર રામ સુતાર કહે છે કે પ્રતિમા સિંધુ સભ્યતાની કળાના આધારે બનાવાઈ છે. ચાર ધાતુઓનો ઉપયોગ થયો છે જેથી તેને હજારો વર્ષ સુધી કાટ નહીં લાગે. તેમાં ૮૫ ટકા તાંબું વપરાયું છે.
સરદારના સ્ટેચ્યુના ‘હૃદય’માંથી નર્મદા ડેમવેલી જોઈ શકાશે. પ્રતિમામાં લિફ્ટની મદદથી પ્રવાસીઓ પ્રતિમામાં સરદારના હૃદયના ભાગે બનાવવામાં આવેલી ગેલરી સુધી જઈ શકશે. ગેલેરી એ રીતે બનાવાઇ છે કે તેમાંથી લોકો સરદાર સરોવર બંધ તથા નર્મદાના તટે ૧૭ કિમી લાંબી ફૂલોની વેલી નિહાળી શકશે. સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટીને પશ્ચિમ ભારતના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી રહી છે. અહીં પ્રતિમા ઉપરાંત અન્ય આકર્ષણો પણ સાકાર થઇ રહ્યા છે.