નવી દિલ્હીઃ કોરોના રસીકરણના અભિયાનમાં ૧૦૦ કરોડ ડોઝની સિદ્ધિ પ્રાપ્ત કર્યાના બે દિવસ બાદ વડા પ્રધાન મોદીએ શનિવારે ભારતમાં કોરોનાની રસી બનાવતી કંપનીના સીઈઓ સાથે મહત્ત્વની બેઠક યોજી હતી. વડા પ્રધાને રસી નિર્માતાઓના અનુભવોની જાણકારી મેળવીને વેક્સિન રિસર્ચ આગળ વધારવા પર ચર્ચા કરી હતી. બેઠકમાં આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા પણ હાજર રહ્યા હતા.
કોરોના રસીના નિર્માતાઓએ કોરોના રસી રેકોર્ડ સમયમાં તૈયાર કરવા અને તેમને લેબોરેટરીથી જનતા સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં કરેલી મદદ અને સહકાર માટે વડા પ્રધાન મોદીનો આભાર માન્યો હતો. ઝાયડસ કેડિલાના વડા પંકજ પટેલે જણાવ્યું હતું કે અમારા વૈજ્ઞાનિકો, સહકર્મીઓ વેક્સિન વિકસાવવામાં સફળ રહ્યા છે તેની પાછળ સૌથી મોટું પ્રેરણાદાયી પરિબળ વડા પ્રધાન નરેન્દ્ર મોદી રહ્યા છે. જેમણે શરૂઆતથી જ અમને ખૂબ પ્રોત્સાહિત કર્યા છે અને કહ્યું હતું કે, તમે આગળ વધો, ભારત સરકાર તમારી સાથે છે, તમને જ્યાં પણ અસુવિધા ઊભી થશે ત્યાં મદદ કરીશું. વડા પ્રધાનના આ અભિગમના લીધે જ અમે વેક્સિન ડેવલપ કરી શક્યા છીએ.
સીરમ ઇન્સ્ટિટ્યુટના સીઈઓ સાયરસ પૂનાવાલાએ જણાવ્યું હતું કે, પીએમ મોદી અને આરોગ્ય મંત્રાલયે તાત્કાલિક નિર્ણયો ન લીધાં હોત તો ભારત આજે ૧૦૦ કરોડ ડોઝ બનાવવામાં સફળ રહ્યો
ન હોત.