ક્રાઇસ્ટચર્ચ (ન્યૂ ઝીલેન્ડ)ઃ કોઇએ ઉજળા ભવિષ્યની આશાએ તો કોઇએ ઉચ્ચ અભ્યાસ માટે, તો કોઇએ વળી આંખોમાં સંતાનોની પ્રગતિનાં શમણાં આંજીને માદરે વતન છોડ્યું હતું... અને ન્યૂ ઝીલેન્ડને બીજું ઘર બનાવ્યું હતું. દરેકના કારણો અલગ હતા, અને દિશાઓ અલગ હતી, પરંતુ લક્ષ્ય એક જ હતું - સુખસમૃદ્ધિ. જોકે એક સનકી આતંકીના બેફામ ગોળીબારે ક્ષણભરમાં બધું રોળી નાંખ્યું. જિંદગીભર સેવેલાં સપનાં લોહીનાં ખાબોચિયામાં રેલાઇ ગયાં અને આ સપનાં જોનારાં સ્વજનોની સ્મૃતિમાં સમેટાઇ ગયા...
ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં ૧૫ માર્ચે થયેલા અંધાધૂંધ ગોળીબારમાં જીવ ગુમાવનાર ૫૦ જણાંમાં ૯ ભારતીયોનો સમાવેશ થાય છે, જેમાંથી પાંચ ગુજરાતી છે.
આતંકી હુમલામાં જીવ ગુમાવનાર મહેબૂબ ખોખર (અમદાવાદ), જૂનૈદ યુસુફ કારા (અડદા-નવસારી), પિતા-પુત્ર આરીફ મહમ્મદઅલી વોરા - રમીઝ આરીફભાઇ વોરા (વડોદરા) પેશ ઇમામ હાફેઝ મુસા વલી પટેલ (લુવારા-ભરૂચ) તેમજ અંશી અલીબાવા (કેરળ), ઓઝીર ખાદીર
તથા ફરહાઝ અહેસાન (હૈદરાબાદ) અને મોહમ્મદ ઇમરાન ખાન (તેલંગણ)નો સમાવેશ થાય છે.
આતંકી હુમલા વેળા ભારે અફડાતફડી અને અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન અનેક લોકોનો અતોપતો ન લાગતા તેમજ હુમલાનો ભોગ બનેલાઓની ઓળખ નક્કી ન થતાં સત્તાવાળાઓએ અનેક લોકોને ‘મિસિંગ’ જાહેર કર્યા હતા. આથી અનેક પરિવારોને તેમના સ્વજનો હેમખેમ પરત ફરવાની આશા હતી. જોકે બાદમાં હુમલાનો ભોગ બનેલાઓની ઓળખ નક્કી થતાં પરિવારજનોમાં શોકનું મોજું પ્રસરતું ગયું હતું. જોકે આ હુમલામાં આણંદનો ૨૧ વર્ષનો સિવિલ એન્જિનિયર યુવાન મસ્જિદના મીમ્બર પાછળ સંતાઇ જતાં તેનો આબાદ બચાવ થયો હોવાના પણ અહેવાલ છે.
ઘટનાનો ભોગ બનેલાઓમાં ગુજરાતીઓની સંખ્યા વિશેષ હોવાની જાણ થતાં જ મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ રાજ્યના ઉચ્ચ અધિકારીઓને ન્યુ ઝીલેન્ડસ્થિત ભારતીય હાઇ કમિશનનો સંપર્ક કરીને તાકિદે આવશ્યક પગલાં લેવા જણાવ્યું હતું.
રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. એમ. તિવારીએ ન્યૂ ઝીલેન્ડ-સ્થિત ભારતીય હાઈ કમિશનર સંજીવ કોહલીનો સંપર્ક સાધીને પીડિત ગુજરાતીઓના પરિવારજનોને જરૂરી મદદ પહોંચાડવા અનુરોધ કર્યો હતો. બીજી તરફ, સામાન્ય વહીવટી વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહે ભારત સરકારના વિદેશ મંત્રાલયનો સંપર્ક સાધીને પીડિતોના પરિવારજનોને સત્વર ન્યૂ ઝીલેન્ડના વીઝા મળી રહે તે માટે પ્રયાસ હાથ ધર્યા હતા.
