અમદાવાદઃ વેદાંતા લિમિટેડે તેના સેમી-કંડક્ટર પ્રોજેક્ટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાત પર પસંદગી ઉતારી છે. કંપની તાઈવાનની ટોચની સેમી-કંડક્ટર ઉત્પાદક ફોક્સકોન સાથે સંયુક્ત સાહસમાં સેમી-કંડક્ટર ક્ષેત્રે 20 બિલિયન ડોલરનું રોકાણ કરવા ધારે છે. વેદાંતે આ માટે ગુજરાત સરકાર તરફ્થી મૂડી ખર્ચ સહિત ઉપરની ફાઈનાન્સિયલ તેમજ નોન-ફાઈનાન્સિયલ સહિતની સબસિડી મેળવી હોવા સાથે સસ્તી વીજળી માટે પણ ખાતરી મેળવી હોવાનું વર્તુળો જણાવે છે. આ અંગેના સમજૂતી કરાર પર મંગળવારે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર થયા હતા.
આ ડેવલપમેન્ટને નજીકથી જોઈ રહેલા વર્તુળો ઉમેરે છે કે ડિસ્પ્લે અને સેમી-કંડક્ટર ફેસિલિટીઝને સમાવતો આ પ્રોજેક્ટ રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદ નજીક આવેલો હશે. રાજ્યમાં પ્લાન્ટની સ્થાપના માટે વેદાંતે ઈન્સેન્ટિવ્સ માટે કરેલા લોબિંગમાં સરકાર પાસેથી 99-વર્ષના લીઝ પેટે મફ્તમાં 1000 એકર્સ (405 હેક્ટર્સ) જમીનની માગણી કરી હતી. સાથે 20 વર્ષો માટે રાહત દરે તથા ફિક્સ્ટ પ્રાઈઝ પર પાણી અને વીજળીની માગ પણ કરી હતી.
આ અંગે વેદાંતાના પ્રવક્તાએ કોઈ પ્રતિભાવ આપ્યો નહોતો જ્યારે ફોક્સકોને તત્કાળ કોઈ પ્રતિક્રિયા નથી આપી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના સિનિયર અધિકારી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઓફ્સિના સિનિયર અધિકારીએ આ બાબતે કોઈ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો.
વેદાંત-ફોક્સકોનના મેગા પ્રોજેક્ટને આકર્ષવાની સ્પર્ધામાં મહારાષ્ટ્ર, તેલંગણ અને કર્ણાટક પણ જોડાયા હતાં. જોકે ગયા છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં આખરી તબક્કાની મંત્રણાઓમાં ગુજરાતે મહારાષ્ટ્રને પાછળ રાખી દીધું હતું અને જંગી રોકાણ ધરાવતો પ્રોજેક્ટ મેળવ્યો હતો.
ભારતનું સેમી-કંડક્ટર માર્કેટ 2026 સુધીમાં 63 બિલિયન ડોલરનું બનવાનો અંદાજ છે. 2020માં તે 15 બિલિયન ડોલરનું હતું. વિશ્વમાં ચીપ ઉત્પાદનમાં તાઈવાન ટોચનું સ્થાન ધરાવે છે. ત્યારબાદ ચીન અને યુએસનો ક્રમ આવે છે.