નવી દિલ્હી: દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આ વર્ષે પોતાની સંપત્તિમાં વૃદ્ધિ મામલે દુનિયાભરના ધનિકોમાં સૌથી આગળ છે. આ બાબતે તેમણે વિશ્વમાં સૌથી ધનિક એવા એમેઝોનના જેફ બેઝોસ અને ટેસ્લા-સ્પેસએક્સના ઇલોન મસ્કને પણ પાછળ છોડી દીધા છે.
લેટેસ્ટ બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ, અદાણીના પોર્ટ્સથી માંડીને પાવર પ્લાન્ટ્સના બિઝનેસ તરફ રોકાણકારો આકર્ષાતાં અદાણીએ સંપત્તિમાં વૃદ્ધિ મામલે સૌથી મોટી છલાંગ લગાવી છે. ૨૦૨૧માં અદાણીની કુલ સંપત્તિ ૧૬.૨ બિલિયન ડોલરની વૃદ્ધિ સાથે ૫૦ બિલિયન ડોલરે પહોંચી છે. તેઓ વિશ્વના સૌથી ધનિકોમાં ૨૬મા ક્રમે આવી ગયા છે. સંપત્તિમાં મહત્તમ વૃદ્ધિ મામલે ગૂગલના કો-ફાઉન્ડર લેરી પેજ બીજા ક્રમે છે. તેમની સંપત્તિમાં ૧૪.૩ બિલિયન ડોલરની વૃદ્ધિ થઇ છે. દરમિયાન, ચાલુ વર્ષે મસ્કની સંપત્તિમાં અત્યાર સુધીમાં ૧૦.૩ બિલિયન ડોલર અને બેઝોસની સંપત્તિમાં ૭.૫૯ બિલિયન ડોલરનો વધારો થયો છે. બેઝોસ ૧૮૩ બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના ટોચના ધનિકોમાં મોખરે છે જ્યારે મસ્ક ૧૮૦ બિલિયન ડોલરની સંપત્તિ સાથે બીજા ક્રમે છે
અદાણી ગ્રૂપના શેરોમાં તેજી
અદાણી ગ્રુપના એક સ્ટોકને બાદ કરતા બધા જ શેરના ભાવ આ વર્ષે ઓછામાં ઓછા ૫૦ ટકા વધ્યા છે. અદાણીની સંપત્તિમાં વૃદ્ધિની ઝડપે ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીને પણ પાછળ છોડી દીધા છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં ૮.૦૫ બિલિયન ડોલરનો વધારો થયો છે. મુકેશ અંબાણી ૮૪.૮ બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના ટોચના ધનિકોમાં ૧૦મા ક્રમે છે.