મહેબૂબભાઇ પુત્રને મળવા ન્યૂ ઝીલેન્ડ ગયા હતા
ગોળીબારનો બનેલાઓમાં અમદાવાદના જુહાપુરામાં રહેતા મહેબૂબ ખોખરનો સમાવેશ થાય છે. ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ (જીઇબી)ના નિવૃત્ત અધિકારી ૬૫ વર્ષીય મહેબૂબ ખોખર આતંકી દ્વારા કરાયેલા ગોળીબારમાં ગંભીર રીતે ઘવાતા હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન ૧૬ માર્ચે તેમનું મૃત્યુ થયું હતું. મહેબૂબ ખોખરના અવસાનના સમાચાર મળતાં જ પરિવારમાં માતમ છવાઇ ગયો છે.
મહેબૂબ ખોખર ૬૫ વર્ષીય પત્ની અખ્તર બેગમ સાથે બે મહિના અગાઉ જ ૨૮ વર્ષીય પુત્ર ઇમરાન ખોખર સાથે રહેવા માટે ન્યૂ ઝીલેન્ડ ગયા હતા. ક્રાઇસ્ટચર્ચના સબર્બ ફિલિપ્સટાઉનમાં રહેતા મહેબૂબ ખોખર અલ નૂર મસ્જિદમાં જુમ્માની નમાઝ અદા કરી રહ્યા હતા ત્યાં આતંકી દ્વારા કરાયેલા અંધાધૂંધ ગોળીબારમાં તેમને ગંભીર ઇજા થઇ હતી. તેમને તાકિદે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
મહેબૂબ ખોખર પાંચ વર્ષ અગાઉ જીઇબીમાંથી ડેપ્યુટી એન્જિનિયર તરીકે નિવૃત્ત થયા હતા. તેમનો પુત્ર ઇમરાન ૨૦૧૦માં ઉચ્ચ અભ્યાસ માટે ન્યૂ ઝીલેન્ડ સ્થાયી થયો હતો. અભ્યાસ પૂરો થયા બાદ ઇમરાને ફિલિપ્સટાઉનમાં કુરિયર અને ટ્રાન્સપોર્ટ સર્વિસનો બિઝનેસ શરૂ કર્યો હતો. પુત્રના આગ્રહથી બે મહિના અગાઉ મહેબૂબ ખોખર - અખ્તર બેગમ ન્યૂ ઝીલેન્ડ ગયા હતા.
વડોદરાના પિતા-પુત્રે જીવ ગુમાવ્યો
શુક્રવારે બપોરે નમાજના સમયે આતંકીએ હુમલો કર્યો વડોદરાના આજવા રોડ પર રહેતા આરટીઓ એજન્ટ અને તેમનો યુવાન પુત્ર પણ મસ્જિદમાં હાજર હતા. આતંકી હુમલાનો ભોગ બનેલા વડોદરાના ૫૮ વર્ષીય આરીફભાઈ મહંમદઅલી વ્હોરા વડોદરાના આજવા રોડ પર રહેતા હતા અને આરટીઓ તથા વીમા એજન્ટની કામગીરી કરતા હતા.
આરીફભાઈના બે પુત્રો પૈકી એક પુત્ર રાહીલ ઓસ્ટ્રેલિયામાં રહે છે જયારે બીજો પુત્ર રમીઝ (૨૮) છેલ્લા આઠેક વર્ષથી ન્યૂ ઝીલેન્ડમાં ક્રાઈસ્ટચર્ચ સિટીમાં પત્ની ખુશ્બુ સાથે સ્થાઇ થયો હતો. રમીઝ વોરા ન્યૂ ઝીલેન્ડમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
ખુશ્બુ ગર્ભવતી હતી અને તેમની પ્રસુતીનો સમય થયો હોવાથી તેની સારસંભાળ માટે આરીફભાઈ અને તેમના પત્ની રૂખસાનાબેન ૨૫ દિવસ અગાઉ જ ક્રાઈસ્ટચર્ચ ખાતે રમીઝના ઘરે ગયા હતા. લગભગ ૬ દિવસ અગાઉ જ ખુશબુએ બેબી ગર્લને જન્મ આપ્યો છે. ઘટના વેળા રૂખસાનાબેન ખુશબુ સાથે હોસ્પિટલમાં જ હતા.
