શ્રેષ્ઠી પરંપરાના અગ્રણી લાલભાઈ પરિવારના કલાસંગ્રહનું પ્રદર્શન

મિતુલ પનિકર Wednesday 08th February 2017 06:05 EST
 
 

અમદાવાદઃ પ્રતિષ્ઠિત શ્રેષ્ઠી પરંપરાના અગ્રણી લાલભાઈ પરિવાર દ્વારા અમદાવાદસ્થિત નવા મ્યુઝિયમમાં તેમના અંગત કળાસંગ્રહને સામાન્ય પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. શાહીબાગ વિસ્તારમાં આવેલા વડવાઓના ૧૧૨ વર્ષ જૂના બંગલા સહિત બે અલગ બંગલા ખાતે નવા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જયશ્રીબહેન સંજય લાલભાઈના જણાવ્યા અનુસાર ૧૬ ફેબ્રુઆરીથી પબ્લિક માટે મ્યુઝિયમ ખુલ્લું મૂકાશે. 

સંજય લાલભાઈએ જણાવ્યું હતું કે,‘અમે સમકાલીન કલાસંગ્રહ પ્રદર્શન માટે મૂક્યો છે પરંતુ વર્ષમાં બે વખત તેમાં ફેરફાર કરવાની અમારી ઈચ્છા છે. લાલભાઈ પરિવારની ૧૭ પેઢીના ઈતિહાસને એક સ્થળે રાખવા માટે આર્કિટેક્ટ રાહુલ મેહરોત્રા નવા સ્થળ પર કાર્ય કરી રહ્યા છે.’

જયશ્રીબહેને જણાવ્યું હતું કે, ‘દિવસમાં બે વખત-સવારે અને સાંજે આગોતરા રજિસ્ટ્રેશનના આધારે ગાઈડેડ ટુરમાં તેમને વિવિધ સેક્શનમાં લઈ જવાનું આયોજન છે.’ ઐતિહાસિક ઈમારતની વર્તમાન સુંદરતામાં જરા પણ ફેરફાર વિના જ વધારાના પ્રદર્શન માટે અનોખી ગ્લાસ ગેલેરીનું સર્જન કરવામાં આવ્યું છે. પ્રદર્શનમાં મૂકાયેલા ભારતીય કળા અને પ્રાચીન નમૂનાઓની રેન્જમાં ઐતિહાસિક ગુણવત્તા અને અંગત પસંદગીઓ વચ્ચે સંપૂર્ણ સમતુલા રાખવામાં આવી છે.

પૂર્વજોના ઘરની બાજુમાં જ ૧૯૩૦ના દાયકામાં બંધાયેલી ઈમારત ક્લાઉડ બેટલી હાઉસમાં હંગામી પ્રદર્શનો, કળાકારોના પશ્ચાદવર્તી ચિત્રો અને યુવા કળાકારોના કાર્યને રખાશે. પર્શિયન, મુગલ, ડેક્કન, પહાડી, રાજસ્થાની, તિબેટિયન થંગાકાઝ સહિત વિવિધ શૈલીનો ૧૦૦૦થી વધુ વર્ષના ઈતિહાસ ધરાવતા ૧૫૦થી ૨૦૦ પેઈન્ટિંગ ડિસ્પ્લેમાં મૂકાયા છે. જયશ્રીબહેને જણાવ્યું હતું કે,‘મુખ્ય ઈમારતમાં પારિવારિક સંગ્રહમાંથી પ્રાચીન કલાનમૂના રખાશે જ્યારે પાછળનું બિલ્ડિંગ શો માટે ફાળવાયું છે.’ નાની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ૨૫૦ની બેઠકક્ષમતા સાથેનું નાનું એમ્ફીથિયેટર પણ છે.

પરમાર્થનો અમર વારસો ધરાવતો પરિવાર

ગુજરાતમાં પ્રતિષ્ઠિત પરિવારોમાંના એક લાલભાઈ પરિવાર મુગલ બાદશાહોના શાહી જ્વેલર શાંતિદાસ ઝવેરીના સીધા વારસદાર છે. સંજય લાલભાઈના દાદા અને પ્રતિષ્ઠિત બિઝનેસમેન કસ્તુરભાઈ લાલભાઈ તેમના પરમાર્થના કાર્યો માટે વધુ જાણીતા છે. તેઓ મહાત્મા ગાંધી સાથે નિકટપણે સંકળાયેલા હતા અને સ્વદેશી ચળવળમાં તેમને મદદ પણ કરી હતી. કસ્તુરભાઈ ૧૯૩૦ના દાયકાની મહામંદી વખતે પણ બ્રિટિશ સાથે મંત્રણાઓમાં સક્રિયપણે સંકળાયા હતા. તેઓ ૧૯૩૪માં ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના અને ૧૯૩૫માં અમદાવાદ મિલ ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ રહ્યા હતા. કસ્તુરભાઈએ શેઠ અમૃતલાલ હરગોવનદાસ અને ગણેશ માવલંકર સાથે મળીને ૧૯૩૬માં અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી, જે આજે ગુજરાત યુનિવર્સિટી છે. આ સોસાયટીએ દાનમાં આપેલી ભૂમિ પર ૧૯૬૧માં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ (IIM-A)નું નિર્માણ કરાયું હતું. IIM-Aને ઉચ્ચ સ્તરે લઈ જવામાં વિક્રમ સારાભાઈ સાથે કસ્તુરભાઈનું પણ વિશેષ પ્રદાન હતું.

