અમદાવાદ: ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2023 માટે ગુજરાતી ભાષાના ગૌરવ પુરસ્કારની જાહેરાત થઇ છે જેમાં સાહિત્ય ગૌરવ પુરસ્કાર માટે જાણીતા શિક્ષણવિદ્ અને સાહિત્યકાર ડો. બળવંત જાનીની પસંદગી થઇ છે જ્યારે યુવા ગૌરવ પુરસ્કાર માટે કવિ મિલિંદ ગઢવીની પસંદગી થઇ છે. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં ચર્ચાવિચારણાના અંતે પુરસ્કારોની જાહેરાત કરાઇ હતી.
ગુજરાતી સાહિત્યના પ્રચાર-પ્રસાર ક્ષેત્રે કાર્યરત શિક્ષણવિદ્ અને સાહિત્યકાર ડો. બળવંત જાની હસ્તપ્રત વિદ્યાના જાણકાર છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનમાંથી એમ.એ.નો અભ્યાસ કર્યો છે. તેઓ 1979માં ગુજરાતી વિષયના અધ્યાપક બન્યા બાદ 1981માં પીએચ.ડીની પદવી મેળવી હતી. તેમણે મધ્યકાલીન સાહિત્ય, અલોક સાહિત્ય, શ્રુત જ્ઞાન પરંપરા, જૈન સાહિત્ય, ચારણ, બારોટી, વનવાસી, સંતવાણી, કાવ્યશાસ્ત્ર અને વિવેચન આદિ ઉપર 100 જેટલા પુસ્તકો લખ્યા છે. વિવિધ યુનિવર્સિટીઓમાં ઉપકુલપતિ તરીકે ફરજ બજાવી ચૂકેલા ડો. જાનીએ ડાયસ્પોરા સાહિત્યના પ્રસારમાં ઉલ્લેખનીય પ્રદાન આપ્યું છે.
યુવા ગૌરવ પુરસ્કાર વિજેતા મિલિંદ ગઢવી ગુજરાતી ભાષાના યુવા કવિ અને ગીતકાર છે. તેમણે અનેક ગુજરાતી ફિલ્મો માટે ગીતો લખ્યા છે. તેમણે ગુજરાતી ફિલ્મ ‘પ્રેમજીઃ રાઈઝ ઓફ ધ વોરિયર’ના શ્રેષ્ઠ ગીતો માટે 15મો ટ્રાન્સમીડિયા એવોર્ડ મેળવ્યો છે.