દરમિયાન શુક્રવારે મોટી નમાજ હોઈ આરીફભાઈ અને રમીઝ અલ-નુર મસ્જીદમાં નમાઝ પઢવા માટે ગયા હતા. આ જ સમયે આંતકવાદીએ આડેધડ ફાયરીંગ કરતા અનેક લોકોના મોત નીપજ્યા હતા અને મસ્જિદમાં હાજર અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ આરીફભાઇ અને તેના પુત્ર રમીઝનો કોઇ સંપર્ક થતો ન હતો. તેમના બન્નેના મોબાઇલ ફોનમાં પણ માત્ર રિંગ વાગતી હતી. જોકે ફોન રિસિવ થતો ન હતો. બાદમાં ન્યૂ ઝીલેન્ડ સરકારે જાહેર કરેલી મૃતકોની યાદીમાં આરીફભાઇ અને રમીઝનું પણ નામ હોવાની જાણ વડોદરામાં રહેતા તેમના પરિવારજનોને થઇ હતી.
સમાચાર મળતાં જ વડોદરાથી આરીફભાઇના નાના ભાઇ મોહસીનભાઇ અને આણંદથી ખુશ્બુબેનના માતા-પિતા સાબેરાબેન અને મુનાફભાઇ કાપડીયા ન્યૂ ઝીલેન્ડ જવા રવાના થઇ ગયા હતા.
અડદાના જુનૈદ કારા આતંકનો ભોગ બન્યા
હુમલાનો ભોગ બનેલાઓમાં નવસારીના અડદા ગામનાં મુસ્લિમ એનઆરઆઈનો પણ સમાવેશ થાય છે. ઇસ્માઇલ કારા પરિવારના જુનેદભાઇનો પરિવાર દસ વર્ષથી ન્યૂ ઝીલેન્ડમાં વસવાટ કરે છે. નવસારી તાલુકાના અડદા ગામનાં મૂળ વતની એવા જુનેદ યુસુફભાઈ કારા (૩૬) બે સંતાનોના પિતા છે. જુનેદ કારા અને તેમનો પરિવાર ન્યૂ ઝીલેન્ડમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સનું સંચાલન કરે છે. જાણવા મળતી માહિતી મુજબ આર્થિક સમૃદ્ધ ઈસ્માઇલ કારા પરિવારે ગામની જમીન લોકઉપયોગી પ્રવૃત્તિ માટે દાનમાં આપી દીધી છે.
ભરૂચ જિલ્લાના લુવારાના વતની હાફિઝ મુસાવલી
આતંકી હુમલામાં ભરૂચ જિલ્લાના લુવારા ગામના વતની ઇમામ હાફિઝ મુસાવલી પટેલને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને સારવાર માટે તરત જ હોસ્પિટલે ખસેડાયા હતા, પરંતુ કોઇ સારવાર કારગત નિવડી નહોતી.
ઉલ્લેખનીય છે કે હાફિઝ ક્રાઇસ્ટચર્ચની લોટાકા મસ્જિદમાં મૌલવી તરીકે સેવા આપતાં હતા. તેમના નિધનના સમાચાર મળતા લુવારા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઈમામ હાફિઝ મુસા પટેલ નમાઝ પઢવા ગયા હતા જ્યાં આતંકી દ્વારા કરાયેલા ગોળીબારમાં તેમને કમરના નીચેના ભાગમાં ગોળીઓ વાગી હતી.