નવી દિલ્હીઃ સ્ટર્લિંગ બાયોટેક બેન્ક કૌભાંડ કેસમાં સાંડેસરા પરિવારના ત્રણ સહિત ચાર આરોપીઓને સ્થાનિક કોર્ટે ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરતાં તેમની મિલકતો જપ્ત કરવાનો માર્ગ પણ મોકળો થયો છે. ભાગેડુ ચાર આરોપીમાં કંપનીના માલિકો નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા, દીપ્તિ સાંડેસરા અને હિતેષ પટેલનો સમાવેશ થાય છે. સોમવારે સ્થાનિક અદાલતે આ સંબંધે આદેશ પસાર કરતાં ઈડીને આ આરોપીઓ સામે ભાગેડુ આર્થિક અપરાધી કાયદા હેઠળ જપ્તીની કામગીરી આરંભવા માટે કોર્ટનો ફરી સંપર્ક સાધવા પણ મંજૂરી આપી હતી.
એડિશનલ સોલિસિટર જનરલ એસ. વી. રાજુ અને સ્પેશિયલ પ્રોસિક્યુટર નિતેશ રાણાએ કોર્ટમાં ઈડી વતી ચારેય આરોપીઓને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવાની માગણી સાથે દલીલો કરી હતી. આદેશ પસાર કરતાં ન્યાયાધીશે જણાવ્યું હતું કે, પ્રતિવાદીની વર્તણૂક સ્પષ્ટપણે પુરવાર કરે છે કે ફોજદારી કાર્યવાહીથી બચવા આરોપીઓ ભારત છોડી ગયા હતા. ફોજદારી કામગીરીથી બચવા જ તેઓ ભારત પાછા ફરવાનું ટાળી રહ્યા છે. આરોપીઓ તેથી ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવાને લાયક છે. કોર્ટે પ્રતિવાદી પક્ષ દ્વારા થયેલી દલીલોને ફગાવી દઈને તેમને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યા હતા. આ કેસમાં સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે જુલાઈમાં પસાર કરેલા આદેશ સંબંધમાં અસ્પષ્ટતા પ્રવર્તી રહી હોવાથી નીચલી અદાલતમાં કામગીરી અટકીને પડેલી હતી, પરંતુ સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટતા કરી કે સાંડેસરા સામેની કોર્ટ કાર્યવાહી પર મનાઇહુકમ ફરમાવવાવામાં નથી આવ્યો તે પછી નીચલી અદાલતે કેસની કાર્યવાહી હાથ ધરી હતી. ચારેય આરોપીઓને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવા કે કેમ? તે મુદ્દે બંને પક્ષની અંતિમ દલીલો સાંભળ્યા પછી નીચલી કોર્ટે ચુકાદો આપ્યો છે. આ કેસમાં ઈડીને હવે ચારેય આરોપીઓ માટે ભાગેડુ આર્થિક અપરાધીની ટેગ પ્રાપ્ત કરવામાં સફળતા મળી ચૂકી છે.
કોંગ્રેસી એહમદ પટેલની ૩ વાર પૂછપરછ
આ કેસમાં ઈડી કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદ પટેલની ત્રણ વખત પૂછપરછ કરી ચૂકી છે. સાંડેસરા એન્ડ પાર્ટી પર ભારતીય બેન્કો સાથે રૂ. ૧૪૫૦૦ કરોડનું કૌભાંડ આચર્યાનો આરોપ છે. આ બેન્ક કૌભાંડ પંજાબ નેશનલ બેન્ક સાથે નીરવ મોદી અને તેના સહયોગીઓએ કરેલા કૌભાંડ કરતાં પણ મોટું છે. આરોપીઓએ નીચલી કોર્ટે જારી કરેલા બિનજામીનપાત્ર વોરન્ટને સુપ્રીમ કોર્ટમાં પડકારતાં કેસ એક વર્ષથી અટવાયેલો હતો.