વોશિંગ્ટનઃ અમેરિકાની વિશાળ વસતીને કોરોનાની રસી આપવી મોટો પડકાર છે. ત્યારે પેન્સિલ્વેનિયા સ્ટેટમાં આવેલા નાનકડા સ્ક્રીપેડ ટાઉનમાં એક ગુજરાતી ડોક્ટરે સ્વેચ્છાએ વેક્સિનેશન અવેરનેસનું બીડું ઝડપ્યું છે.
ડો. મયંક અમીન નામના સ્થાનિક ફાર્માસિસ્ટે આની સાથોસાથ તેમની ફાર્મસીમાં વેક્સિનેશન ક્લિનિક પણ શરૂ કર્યું છે. અંદાજે ૧૫ હજારની વસતી ધરાવતા આ ટાઉનમાં ડો. મયંક અત્યાર સુધીમાં ૩ હજાર લોકોને કોરોનાની રસી આપી ચૂક્યા છે.
પત્ની પાયલ સગર્ભા હોવા છતાં ડો. મયંક આ કામગીરીમાં જોડાયા છે. રોજ સવારે પૂજા-પાઠ અને સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરીને ડો. મયંક સુપરમેનનો ડ્રેસ ધારણ કરીને વેક્સિનેશન શરૂ કરે છે. તેઓ વૃદ્વોને તેમના ઘરે જઇને રસી આપે છે.
સ્થાનિક રહેવાસીઓથી માંડીને મિત્રો-સ્વજનોમાં ‘ડો. મેક’ નામે ઓળખાતા મયંક અમીને કોઇ પણ નફો લીધો વિના શરૂ કરેલા અભિયાનની અમેરિકી મીડિયાએ પણ ભરપૂર પ્રશંસા કરી છે.