અંકલેશ્વર: કોરોના મહામારીને લઇને ચાલુ વર્ષે મા અંબાની ગરબાની પરંપરા તૂટી છે. અંક્લેશ્વરનો એક એવો આશ્રમ જ્યાં મા અંબાની આરતીના ૪૦૦ વર્ષ પૂર્વે રચના થઇ હતી. નર્મદા નદી કિનારે આવેલું તીર્થ સ્થાન એટલે માર્કંડ ઋષિનો આશ્રમ. ઋષિના નામ પરથી આ ગામનું નામ પણ માંડવા બુઝર્ગ પડ્યું છે. અંકલેશ્વર શહેરથી ૧૦ કિમી દૂરના અંતરે નર્મદા નદી કિનારે જૂના માંડવા ગામે અંબાજી યાત્રાધામમાં આવેલું છે. જૂના માંડવા ગામે માર્કંડેશ્વર મહાદેવ મંદિર અને મા અંબા મંદિરે હંમેશાં આરતીની ગૂંજ સંભળાય છે.
મા રેવા એટલે શિવપુત્રી નર્મદા. જેના કિનારે ડગલેને પગલે મહાદેવ વસે છે. તો મા અંબાના આશીર્વાદ પણ નર્મદા પર છે. જેથી મા અંબાના અનેક ધામ પણ નર્મદા નદી કિનારે આવેલા છે. એમાં માર્કંડેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ૪૦૦ વર્ષ પૂર્વે શિવાનંદ પંડ્યા એટલે કે શિવાનંદ સ્વામીએ આદ્યશક્તિની આરતીની રચના કરી હતી. માતાજીની આરતીની છેલ્લી કડીમાં તેના ઉલ્લેખ પણ છે. ‘ભણે શિવાનંદ સ્વામી, સુખ-સંપત્તિ થાશે...!’ જે જગાએ બેસીને તેઓએ મા અંબાની આરાધના કરી હતી તે સ્થળે ૪૧૯ વર્ષ જૂનું મા અંબાનું મંદિર છે.
માંડવા બુઝર્ગ ગામે વર્ષ ૧૯૬૩માં કાંસિયા ગામના નટવર મોદીએ માતાજીના એક દેરી બંધાવી હતી. વર્તમાન સમયમાં આ મંદિરની સંભાળ તેમના દીકરા પ્રકાશ મોદી અને વહુ ગીતાબહેન મોદી કરી રહ્યા છે. હવે આ સ્થળનું નવીનીકરણ પણ કરાયું છે.
૧૬૦૧માં શિવાનંદ સ્વામીએ આરતી રચી
પ્રકાશ મોદી કહે છે કે, ઇ.સ. ૧૬૦૧માં શિવાનંદ સ્વામીએ માતાજીના દર્શન થયાનો ઉલ્લેખ જોવા મળે છે. અમે સાંભળેલા ઇતિહાસ પ્રમાણે શિવાનંદ સ્વામી સાડા ત્રણ દાયકા સુધી નર્મદા-તાપી નદીને કિનારે ભટક્યા હતા. નર્મદાને કિનારે મંદિરની દેરીના ઓટલે બેસીને માતાજીની આરતીની રચના કરી હતી. શરૂઆતમાં આ આરતી ૧૭ કડીની હતી. બાદમાં નવી ચાર કડીઓ તેમાં ઉમેરાઇ અને હવે ૨૧ કડીમાં આરતી ગવાય છે.