અમદાવાદઃ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે લેખક અને કવિ તરીકે આગવી ઓળખ ઊભી કરનારા સ્પેનમાં જન્મેલા ફાધર વાલેસનું ૯મી નવેમ્બરે ૯૬ વર્ષની વયે સ્પેનમાં અવસાન થયું હતું. તેઓએ પાંચ દાયકા સુધી ગુજરાતી સાહિત્યમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. ફાધર વાલેસનાં માતાની નાંદુરસ્ત તબિયતને કારણે તેઓ વતન સ્પેન પરત ગયા હતા અને છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ ત્યાં જ સ્થાયી થયા હતા. ફાધર વાલેસ નિવૃત્તિ પછી ભલે સ્પેન રહેવા ગયા હતા, પણ અવારનવાર કર્મભૂમિ ગુજરાતની મુલાકાતે આવતા રહેતા હતા.
ગુજરાતી જ માતૃભાષા
ગુજરાતી સાહિત્યના મહાન સાહિત્યકાર સ્વ. ઉમાશંકર જોશી તેમના માટે કહેતા કે, ગુજરાતીને તમે માતૃભાષા ગણો છો ને પોતાના વતન સ્પેન જાવ ત્યારે પરદેશ જાવ એમ કહો છો. ગુજરાતને વતનથી પણ વધુ પોતીકું ગણાવનારા ફાધર વાલેસ નવેમ્બર ૪, ૧૯૨૫ના રોજ સ્પેનના લોગ્રોનોમાં જન્મ્યા હતા. વિદેશી ધરતી પર જન્મેલાં ફાધર વાલેસે ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાને ભરપૂર પ્રેમ આપ્યો હતો.
ઉત્કૃષ્ટ સાહિત્યસર્જન
જીવન ઘડતરના ધ્યેયથી, સદાચાર, તરુણાશ્રમ, ગાંધીજી અને નવી પેઢી સહિત અનેક નિબંધ સંગ્રહ તેમણે આપ્યા હતા. ગુજરાતીમાં કરેલા ઉત્કૃષ્ટ સાહિત્ય સર્જન માટે તેઓને ૧૯૬૬માં કુમાર ચંદ્રક અને ૧૯૭૮માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરાયો હતો.
૧૯૪૧માં એસ.એસ.સી. અને ૧૯૪૫માં સલામાન્કા યુનિવર્સિટીમાંથી ગ્રીક વિષય સાથે તેમણે બી.એ. કર્યું હતું. ૧૯૪૯માં ગ્રેગોરિયન યુનિવર્સિટીમાંથી તત્ત્વજ્ઞાન વિષય સાથે પણ તેઓએ બી.એ. કર્યા બાદ ૧૯૫૩માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી ગણિતશાસ્ત્ર વિષયમાં એમ.એ.નો અભ્યાસ કર્યો હતો. ૧૯૬૦થી ૧૯૮૨ સુધી તેઓ સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદમાં ગણિતશાસ્ત્રના અધ્યાપક રહ્યાં હતાં. ધર્મે તેઓ ખ્રિસ્તી હતા, પણ વાણી-વિચારમાં વૈષ્ણવજન સમાન હતા. તેઓ ક્યારેક ચાલતા તો ક્યારેક સાઈકલ લઈને ક્યાંય પણ જતા હતા. વિદ્યાર્થીઓમાં તેઓ દેવદૂત તરીકે જાણીતા હતા. લખાણોમાં સરળ ગદ્યની નોખી અભિવ્યક્તિ તેમના હાથે સહજ બની હતી.
મુખ્ય પ્રધાન દ્વારા શ્રદ્ધાંજલિ
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત વિવિધ ક્ષેત્રની હસ્તીઓએ ફાધર વાલેસના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરીને ફાધરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, ફાધર વાલેસ જન્મે ગુજરાતી ન હોવા છતાં તેઓએ ગુજરાતી ભાષા સાહિત્યમાં પોતાની લેખની અને પુસ્તકો-નિબંધ-પ્રવાસ વર્ણન દ્વારા સવાયા ગુજરાતી તરીકે આગવી છાપ ઉપસાવી હતી. સદ્દગતના અવસાનથી ગુજરાતી સાહિત્ય-લેખન જગતને મોટી ખોટ પડી છે. મુખ્ય પ્રધાને સ્વ. ફાધર વાલેસના આત્માને પરમશાંતિની પ્રાર્થના પણ કરી હતી.