અમદાવાદ, કમ્પાલાઃ ગુજરાતી મૂળના બિઝનેસમેન સંજીવ રમણલાલ પટેલ યુગાન્ડા માટે સંભવિત રોકાણકારોની તલાશમાં સાથ આપી રહ્યા છે. ગુજરાતના અમદાવાદમાં યુગાન્ડન હાઈ કમિશનના અધિકારીઓ દ્વારા 22 જૂન, બુધવારે ત્રણ દિવસનો રોડ-શો યોજાયો હતો જેમાં સંજીવ પટેલ તેમની સાથે રહ્યા હતા. તેઓ એગ્રીકલ્ચર, રિઅલ એસ્ટેટ અને લોજિસ્ટિક્સ તેમજ ફાયરવર્ક્સ સહિત ટોમિલ ગ્રુપ ઓફ કંપનીઝના ડાયરેક્ટર છે.
કમ્પાલામાં સ્થાયી થયેલા સંજીવ રમણલાલ પટેલ સંભવિત રોકાણકારો સમક્ષ યુગાન્ડાની વાત કરતા કહે છે કે ‘મારો પરિવાર 100 વર્ષથી યુગાન્ડામાં રહે છે. આણંદ જિલ્લાના બોરસદના સિસવા ગામના વતની મારા દાદા જીવાભાઈ 17 વર્ષની ઉંમરે નવી તકની શોધમાં વહાણમાં પ્રવાસ કરી 1923માં યુગાન્ડા પહોંચ્યા હતા.’ પટેલના ગ્રાન્ડપેરન્ટ્સ યુગાન્ડા-કેન્યાની સરહદ નજીક અંતરિયાળ વિસ્તારમાં રહેતા હતા. મકાઈના લોટની મિલ અને ટેક્સ્ટાઈલ મિલની સ્થાપના કર્યા પછી તેમનો પરિવાર સમૃદ્ધ બન્યો હતો. સમગ્ર ઈસ્ટ આફ્રિકામાં ‘આફ્રિકન ટેક્સ્ટાઈલ મિલ’ નામે તેમની એકમાત્ર ટેક્સ્ટાઈલ મિલ હતી. ઈદી અમીને 1972માં એશિયનોની હકાલપટ્ટી કરી ત્યારે સંજીવ પટેલની ઉંમર માત્ર સાત વર્ષની હતી. તેમના પિતા રમણલાલની ધરપકડ થવાની શક્યતા હતી પરંતુ, સારા નસીબે તેઓ બિઝનેસના કામે ભારત આવેલા હતા. આ પછી, તેમના પરિવારના સભ્યો ભારત આવી ગયા હતા અને કેટલાક પાછળથી યુકે સ્થળાંતર કરી ગયા હતા.
સંજીવ પટેલનો પરિવાર 17 વર્ષ ભારતમાં રહ્યો હતો. 1986માં પ્રમુખ મુસેવેની સત્તા પર આવ્યા પછી તેમણે ભારતીયોને ફરી યુગાન્ડા આવવાની હાકલ કરી ત્યારે રમણલાલ પટેલ પાછા યુગાન્ડા પહોંચ્યા અને રાજધાની કમ્પાલામાં જ સ્થિર થયા હતા. તેમની ટેક્સ્ટાઈલ મિલ અને ઘર પરત સોંપાયા હતા. અમેરિકા ગયેલા સંજીવ પટેલ પણ 1992માં યુગાન્ડા પહોંચ્યા હતા. તેમના બિઝનેસનું પેઈન્ટ, કોફી ઉત્પાદન, રીઅલ એસ્ટેટ અને ઈન્સ્યુરન્સ ક્ષેત્રોમાં વિસ્તરણ કરાયું હતું.
યુગાન્ડાના હાઈ કમિશનર જોયસ કિકાફુન્ડાએ 22 જૂને રોડ શોનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું હતું કે ઈદી અમીને ઉભા કરેલા અવરોધો પાર કરીને યુગાન્ડા આગળ વધ્યું છે અને બિઝનેસ માટે ખુલ્લું છે. તેમણે યુગાન્ડામાં ઈન્વેસ્ટમેન્ટ કરવા ગુજરાતી રોકાણકારોને આમંત્રણ આપતાં કહ્યું હતું કે, ‘.યુગાન્ડામાં દુકાન ખોલનારી પહેલી વ્યક્તિ ગુજરાતી જ હતી.’ યુગાન્ડામાં ભારતીય મૂળ મૂળના આશરે 35,000 લોકો વસે છે. જોકે, 1970ના દાયકામાં યુગાન્ડાથી નાસી છૂટેલા મોટા ભાગના ગુજરાતીઓ સહિત ભારતીયોની સંખ્યા કરતાં ઘણી ઓછી છે.