ઉદ્દાત ઉદ્દેશના અનોખા સ્વરુપમાં કસ્તુરભાઈ વિવિધ સેક્ટર્સ માટે સંસ્થાઓ અને ઈમારતોના નિર્માણમાં મોખરે રહેતા હતા. ટેકનોલોજી અને એન્જિનીઅરીંગ ક્ષેત્રને અગ્રતા આપવાના હેતુ સાથે ૧૯૪૮માં લાલભાઈ દલપતભાઈ (LD) કોલેજ ઓફ એન્જિનીઅરીંગની સ્થાપના કરાઈ હતી, જે આજે પણ અમદાવાદની ઈજનેરી કોલેજોમાં શ્રેષ્ઠ ગણાય છે. ૧૯૪૯માં ધ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અને ૧૯૬૨માં લાલભાઈ દલપતભાઈ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડોલોજીની સ્થાપના કરાઈ હતી. GCCI અને અમદાવાદ મિલ ઓનર્સ એસોસિયેશન દ્વારા સંયુક્તપણે ધ સંકટ નિવારણ સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી.

ગુજરાતી પ્રજાના લોહીમાં જ ઉદારતાનો ગુણ

લોકકલ્યાણની તેમની વ્યાખ્યા અજબ હતી. લોકોનાં કલ્યાણ માટે તમે કશાનું સર્જન કરી શકતા હો તો નાણા અથવા પ્રોપર્ટી શા માટે દાનમાં આપવી જોઈએ? સમાજને વિશિષ્ઠ પ્રદાન બદલ કસ્તુરભાઈને ૧૯૬૮માં પદ્મ ભૂષણ સન્માનથી વિભૂષિત કરાયા હતા.

તેમના સૌથી નાના પુત્ર શ્રેણિક લાલભાઈમાં પિતાની ઉદારતા ઉતરી આવી છે અને તેમને આજે પણ સાંપ્રત અમદાવાદના પાયલટ ગણવામાં આવે છે. શહેરના પ્રથમ કક્ષાના બિઝનેસગૃહોના પરિવારમાં ત્રીજી પેઢીના શ્રેણિકભાઈ હાર્વર્ડ યુનિવર્સિટીની MBA ડીગ્રી ધરાવે છે. પરિવારના અનેક બિઝનેસીસનું સંચાલન કરવા સાથે તેમણે શિક્ષણ, ઉદ્યોગ, સંસ્કૃતિ અને ધર્મના ક્ષેત્રોમાં પરમાર્થના પિતાના વારસાને આગળ ધપાવ્યો છે. તેઓ લાલભાઈ પરિવાર સંચાલિત અનેક ટ્રસ્ટોમાં ચાવીરુપ સ્થાન ધરાવે છે. તેઓ જૈન ઈતિહાસના સર્વસ્વીકૃત નિષ્ણાત છે. સૌથી વિશાળ અને સૌથી જૂના જૈન ટ્રસ્ટોમાં એક તેમજ ૧,૨૦૦થી વધુ જૈનમંદિરોના નિભાવ અને જિર્ણોદ્ધાર પર નજર રાખતા આણંદજી કલ્યાણજી પેઢીમાં પણ તેઓ અગ્રણી છે. ઈતિહાસવિદ્ ડો. રિઝવાન કાદરીને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે સંશોધન દરમિયાન વિવિધ સંસ્થાઓમાં શ્રેણિકભાઈના પ્રદાન અંગે વિશેષ જાણકારી પ્રાપ્ત થઈ હતી. કસ્તુરભાઈ સરદારના ગાઢ સાથી હતા અને તેમણે અને શ્રેણિકે ડો. રિઝવાનને તેમના કાર્યમાં મદદ કરી હતી.

ગુજરાતી પ્રજાના સખાવતના આજન્મ ગુણના વિશેષ ઉદાહરણ, લાલભાઈ પરિવારે વર્ષોથી સમાજનું ઋણ પરત વાળવાના તેમના વારસાને આગળ જ ધપાવ્યો છે. પદ્મશ્રી એવોર્ડવિજેતા, પ્રતિષ્ઠિત પત્રકાર અને ઈતિહાસવિદ્ વિષ્ણુભાઈ પંડ્યા માને છે કે આ તો ગુજરાતીઓના લોહીમાં જ છે. ‘જ્યારે સખાવતની વાત આવે ત્યારે ગુજરાત અજોડ માનસિકતા ધરાવે છે. આજે જ નહિ, હજારો વર્ષોથી એટલે કે શ્રી કૃષ્ણથી માંડી લાલભાઈ સુધીના સમયગાળામાં હું અસંખ્ય ઉદાહરણ આપી શકું છું. છેલ્લાં ૧,૦૦૦ વર્ષમાં જ પોરબંદરના નાનજી કાલિદાસ તેમજ સૌરાષ્ટ્રમાં છૂટા હાથે દાનની સરવાણી વહેડાવનારા ઈસ્ટ આફ્રિકાના મેઘજી પેથરાજ શાહ જેવા અનેક નામ છે. મધર ટેરેસાના સમય પહેલા પણ સતાધાર ગામના સંત દેવીદાસે રક્તપિત્તિયા દર્દીઓની સારવાર આરંભી હતી. બાંટવા ગામમાં જન્મેલા અબ્દુલ સત્તાર ઈદાહીને લોકો પાકિસ્તાનના ‘એન્જલ ઓફ મર્સી’ દયાના દૂત તરીકે ઓળખે છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં માત્ર સખાવતનું જ કાર્ય કરતી ૧૦૦થી વધુ સંસ્થાઓ છે. જરુરિયાતમંદોને ખોરાક મળે તેવા કેન્દ્રો-‘સદાવ્રત’ ગુજરાતમાં ચાલતા જ રહે છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter