સુરતઃ હજીરાપટ્ટીની આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ ઇન્ડિયા (એએમએનએસ)એ હજીરા અને શિવરામપુરા ગામની અંદાજિત ૧૯.૧૪ લાખ ચોરસ મીટર સરકારી જમીનની ઔદ્યોગિક હેતુ માટે માગણી કરી છે, પણ જંત્રી મુજબ જમીનની કુલ કિંમત રૂ. ૪૫૦ કરોડના ૧ ટકા લેખે રૂ. ૪.૫૦ કરોડનો સર્વિસ ચાર્જ કંપનીએ સરકારી તિજોરીમાં જમા નહીં કરાવતા જમીનની ફાળવણી પર સુરત કલેક્ટરે બ્રેક મારી દીધી છે.
રૂ. ૪૨ હજાર કરોડના એસ્સાર સ્ટીલ પ્લાન્ટ
હજીરા વિસ્તારની આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ ઈન્ડિયા (એએમએનએસ) એ રૂ. ૪૨ હજાર કરોડના એસ્સાર સ્ટીલ પ્લાન્ટ હસ્તગત કર્યા બાદ પ્લાન્ટના વિસ્તૃતિકરણ માટે જિલ્લા કલેક્ટર કચેરીમાં હજીરા તેમજ શિવરામપુરા ગામના અલગ અલગ સર્વે નંબરોની અંદાજિત ૧૯.૧૪ લાખ ચો.મી. સરકારી જમીન ઔદ્યોગિક હેતુ માટે સરકાર પાસે માગી હતી.
જંત્રી મુજબ કરવેરો માગવામાં આવ્યો
કલેક્ટર કચેરીની વિગતો મુજબ જમીનની માગની અરજીમાં કેટલીક જમીનો વર્ષ ૨૦૦૬ના તો કેટલીક વર્ષ ૨૦૦૮ની જંત્રીના દરે મંગાઈ છે. આ જમીનોની માંગણી થતા ફાઈલો ચોર્યાસી પ્રાંત ઓફિસથી થઈને આખરે જિલ્લા કલેક્ટર પાસે પહોંચી હતી. તા. ૨૨-૫-૨૦૧૮ના પરિપત્ર મુજબ સરકારી જમીન મેળવવા માંગતા ઉદ્યોગકારોએ જે તે જમીનના કુલ ક્ષેત્રફળના પ્રવર્તમાન જંત્રીના દરના એક ટકા લેખે સર્વિસ ચાર્જ ભર્યા પછી જ આગળની કાર્યવાહી થશે તેવું જણાયું છે.
કર ચૂકવણી બાદ જ જમીન ફાળવણી
પરિપત્ર મુજબ સર્વિસ ચાર્જની ગણતરી થઈ હતી. જેમાં હજીરા અને શિવરામપુરની કુલ ૧૯.૨૪ લાખ ચોરસ મીટર જમીનના પ્રતિ ચો.મી. રૂ. ૨૩૫૦ અને રૂ. ૨૪૦૦ ના જંત્રી દર મુજબ આ જમીનોની કુલ કિંમત રૂ. ૪૫૦ કરોડ થાય છે. તેના ૧ ટકા લેખ રૂ. ૪.૫૦ કરોડ સર્વિસ ચાર્જ થાય છે. તેની ચૂકવણી થયા બાદ જ જમીનની ફાળવણી અંગે આગળની કાર્યવાહી થશે તેમ કંપનીને જણાવાઈ દેવાયું છે.