સાંડેસરાબંધુની રૂ. ૯૭૭૮ કરોડની મિલકતો ટાંચમાંઃ લંડનનો બંગલો, પ્રાઇવેટ પ્લેન, તેલના કૂવા જપ્ત

Tuesday 02nd July 2019 14:31 EDT
 
સાંડેસરાબંધુઃ ચેતન અને નીતિન
 

વડોદરાઃ ભારતીય બેન્કો સાથે સાથે રૂ. ૯,૧૦૦ કરોડનું લોનકૌભાંડ આચરીને નાસતાફરતા સાંડેસરાબંધુઓ - નીતિન અને ચેતનની સ્ટર્લિંગ બાયોટેક લિ. સહિતની ગ્રૂપ કંપનીઓની વિદેશસ્થિત જંગમ અને સ્થાવર મિલકતો એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)એ ટાંચમાં લીધી છે. આ મિલકતોનું કુલ મૂલ્ય આશરે ૯,૭૭૮ કરોડ રૂપિયા છે.
આ મિલકતોમાં સ્ટર્લિંગ ગ્રૂપના પ્રમોટરો સાંડેસરાબંધુનો લંડનસ્થિત બંગલો, પ્રાઇવેટ પ્લેન, નાઈજીરિયામાં આવેલા તેલ કૂવા વગેરેનો સમાવેશ થાય છે. આની સાથોસાથ સરકારે સાંડેસરાબંધુઓ, ચેતનની પત્ની દીપ્તિ સાંડેસરા અને ચેતનના સાળા હિતેશ પટેલના પ્રત્યાર્પણ માટે પણ પ્રક્રિયા શરૂ કરી છે. સાંડેસરાબંધુઓ તેમ જ દીપ્તિ હાલ નાઈજીરિયામાં છુપાયા હોવાનું મનાય છે.
વડોદરાની ફાર્મા કંપની અને તેના પ્રમોટરો નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા અને દિપ્તી સાંડેસરા દ્વારા બેંકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરાઇ છે. ભ્રષ્ટાચાર અને ટેક્સ ચોરીના કેસોમાં ઇડી અને સીબીઆઇ ઉપરાંત આવકવેરા વિભાગ પણ તપાસ કરી રહ્યો છે. ઇડીના જણાવ્યા અનુસાર આંધ્ર બેંકના નેતૃત્ત્વવાળા બેંકોના જૂથ પાસેથી ૫૩૮૩ કરોડ રૂપિયાની લોન લીધી હતી, જેના હપ્તા ચૂકવાયા નહોતા. બેન્કોના આ કોન્સોર્ટોરિયમમાં યુકો બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, અલ્હાબાદ બેન્ક અને બેન્ક ઓફ ઇન્ડિયાનો સમાવેશ થતો હતો. ઉલ્લેખનીય છે કે સીબીઆઇએ ૨૦૧૭માં સ્ટર્લિંગ બાયોટેક લિ. અને ગ્રૂપ કંપનીઓ, ડિરેક્ટરો સામે ગુનો નોંધ્યો હતો. જોકે નીતિન અને ચેતન વિદેશ નાસી ગયા હતા.
ઇડીએ અગાઉ લોનકૌભાંડમાં સામેલ દિલ્હીસ્થિત બિઝનેસમેન ગગન ધવન અને આંધ્ર બેન્કના પૂર્વ ડિરેકટર અનુપ ગર્ગ સામે ફરિયાદ દાખલ કરી હતી. ગત માર્ચમાં સાંડેસરાબંધુઓની ભારતમાં આવેલી રૂ. ૪૭૩૦ કરોડની મિલકતો ટાંચમાં લેવાઇ હતી. જેમાં ૪,૦૦૦ એકરમાં આવેલી પ્લાન્ટ મશીનરી, રૂ. ૬.૬૭ કરોડના શેર, વૈભવી મોટરકારનો કાફલો, ૨૦૦ બેન્ક એકાઉન્ટ વગેરે સામેલ છે.

