દીવ દેશનું પ્રથમ સોલાર સિટી બન્યું
દીવ દેશનું પ્રથમ સોલાર સિટી બન્યું છે. દીવનાં મલાલા વિસ્તારમાં ૫૦ એકરમાં સોલાર પાવર પ્રોજેકટ કાર્યરત થયો છે, જે દીવ નગરની જરૂરિયાત કરતાં પણ વધુ વીજ પુરવઠો ઉત્પન્ન કરે છે. સ્માર્ટ સિટીમાં સમાવિષ્ટ કુદરતી સંસાધનોથી ભરપૂર અને ટુરિસ્ટોની પ્રથમ પસંદ ધરાવતું દીવ આ સાથે જ દેશનું પ્રથમ સોલાર સીટી બની ગયું છે. દીવને હવે વીજ પુરવઠા માટે કોઈ પણ પર નિર્ભર રહેવું પડતું નથી. મલાલા વિસ્તામાં 50 એકરમાં સોલાર પાવર પ્રોજેકટ છે. દરિયાકિનારાની નજીક આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ દીવ જિલ્લો સંપૂર્ણ રીતે સોલાર આધારિત ઈલેક્ટ્રિકસિટી ધરાવતો દેશનો પ્રથમ જિલ્લો બન્યો છે. 2016માં પ્રથમ ત્રણ મેગાવોટનો પ્લાન્ટ કાર્યરત કરાયો ત્યારબાદ એ જ જગ્યા પર વધુ છ મેગાવોટનો પ્લાન્ટ નખાયો છે. આ પ્લાન્ટ કાર્યરત થયો છે અને સાથે સાથે જ 121 સરકારી બિલ્ડિંગો અને કચેરીની અગાસી પર સોલાર પેનલ ગોઠવીને વીજળી મેળવવામાં આવે છે.
•••
વડા પ્રધાન મોદી દમણમાં સૌથી લાંબો રોડ શો કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગામી પ્રવાસને શાનદાર બનાવવા માટે કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દમણ અને સેલવાસની સૂચિત મુલાકાત સંદર્ભે સોમવારે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલની અધ્યક્ષતામાં સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં એક જાહેર બેઠકનું આયોજન થયું હતું. જેમાં પાલિકાના પ્રમુખ સોનલબહેન પટેલ, કાઉન્સિલર અને જિલ્લા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતોના સરપંચો, વિવિધ મંડળીઓના પ્રમુખો, રિક્ષા-ટેક્સી એસોસિએશનના પ્રતિનિધિઓ, હોટલ ઉદ્યોગના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ એસોસિએશન, ઉદ્યોગ સંગઠનો, બિલ્ડરો, સભ્યો, મંડળીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. એક અહેવાલ પ્રમાણે, અત્યાર સુધીમાં વડા પ્રધાન મોદીનો દેશમાં ક્યાંય પણ થયો ના હોય તેવો ઐતિહાસિક 19 કિમી લાંબો રોડ શો દમણમાં યોજવા માટે આયોજન હાથ ધરાયું છે. પ્રશાસક પ્રફુલ્લ પટેલે એપ્રિલ મહિનામાં વડા પ્રધાનની સંભવિત મુલાકાત વિશે માહિતી આપતા કહ્યું કે, આપણા માટે ગર્વની વાત છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી આપણા રાજ્ય દમણ-દાનહની મુલાકાતે આવી રહ્યા છે. આપણે આ આયોજનને સહુ કોઇ માટે યાદગાર બનાવવાનું છે.