સંજાણનો ‘ચાલતો આંબો’ઃ છેલ્લા ૭ વર્ષમાં ૨૦ ફૂટ ચાલ્યો!

Tuesday 22nd May 2018 08:57 EDT
 
 

ધરમપુર, તા. ૨૬ઃ ઇરાનમાં વિધર્મીઓના ત્રાસ સામે ધર્મનું રક્ષણ કરવું અશક્ય જણાતા ઇ.સ. ૭૮૫માં પારસીઓ દરિયાઇ માર્ગે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ બંદરે ઉતર્યા. એ સમયના સંજાણના રાણાને પારસીઓએ દૂધના પ્યાલામાં સાકર ભેળવી પારસી લોકોને રાજ્યમાં રહેવા દેવા સમજાવ્યા હતા. એ કથાવાર્તા જૂની છે.
નવી વાર્તા એ છે કે, ૧૨૩૩ વર્ષ પહેલા સંજાણ આવેલા આ પારસીઓએ એક આંબાનું વૃક્ષ વાવેલું અને આજે એ આંબો ૧૨૩૩ વર્ષથી ઉપર આકાશમાં વધવાને બદલે જમીનને સમાંતર આડો વધી રહ્યો છે. જેને સંજાણ સહિત ગુજરાતમાં ‘ચાલતો આંબો’ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ ૨૦૧૧માં આ આંબાને ગુજરાત સરકારે હેરિટેજ વૃક્ષની યાદીમાં સામેલ કર્યાને આજે સાત વર્ષ થઇ ગયા છે. વીતેલા સાત વર્ષમાં આ આંબો ૨૦ ફૂટ જેટલો ચાલ્યો અને ફુલ્યોફાલ્યો છે.
વનસંપદાની દૃષ્ટિએ ગુજરાતના ‘હેરિટેજ વૃક્ષ’ની યાદીમાં ૨૦૧૧માં સમાવિષ્ટ આ ચાલતા આંબાની વાતો બહુ રોમાંચક છે. આશરે ૧૨૩૩ વર્ષ પહેલા રોપાયેલા આ ચાલતા આંબાને પારસીઓ દ્વારા કોઇક ભીલ આદિવાસી ભાઇઓની જમીનમાં રોપવામાં આવ્યો હતો.
ત્યારબાદ આ આંબો ઉપર આકાશ તરફ વધવાની જગ્યાએ જમીનને સમાંતર અડીને વિસ્તરતો જાય છે. આંબાની ડાળીઓ ઉપર વિસ્તરવાને બદલે જમીનને સમાંતર વધવાથી ડાળીઓ જમીનને સીધી અડે છે અને ત્યાં નવા નવા મૂળિયાઓ ઉગતા જ સીધા જમીનમાં ખૂંપી જાય છે. જ્યાં આ મૂળિયાઓ જમીનની અંદર વિકસી બહાર રોપા બનીને નવો આંબો બની ખીલીને બહાર આવે છે.
જોતજોતામાં જૂના મૂળિયાઓ નાશ પામીને ખરી પડે છે. આના કારણે આ આંબો નવા નવા મૂળિયાઓ થકી નવો નવો ઉગતો રહે જ છે અને ‘ચાલતો રહે’ છે. હાલમાં ૭૫ ફૂટનો ઘેરાવો ધરાવતો આ ચાલતો આંબો છેલ્લા સાત વર્ષમાં ૨૦ ફૂટ જેટલો ચાલ્યો હોવાની માહિતી સંજાણના ખેડૂત અલતાફભાઇ વલીભાઇ અચ્ચુએ આપી હતી.
આ ચાલતા આંબાની વધુ વિગત આપતા સંજાણના અલતાફભાઇ જણાવે છે કે, ૧૨૩૩ વર્ષ પહેલા રોપાયેલો આ આંબો ખસતો ખસતો અમારી આંબાવાડીમાં આવી ઉછર્યો અને હાલમાં આ આંબાનું મૂળ - થડ મારી વાડીમાં જોવા મળે છે. જોકે તેની નમેલી શાખાઓ-ડાળીઓ મારા પાડોશી અહમદ શરીફભાઇ પટેલની વાડીમાં પહોંચી ગઇ છે. મેં મારી સગી આંખે આ આંબાને ૨૦ ફૂટથી વધુ ખસતા જોયો છે.
અલતાફભાઇ વધુમાં કહે છે કે મારા પિતાજી વલીભાઇના જણાવ્યા મુજબ આ આંબો ૧૦ ફૂટથી વધુ ખસતો તેમણે જોયો છે. ચાલતો આંબો પોતાના ૧૨૩૩ વર્ષની જીવનયાત્રા દરમિયાન કેટલું ચાલ્યો હશે એનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. પરંતુ સંજાણમાં આવેલા આ આંબાની વિશિષ્ટતા નામશેષ ન થઇ જાય એ માટે કોઇ પણ જમીનમાલિકો આ આંબાને જરા પણ નુકસાન પહોંચાડતા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter