અમદાવાદ: રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસની નેતાગીરી સાથી પક્ષોને સાચવવામાં સદંતર નિષ્ફળ નિવડતા ભાજપ માટે ત્રીજી બેઠક જીતવાનું સરળ બન્યું હતું. ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી)એ છેલ્લી ઘડી સુધી પત્તા ખોલ્યાં ન હતાં.
મતદાનના દિવસે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દિવસભર બીટીપીના નેતાઓને મનાવવા માટે ચપ્પલ ઘસતાં રહ્યાં હતાં પણ આખરે બીટીપીએ મતદાન નહીં કરવાનો નિર્ણય લઈ કોંગ્રેસ સાથે રાજકીય વેર વાળ્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચમાં બીટીપી સામે ઉમેદવાર ઊભા રાખવાનું કોંગ્રેસને ભારે પડ્યું હતું. બીટીપીના આ નિર્ણયથી કોંગ્રેસની બાજી ઊંધી વળી ગઈ હતી અને ભાજપની ત્રીજી બેઠક પરની જીત આસાન બની હતી.
રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી છેલ્લી ઘડી સુધી રોમાંચક સ્થિતિમાં રહી હતી કેમ કે એનસીપી અને બીટીપીના મતો કોના ફાળે જશે તે નક્કી ન હતું. આ ઉપરાંત ભાજપ-કોંગ્રેસને ક્રોસ વોટિંગનો પણ ભય સતાવી રહ્યો હતો. આ બધીય પરિસ્થિતિ વચ્ચે એનસીપીએ તો ભાજપને મત આપ્યો હતો પણ બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવા અને મહેશ વસાવાએ છેલ્લી ઘડી સુધી કોને મત આપવો તે અંગે કોઈ નિર્ણય લીધો ન હતો. જેના કારણે ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમારે બીટીપીના ધારાસભ્યો સાથે બંધબારણે બેઠક યોજી હતી.
બીટીપીએ આદિવાસી વિસ્તારમાં પેસા એક્ટ લાગુ કરવા સિવાય અન્ય મુદ્દાઓને લઈને માંગ કરી હતી. જોકે, આ બેઠક પૂર્ણ થયા બાદ તુરંત જ કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, નિરીક્ષક બી. કે. હરિપ્રસાદ, ભિલોડાના ધારાસભ્ય અનિલ જોશિયારાએ છોટુ વસાવા સાથે બેઠક યોજીને મનામણાના પ્રયાસો કર્યા હતા.
આ ખેંચતાણના કારણે મતદાનના છેલ્લા કલાક સુધી ભાજપ અને કોંગ્રેસને ચિંતા હતી કે બીટીપી કોને મત આપશે. આખરે છોટુ વસાવાએ મતદાનથી અળગા રહેવાનો નિર્ણય કર્યો હતો જેથી ભાજપની ત્રીજી બેઠક જીતવાનો માર્ગ એકદમ મોકળો બન્યો હતો. આ તરફ, કોંગ્રેસે બીજી બેઠક જીતવાની આશા છોડી દીધી હતી.
સૂત્રોના મતે, આ જ બીટીપીએ રાજ્યસભાની ગત ચૂંટણી વેળા અમિત શાહની બધાય રાજકીય દાવપેચ પર પાણી ફેરવીને અહેમદ પટેલને મત આપીને વિજયી બનાવ્યાં હતાં. જોકે આટલો સાથસહકાર આપવા છતાં વિધાનસભાની ચૂંટણી વેળા કોંગ્રેસ બીટીપીનો ઉપકાર ભૂલી ગઇ હતી, અને ભરૂચ વિધાનસભા બેઠક પર બીટીપીના ઉમેદવારની સામે પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો હતો. આ સમયે બીટીપીને અપાયેલું વચન કોંગ્રેસના નેતાઓ ભૂલી ગયા હતા. જેના કારણે આ વખતે બીટીપીએ મત ન આપીને રૂપાણી સરકારને આડકતરું સમર્થન આપ્યું હતું અને કોંગ્રેસ સાથે રાજકીય વેર વાળ્યું હતું.