અમદાવાદઃ ભાજપમાં આંતરિક વિવાદ ઊડીને આંખે વળગી રહ્યો છે. એક બાજુ કોંગ્રેસમાં કકળાટ જામ્યો છે ત્યારે ભાજપના પ્રદેશના નેતાઓનો જૂથવાદ બરોબર જામ્યો છે. પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરી માટે હવે વિધાનસભાના દરવાજા બંધ થઇ ગયાં છે. હવે શંકર ચૌધરી માટે ધારાસભ્ય બનવાની તક પણ રહી નથી.
ચર્ચા છે કે નીતિન પટેલ અને જીતુ વાઘાણી જૂથે જ શંકર ચૌધરીને ટિકિટ ન મળે તેવા ભરપૂર પ્રયાસો કરતાં અલ્પેશ ઠાકોરને ફાવતું મળ્યું છે. જોકે, શંકર ચૌધરીનું પત્તું કપાતાં ચૌધરી મતદારો ભાજપથી ભારોભાર નારાજ છે. ભાજપ અલ્પેશ ઠાકોરને સબક શીખવવાના મૂડમાં છે. છેલ્લા કેટલાય વખતથી પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરી જાણે ગુજરાતના રાજકારણમાંથી આઉટ છે. પરબત પટલને સાંસદની ટિકિટ અપાવીને ધારાસભ્ય બનવા મથતા શંકર ચૌધરીને જ ભાજપે ટિકિટ આપી નહીં.
શંકર ચૌધરીએ છેલ્લી ઘડી સુધી અલ્પેશ ઠાકોરને રાધનપુર નહીં, પણ થરાદ બેઠક પર ટિકિટ મળે તેવા ધમપછાડા કર્યાં હતાં, પણ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના જૂથે શંકર ચૌધરીનો રસ્તામાં અવરોધ સર્જ્યો હતો.
ભાજપના પ્રદેશ નેતાઓ જ ઇચ્છતા ન હતા કે, શંકર ચૌધરીને ટિકિટ મળે. ભાજપના પ્રદેશ નેતાઓએ અલ્પેશ ઠાકોરને સાથ આપ્યો જયારે શંકર ચૌધરીનું પત્તું કાપ્યું હતું. આમ, પટેલ-ઠાકોર નેતાઓએ ઉત્તર ગુજરાતના ચૌધરી નેતાનું રાજકીય કાસળ કાઢી નાંખ્યુ હતું. આ રાજકીય ડ્રામામાં અલ્પેશ ઠાકોરને ફાવતું મળ્યું હતું જયારે ચૌધરી મતદારો રોષે ભરાયાં છે.