સુરતઃ જૈનધર્મના અતિ સૂક્ષ્મદર્શન સમાન શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ હવે ગુજરાતીમાં ઉપલબ્ધ છે. ૧૯મી સદીમાં જૈનાચાર્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી રચિત આ ગ્રંથમાં માત્ર જૈનદર્શન જ નહીં પણ અન્ય પાંચ દર્શનનો પણ ભંડાર છે. કેટલાક લાભદાયી જૈન ગ્રંથો સંસ્કૃત અને પાકૃત ભાષામાં હોવાથી તે ગુજરાતી લોકો સુધી પહોંચી શક્તા નથી તેથી તે ગુજરાતીમાં લોકભોગ્ય બનાવવા એક મુનિરાજે આખા ગ્રંથનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું બીડું ઝડપ્યું હતું. જેની શુભ શરૂઆત સુરતથી થઈ હતી. ગ્રંથને ગુજરાતી સ્વરૂપ આપનાર મુનિરાજ વેભવરત્ન વિજયજી સુરતમાં જ ચાતુર્માસ અર્થે હાલમાં બિરાજમાન છે. ૧૮-૧૯મી સદીમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ઘણા ખરા ક્ષેત્રમાં જૈનાશાસ્ત્રના ભંડાર ઓછા થઈ ગયા હતા. ગુરુદેવ રાજેન્દ્રસૂરીશ્વરજીને જ્ઞાનનો મોટો વારસો જૈનશાસનને આપવાની ઝંખના હતી. સાધુજીવન દરમિયાન કઠોર તપ - સાધના દ્વારા ન્યાય, કોષ, અલંકાર, કાવ્ય, વ્યાકરણ આધારિક ગ્રંથો તથા જૈન આગમનનો અભ્યાસ કરીને સંવત ૧૯૬૪માં રાજસ્થાનના સિયાણા નગરે ગુફામાં ધ્યાનપૂર્વક અભિધાન રાજેન્દ્ર કોષ લેખનનો આરંભ થયો.
એ પછી તેમના શિષ્યરત્ન મુનિરાજ વૈભવરત્નવિજયજીએ બીડું ઝડપ્યું હતું. સુરતમાં અશાંતધારો લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર મુનિરાજ વૈભવરત્ન વિજયજીએ વર્ષ ૨૦૦૮માં સુરતમાં આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ શરૂ કર્યો હતો. જેનો પ્રથમ ભાગ ‘શબ્દોના શિખર’ તૈયાર થતા પ્રકાશિત કરાયો છે.
મૂળ ગ્રંથની પુર્ણાહૂતિ
રાજેન્દ્રસૂરીશ્વરજી દ્વારા રચિત શ્રી અભિધાન રાજેન્દ્ર કોષનું સમાન સુરતમાં થયું હતું. હવે આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ થઈ રહ્યો છે તેનો પ્રારંભ સુરતથી થયો છે. એમ આ બંને ઘટનામાં સુરત ભાગ્યશાળી હોવાનું જૈન અગ્રણીઓ જણાવે છે. રાજેન્દ્રસૂરીશ્વરજીએ જ્યારે આ ગ્રંથ લખ્યો ત્યારે લેખન સાહિત્યનો પૂર્ણ વિકાસ થયો નહોતો. કહેવાય છે કે રાજેન્દ્રસૂરીશ્વરજી કપડાંના નાના ટુકડાઓને સ્યાહીથી ભીના કરીને તેના પર કલમ ભીની કરીને લખતા હતા.