‘સીપકો’ની માલિકી સાંડેસરાબંધુની

ઇડીની તપાસ દરમિયાન સાંડેસરાબંધુઓની ૫૦ કરતાં વધુ વિદેશી પ્રોપર્ટીઝ, બેન્ક એકાઉન્ટ્સ વગેરેની માહિતી એકત્ર કરાઇ છે. ઇડીએ સાંડેસરાબંધુની કુલ રૂ. ૧૪,૫૮૦ કરોડની મિલકતો ટાંચમાં લીધી છે. નાઈજીરિયા ખાતે ૪ ઓઇલ રિગ સ્ટર્લિંગ ઓઇલ એક્સપ્લોરેશન એન્ડ એનર્જી પ્રોડકશન કંપની લિ. (SEEPCO - ‘સીપકો’)ની માલિકીની છે. આ કંપની સાંડેસરાબંધુની સંપૂર્ણ માલિકીની છે. આ ઉપરાંત ‘તુળજા ભવાની’, ‘ભવ્યા’, ‘વરિન્દા’, ‘બ્રહ્માણી’ નામના ચાર દરિયાઇ ઓઇલ જહાજ અને એક એરક્રાફ્ટ ટાંચમાં લેવાયા છે.

ડમી ડિરેકટર્સ પાછળ હિતેશનો હાથ

કૌભાંડમાં ઉપસેલું એક અન્ય મહત્ત્વનું નામ ચેતનના સાળા હિતેશ નરેન્દ્રભાઇ પટેલનું છે. હિતેશ ગયા માર્ચમાં અલ્બેનિયાના ટીરાના ખાતે જોવા મળ્યો હતો. ભારતીય એજન્સીઓ હવે ઇન્ટરપોલ અને આલ્બેનિયાના સંપર્કમાં છે અને હિતેશ પટેલને ભારત લાવવા પ્રયાસો ચાલી રહ્યા છે. બેનામી કંપનીઓ માટે ડમી ડિરેકટર્સ મેળવવામાં હિતેશની મહત્ત્વની ભૂમિકા છે. આ ડમી કંપનીઓ દ્વારા જ સાંડેસરાએ બેન્ક લોન લઇને નાણાં વગે કરાયા હતા. આમ હિતેશ હાથમાં આવે તો ઘણા રહસ્યો પરથી પરદો ઉંચકાય તેમ છે.

૧૮૪ કંપનીમાંથી ૧૭૯ બોગસ!

ઇડીએ સાંડેસરાબંધુઓની ૧૭૯ બોગસ કંપનીઓ સહિત કુલ ૧૮૪ કંપનીઓ તેમ જ કુલ ૧૯૧ આરોપીઓ સામે ચાર્જશીટ ફાઇલ કરી છે. સાંડેસરાની ૭ કંપનીઓમાં સ્ટર્લિંગ બાયોટેક, પીએમટી મશીન્સ લિ., સ્ટર્લિંગ એસઇઝેડ એન્ડ ઇન્ફ્રા., સ્ટર્લિંગ પોર્ટ, સ્ટર્લિંગ ઓઇલ રિસોર્સિસ વગેરેનો સમાવેશ થાય છે. સાંડેસરાબંધુઓએ બોગસ દસ્તાવેજો થકી કંપનીઓના નામે રૂ. ૫૦૦૦ કરોડની ક્રેડિટ વિવિધ બેન્કોથી મેળવી હતી. જે પાછળથી એનપીએ થઇ જવા પામી હતી. સાંડેસરાબંધુઓએ ભારત અને વિદેશોમાં ૩૦૦ જેટલી બોગસ કંપનીઓ ઉભી કરીને બેન્કો પાસેથી મેળવેલી લોનના નાણાંનો દુરુપયોગ કર્યો હતો. એટલું જ નહીં, લોનની રકમ વિદેશોમાં હવાલા દ્વારા મોકલી દીધી હતી. બેલેન્સશીટમાં આ બોગસ કંપનીઓનું જંગી ટર્નઓવર દર્શાવાયું હતું. આ ઉપરાંત શેરબજારમાં ઇન્સાઇડર ટ્રેડિંગ કરીને શેરના ભાવ કૃત્રિમ રીતે ઉંચે લઇ જવાયા હતા. સાંડેસરાબંધુઓના મોરેશિયસ, યુએઇ, નાઇજિરીયા, બ્રિટિશ વર્જીન આઇસલેન્ડ, સેશિલ્સ અને અમેરિકાના વિવિધ બિઝનેસની પણ ઇડી દ્વારા માહિતી એકત્ર કરાઇ છે.

