સુરતઃ આશરે રૂપિયા ૧૧,૭૦૦ કરોડના કૌભાંડી નીરવ મોદીના સુરત સચિનમાં સુરસેઝમાં આવેલા યુનિટ પર ૧૫મીએ પ્રથમ તબક્કાની અને ૧૭મીએ બીજા તબક્કાની તપાસ ઈડીના અધિકારીઓ દ્વારા શરૂ થઈ હતી. અધિકારીઓએ નીરવ મોદીની જ કંપનીઓ આર. સોલાર, સ્ટેલર ડાયમંડ અને ડાયમંડ્સ આરયુએસ પર દરોડા પાડ્યા હતા. શનિવારે સીલ કરાયેલા ત્રણ યુનિટ પૈકી એક યુનિટનું સીલ ખોલી કંપનીના જવાબદાર કર્મચારીઓની નજર સમક્ષ ઈડીના અધિકારીઓએ સ્ટોક વેરિફિકેશન સાથે ઇન્વેન્ટરી બનાવવાની કામગીરી શરૂ કરી હતી. આ સાથે જ ઈડીની એક ટીમ દ્વારા નીરવ મોદીના મામા મેહુલ ચોકસીની સુરસેઝમાં ગીતાજંલિ યુનિટ પર પણ તપાસ ચાલે છે. નીરવ મોદી અને મેહુલ ચોકસી સામે તપાસને આગળ ધપાવતા સેઝના યુનિટોમાંથી દસ્તાવેજો કબજે લીધાં છે.
ઈડીના અધિકારીઓનું ધ્યાન નીરવ મોદીના યુનિટમાંથી સીઝ કરાયેલા કિંમતી ઘરેણા, ડાયમંડ તથા ગોલ્ડના જથ્થાની સાચી વેલ્યૂ જાણવાનો છે. બે તબક્કામાં અંદાજિત ૧,૩૦૦ કરોડનો જથ્થો સીઝ કરાયું છે. પરંતુ સાચું મૂલ્ય કંપનીના અધિકારી કર્મચારીઓ જ આંકી શકે તેમ હોય તેઓની હાજરીમાં જ સ્ટોક વેરિફિકેશન અને વેલ્યુએશનની સાથે ઇન્વેન્ટરી બનાવવામાં આવી રહી છે.
નીરવ મોદીના સુરતના ત્રણ ઠેકાણા સહિત દેશભરમાં કુલ ૯ સ્થળો પર મુંબઈ-દિલ્હી ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા દરોડા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
દુર્લભ હીરાનો વેપારી
એન્ટવર્પમા જન્મેલા નીરવ ૧૯ વર્ષની ઊંમરે ૧૯૯૯માં મુંબઈમાં મામા મેહુલ ચોકસી (ગીતાંજલિ) પાસે હીરા ક્ષેત્રે સમજ મેળવવા આવ્યાં હતા. ત્યાર બાદ પોતાના નાના ભાઈ નિશાલ સાથે દુનિયામાં દુર્લભ હીરા ખરીદવાનું શરૂ કર્યું હતું. સિયેરા લિયોનનો યલો ડાયમંડ, રશીયા અને આર્મેનિયાનો વ્હાઈટ સ્ટોન, આર્ગેઈલનો પિન્ક ડાયમંડ ખરીદનાર નિરવ મોદીની એકમાત્ર ભારતીય કંપની બની હતી.
હીરાનું મોટું કામ
સુરતના હીરા ઉદ્યોગ સાથે નીરવ મોદીનો સીધો કોઈ સંબંધ નહીં, પરંતુ સચીનના સેઝ ખાતે આવેલા તેમના બે યુનિટમાં મોટા પ્રમાણમાં ડાયમંડ જ્વેલરીનું મેન્યુફેક્ચરીંગ થતું હોવાનું હીરાઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું છે. તેઓ મુંબઈની બીડીબી ખાતેની ઓફિસમાંથી પોલિશ્ડ ડાયમંડની ખરીદી કરતા. સુરતના પોલિશ્ડના વેપારી સાથે સંપર્ક છે. મોદીને પોલિશ્ડ ડાયમંડ વેચનારા વેપારીઓને પેમેન્ટની ચિંતા થવા લાગી હોવાનું જાણવા મળે છે. બ્રાંચ બંધ થયાની અફવાથી ગણતરીના સમયમાં ખાતેદારોએ ૬૦ લાખ ઉપાડી લીધા હતા.