બ્રસેલ્સઃ બોમ્બ વિસ્ફોટથી ધણધણી ઉઠેલી બેલ્જિયમમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ગુજરાતીઓની મોટી વસતી છે. હીરા ઉદ્યોગની રાજધાની ગણાતા બેલ્જિયમના એન્ટવર્પમાં મોટી સંખ્યામાં ગુજરાતી વેપારીઓ વસવાટ કરે છે. રાજધાની બ્રસેલ્સના વિમાની મથકેથી ભારત આવતા લોકોમાં સૌથી મોટી સંખ્યા પણ ગુજરાતી પ્રવાસીઓની જ હોય છે. જોકે મંગળવારના આતંકી હુમલામાં કોઇ ગુજરાતીની જાનહાનિ થઇ નથી.
બ્રસેલ્સ કેમ ટાર્ગેટ?
બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સ ખાતે યુરોપિયન યુનિયન (ઇયુ) અને પશ્ચિમી દેશોના લશ્કરી સંગઠન ‘નાટો’ના વડા મથકો આવેલાં છે. યુરોપને પોતાનું આગામી લક્ષ્યાંક માનતા ઇસ્લામિક સ્ટેટના આતંકીઓએ બ્રસેલ્સને ટાર્ગેટ બનાવી સમગ્ર યુરોપને લક્ષ્યાંક બનાવ્યું હોવાનો મેસેજ આપ્યો છે. સીરિયા અને ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટ સામે લડી રહેલા યુરોપના દેશોને સીધો સંદેશો આપવાનો પ્રયાસ કરાયો છે.
બેલ્જિયમ અને બ્રસેલ્સ સાથે સંકળાયેલી ખાસ વાતો
• ૧૩ નવેમ્બરના રોજ પેરિસમાં થયેલા હુમલાના ત્રણ આરોપીઓ બ્રસેલ્સ સાથે જોડાણ ધરાવે છે. તેમાં સાલાહ અબ્દેસલામનો પણ સમાવેશ થાય છે.
• ફ્રાન્સને જ નહીં, પરંતુ સમગ્ર યુરોપમાં બ્રસેલ્સને પણ ઇસ્લામિક આતંકવાદની રાજધાની તરીકે ઓળખાવવામાં આવે છે.
• બ્રસેલ્સમાં ‘નાટો’ અને યુરોપિયન યુનિયન (ઇયુ)નાં હેડ ક્વાર્ટર્સ આવેલા છે.
• ૧૨ લાખની વસતી ધરાવતાં આ શહેરમાં છેલ્લાં ૫૦-૬૦ વર્ષોમાં વિભિન્ન દેશોમાંથી આવીને વસેલાં પ્રવાસીઓની વસાહતોમાં વહેંચાયેલું છે.
• અહીં મોટા ભાગે નોર્થ આફ્રિકાના અરબી દેશોના લોકો છે, જેમના સિવાય પાકિસ્તાનીઓ, ઇરાની, અફઘાની અને ભારતીયો પણ મોટી સંખ્યામાં છે.
• ૧૮૩૦માં સ્વતંત્ર દેશ બન્યાં બાદ બેલ્જિયમ ઉત્તરમાં ડચ અને દક્ષિણમાં ફ્રેન્ચ ભાષીઓનો પરસ્પર ટકરાવ ઝીલી રહ્યું છે.
• અહીં ચૂંટણીઓમાં ઘણી વાર એક પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળતી નથી. જોડાણવાળી સરકાર રચવામાં પણ સમય લાગી જાય છે. આ સંજોગોમાં શાસનતંત્ર મજબૂત થઈ શકતું નથી.
• બેલ્જિયમમાં મુસલમાનોનું આગમન ૧૯૬૦ના દશકાથી શરૂ થયું હતું. કહેવાય છે કે આ દેશની દસ ટકા વસતી ઇસ્લામ ધર્મમાં માને છે, જ્યારે બ્રસેલ્સમાં તેમની સંખ્યા ૨૫-૩૫ ટકા છે.
• ફ્રાન્સનું સંસ્થાન કહી ચૂકેલા મોરોક્કો, અલ્જિરિયા તેમજ ટયુનિશિયાના અહીં રહેતા મોટા ભાગના લોકો અરબી ઉપરાંત ફ્રેન્ચ પણ બોલે છે. બ્રસેલ્સના ૪૧ ટકા લોકોની ભાષા ફ્રેન્ચ છે.
• બેલ્જિયમમાં ૧૯૭૪માં ઇસ્લામને એક એવા ધર્મ તરીકે માન્યતા આપવામાં આવી છે. માન્યતા પ્રાપ્ત ઇસ્લામિક સંગઠનોને અહીં દર વર્ષે લગભગ એક કરોડ ડોલર જેટલું અનુદાન મળે છે.
• ભારતના મેઘાલય રાજ્યથી થોડાક મોટા બેલ્જિયમમાં લગભગ ૩૫૦ મસ્જિદો છે, જેમાં ૮૦ માત્ર બ્રસેલ્સમાં જ છે.
• પ્રાથમિક શાળાઓમાં ૪૩ ટકા બાળકો ઇસ્લામનું ધર્મશિક્ષણ પસંદ કરે છે. બેલ્જિયમ કેથોલિક સંપ્રદાયની બહુમતી ધરાવતો ખ્રિસ્તી દેશ છે, તેમ છતાં માત્ર ૨૩ ટકા લોકો કેથોલિક ધર્મશિક્ષણની પસંદગી કરે છે.
• અહીં રહેતાં મુસ્લિમ પરિવારોના બાળકો વધારે અભ્યાસ કરતાં નથી. આમાંના ઘણા યુવાનો શિસ્ત વગરના, ગુનાખોરી વૃત્તિ ધરાવતા અને બેરોજગાર હોય છે.
• બ્રસેલ્સના પરાવિસ્તાર માલનબેકમાં લગભગ એક લાખ લોકો રહે છે. અહીં અડધા લોકો વિદેશી છે. ૧૩ નવેમ્બર, ૨૦૧૫ના રોજ પેરિસ આતંકી હુમલાના ત્રણ આતંકી અબ્દેલ હામિદ અબાઉદ, સાલાહ અબ્દેસલામ અને એક અન્ય અહીંના રહેવાસી છે. કહેવાય છે કે પોલીસ પણ આ વિસ્તારમાં પ્રવેશવાની હિંમત કરતી નથી.