બોલિવૂડ સ્ટાર્સ સાથે ઘરોબો

નીતિન અને ચેતન સાંડેસરા ઉપરાંત ચેતનની પત્ની દીપ્તી અને ચેતનનો સાળો હિતેશ પટેલ બેંક લોન કૌભાંડમાં મુખ્ય આરોપીઓ છે અને હાલમાં તમામ લોકો ફરાર છે. આ લોકો લંડન અને નાઈજીરીયામાં હોવાની માહિતી છે. જોકે એક સમય હતો કે સાંડેસરા બંધુઓની જાહોજલાલીથી બોલિવૂડ સ્ટાર્સ પણ પ્રભાવિત હતા. ચેતન અને તેની પત્ની દીપ્તિને બોલિવૂડ સ્ટાર્સ સાથે એટલો ઘરોબો હતો કે બોલિવૂડ સ્ટાર મુંબઈની પાર્ટીઓ છોડીને સાંડેસરાની પાર્ટીઓમાં ભાગ લેવા માટે સાંડેસરાના ખાનગી વિમાન મારફતે વડોદરા નિયમિત આવતા હતા.

ચેતન મસાજ કરાવવા દુબઈ જતો

એક જાણીતી ઉક્તિ છેઃ દેવું કરીને પણ ઘી પીઓ. સાંડેસરા બંધુઓની લાઈફ સ્ટાઈલ પણ આવી હતી. નીતિન સાંડેસરા તો મોટા ભાગે વિદેશમાં રહેતો હતો, પરંતુ ચેતન સાંડેસરા વડોદરા, મુંબઈ, દિલ્હી અને મસૂરીની ઓફિસોનો વહિવટ સંભાળતો હતો અને મોટાભાગનો સમય ભારતમાં, વડોદરામાં પસાર કરતો હતો. કરોડો રૂપિયાની બેન્ક લોનના પૈસા બિઝનેસમાં લગાવ્યા હોત તો બન્નેને ફરાર થવાનો સમય ના આવ્યો હોત, પરંતુ સાંડેસરા બંધુઓએ બેંકોના પૈસા ઐયાશીમાં, એશોઆરામમાં વાપરી નાખ્યા હતા. ચેતન સાંડેસરા ફિલ્મ સ્ટાર્સ અને મોડેલોનો શોખીન હતો. વડોદરાના ફાર્મ હાઉસે નિયમિત રીતે પાર્ટીઓ થતી અને તેમાં બોલિવૂડની હસ્તીઓ, ઉચ્ચ સરકારી અધિકારીઓ અને નેતાઓ મોજમજા કરતા હતા. ચેતનના મિત્રો તો ત્યાં સુધી કહે છે કે ચીકુ એટલે કે ચેતનને મસાજ કરાવવાની ઈચ્છા થાય તો માત્ર મસાજ કરાવવા દુબઈ જતો હતો.

વૈભવી બંગલો રાતોરાત તોડાવ્યો હતો

વડોદરામાં ઉદ્યોગપતિઓના ફાર્મ હાઉસ આવેલા છે તે સિંધરોટ વિસ્તારમાં સાંડેસરા બંધુઓનું લગભગ બે કિ.મી. વિસ્તારમાં ફેલાયેલું વૈભવી ફાર્મ છે. આ ફાર્મમાં ૨૪,૦૦૦ સ્કેવર ફૂટનો એક બંગલો બનાવાયો હતો, જેની ડિઝાઈન શાહરુખ ખાનના પત્ની ગૌરીએ કર્યું હોવાનું ચેતન તેના ગ્રુપમાં કહેતો હતો. જોકે એક દિવસ એક વાસ્તુશાસ્ત્રીએ ફાર્મ હાઉસની મુલાકાત લીધી હતી અને બંગલાની ડિઝાઈનમાં ભયંકર વાસ્તુદોષ હોવાથી ચેતનના પુત્ર પર જીવનો ખતરો હોવાની ચેતવણી આપી હતી. ચેતને વાસ્તુશાસ્ત્રીની આ વાત માની લીધી હતી અને આખો બંગલો રાતોરાત તોડાવી નાંખ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter