સમૃદ્ધ ભારતનો ગોલ્ડન ગેટ-વે બનશે ગુજરાત

વાઇબ્રન્ટ સમિટમાં વિક્રમજનક 98,540 પ્રોજેક્ટ માટે રૂ. 45,20,646 કરોડના સમજૂતી કરાર

Wednesday 17th January 2024 04:48 EST
 
 

ગાંધીનગર: 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ- 2024એ બે દાયકાના તમામ રેકોર્ડ તોડીને નવો ઈતિહાસ અંકિત કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં 10મી VGSમાં ગુજરાતમાં કુલ 98,540 પ્રોજેક્ટ માટે રૂપિયા 45,20,946 કરોડના સમજૂતી કરાર (MOU)ની ઘોષણા કરી હતી.
મહાત્મા મંદિરમાં ગૃહમંત્રી અમિત શાહ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટન્ટ ગવર્નર મનોજ સિંહા સહિત ગણમાન્ય મહાનુભાવો, ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં સમાપન સમારોહને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબન્ટ સમિટની 10મી કડી સમૃદ્ધ ભારતનું ભવિષ્ય સુનિશ્ચિત કરતો ગોલ્ડન ગેટ-વે બનીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વિકસિત ભારત @2047ને સાકાર કરશે તેમ જણાવ્યું હતું. તેમણે સેમિકન્ડકટર, રિન્યૂએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન, EV, એરોસ્પેસ અને ડિફેન્સ ઈક્વિપમેન્ટ્સ મેન્યુફેક્ચરિંગ જેવા ઉભરતા સેક્ટર્સ માટે આ સમિટથી ગુજરાત ગેટ વે ટુ ધ ફ્યૂચર તરીકે ઊભર્યાનું જણાવી 32 જિલ્લામાં લોકલ ફોર વોકલના મંત્ર સાથે MSME ઉદ્યોગોને વિકસાવવાનું પ્લેટફોર્મ પૂરું પાડયાનું ઉમેયું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટિવટ કરી સમજૂતી કરારનો ચિતાર રજૂ કર્યો હતો. જેમાં કોવિડ-19ને કારણે વર્ષ 2021માં સમિટમાં સ્થગિત રહ્યા બાદ વર્ષ 2022માં 57.241 પ્રોજેક્ટમાં રૂ.18.87 લાખ કરોડના સમજૂતી કરાર થયા હતા. જ્યારે આ 10મી શૃંખલાની આગળ વધેલી 2024ની સમિટમાં સૌથી વધુ 41,299 પ્રોજેક્ટમાં રૂ.26.33 લાખ કરોડના સમજૂતી કરાર નોંધાયા છે જે નવો રેકોર્ડ છે.
કુલ 98,540 પ્રોજેક્ટ માટે રૂ.45,20,646 કરોડના MOUમાં પાંચ કંપનીઓનો હિસ્સો 19 ટકાથી વધુ થઈ રહ્યો છે. આ સમિટમાં રિલાયન્સ ગ્રૂપ રૂપિયા પાંચ લાખ કરોડ, અદાણી રૂપિયા બે લાખ કરોડ અને NTPCએ રૂ.90,000 કરોડ, ટોરેન્ટ ગ્રૂપ દ્વારા રૂ.48,000 કરોડ, વેલસ્પન ગ્રૂપ રૂ.40,000 કરોડ એમ કુલ મળીને આ પાંચ કંપનીઓ જ રૂપિયા 8.78 લાખ કરોડથી વધારે મૂડીરોકાણ કરવાના સમજૂતી કરાર થયા છે.
80 ટકાથી વધુ સમજૂતી કરાર સફળ
ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાએ ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટ માટે થતા 80 ટકાથી વધારે સમજૂતી કરાર સફળ રહ્યાનું જણાવ્યું હતું. સમજૂતી કરારની સફળતા માટે ઉદ્યોગ કમિશનરેટ, સ્પેશિયલ સેલ, મંત્રીઓ સ્તરે અને મુખ્યમંત્રી કાર્યલાયના માધ્યમથી પહેલાથી જ સતત ફલોઅપ કરાય છે.
140 દેશોના 61000 ડેલિગેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી 10મી ગુજરાત વાયબ્રન્ટ ગ્લોબલ સમિટે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હોવાનો દાવો કરી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (જીઆઇડીસી)ના એમડી રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે આ સમિટમાં 140 જેટલા દેશોના 61 હજાર કરતાં વધુ ડેલિગેટ્સ સહભાગી થયા હતા. રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે 2024ની વિક્રમી ગ્લોબલ સમિટમાં 2862 જેટલી બીટુબી અને 1368 જેટલી બીટુજી મિટીંગોનું આયોજન થયું હતું આ સમિટમાં ઉપસ્થિત રહેલા 19 રાજ્યોના પ્રતિનિધિઓ પૈકી 13 રાજ્યોએ અલગ અલગ છ સેમિનાર યોજી તેમના રાજ્યોમાં મૂડીકોરાણની તકો અંગે માર્ગદર્શન આપ્યું છે.
150 જેટલા અગલ અલગ સેમિનારો થયાં છે. આ વખતે ઐતિહાસિક ગ્લોબલ બિઝનેસ કાર્યવાહીમાં 50 ટકા ગ્રીન એમઓયુ સાઇન થયાં છે.રાજ્યના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ એસજે હૈદરે જણાવ્યું હતું કે અમૃતકાળની આ પ્રથમ સમિટમાં 35 દેશો કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાયા હતા. એ ઉપરાંત યુએઈ, મોઝામ્બિક, ચેક રિપબ્લિકન અને તિમોર લેસ્ટે એમ ચાર દેશોના વડાઓ, વિયેતનામના નાયબ વડાપ્રધાન સહિત 40થી વધારે મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter