સાંદીપની વિદ્યા સંકુલોના લાભાર્થે પોરબંદરમાં યોજાયેલ રામકથા: પૂ.ભાઇશ્રી સાથેનો વાર્તાલાપ

જ્યોત્સના શાહ Tuesday 09th February 2021 16:45 EST
 
 

સવાલ : સામાન્ય રીતે આપની ઇમેજ ભાગવત્ કથાકાર તરીકે છે તો આપે આ વખતે "રામકથા" નો વિષય પસંદ કર્યો એની પાછળનું કારણ શું?
જવાબ: આપની વાત સાચી છે. સામાન્ય રીતે મારો વિશ્વનો પ્રવાસ ભાગવત કથા માટે થયેલ છે. પણ ભગવાન રામની કથા વર્ષે દહાડે એકાદ તો થતી જ હોય છે. આ વખતે રામકથા પસંદ કરવાનું કારણ, વિશિષ્ઠ અને વિચિત્ર સમય કોવીદ-૧૯નો પ્રકોપ. હજી પ્રવાસ પણ બધા ખુલીને કરી શકાતા નથી. મોટી સંખ્યામાં જન સમુહને એકત્ર કરાતો નથી. એથી સિમિત ઓડીયન્સમાં આ વખતે શ્રી હરિમંદિરના જ ઓડીટોરીયમમાં ૧૫મો પાટોત્સવ ઉજવવાનું વિચાર્યું.
તાજેતરમાં અધિક મહિનામાં ભાગવદ કથા અને એક માસપર્યંત સત્સંગ થયો હતો ત્યારે સૌનો ભાવ હતો કે, આપના દ્રારા હરિ સમક્ષ રામકથા થઇ નથી એટલે રામકથાનું આયોજન કર્યું.
સવાલ : આ રામકથાનું થીમ "મેન્ટલ વેલબીઇંગ" રાખી રામાયણના કયા પ્રસંગો રજુ કરવાનું વધુ ઉચિત માનશો?
જવાબ: હાલ એક વિચિત્ર કાળમાંથી આપણે પસાર થઇ રહ્યા છે. આખા વિશ્વમાં કોવીદ-૧૯નો ભય વ્યાપી ગયો છે. હવે ધીરે ધીરે ગાડી પાટે ચડતી જાય છે. તેમછતાં એના ભયમાંથી મુક્ત થયા નથી. લંડન- યુ.કે.જેવા કેટલાય દેશોમાં હજી લોકડાઉન ચાલુ છે. એના કારણે આવાગમન મર્યાદિત થઇ ગયું છે. માણસ એકલો પડતો જાય છે. પોતાના વ્યવસાય અને ધંધામાં પણ લોકોને ખુબ સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે. એવા સમયમાં "મેન્ટલ વેલબીઇંગ"ની જરૂર છે. આ કપરા સમયમાં રામકથા દ્વારા હકારત્મક ઊર્જા પેદા થાય અને પરમાત્મામાં મન પરોવી દ્રઢ આસ્થા ઉભી થાય જેથી મનની મજબૂતી બની રહે. સંકટના સમયમાં ન માત્ર ટકી રહે પરંતુ જેને કારણે આપણો વિકાસ અને ઉન્નતિ ચાલુ રહે. આ એક મહત્વનો ઉદ્દેશ તો ખરો જ. પણ સાથે-સાથે આ રામ કથાના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારના બાળકોને ભણાવવાની પ્રવૃત્તિ સાંદીપની દ્વારા ખાસ કરીને ગુજરાતના ડાંગ જિલ્લાના સાપુતારા ગિરિ મથકના આદીવાસીઓની રેસિડેન્શીયલ સ્કુલ ચાલે છે એના લાભાર્થે યોજાઇ છે. શ્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એ સ્કુલનો વહિવટ અમારા ટ્રસ્ટને સોંપાયો જે સુપેરે ચાલી રહ્યો છે. હાલ ૫૦૦ આદીવાસી વિદ્યાર્થીઓ ત્યાં રહીને અભ્યાસ કરે છે. લોજીંગ, બોર્ડીંગ, યુનિફોર્મ, અભ્યાસ બધું જ
ફ્રી છે.
આ શિક્ષણ પ્રવૃતિ સાથે જેઓને જોડાવું હોય તે જોડાઇ શકે. રામકથાના માધ્યમથી અમારી સંસ્થા દ્વારા જે કાર્ય થઈ રહ્યું છે એની અપીલ ના કરીએ પણ ઇન્ફોર્મ તો જરૂર લોકોને કરી શકાય. અમારા આ એજ્યુકેશન યજ્ઞમાં જોડાઇ આહૂતિ આપવાનું આહ્વાહન સૌને છે.
રામાયણમાં ભગવાન શ્રીરામ રાજા થયા એ પહેલા ૧૪ વર્ષ વનવાસ ભોગવવા રહ્યા ત્યારે આ વનવાસી બંધુઓને મળ્યા, એમને અપનાવ્યા, હ્દયે લગાવ્યા અને પ્રેમ આપ્યો. એ જ વનવાસી વાનર જાતિના, રીચ જાતિના કે કેવટ જાતિના સહયોગથી ભગવાન શ્રી રામે એક એવી શક્તિ ઉભી કરી, સેના ઉભી કરી જેના દ્વારા રાવણ – દશાનન વિચારધારાને પરાસ્ત કરી.
આપણે પણ આ વનવાસી બંધુઓને અપનાવવા પડશે. એમને અવસર આપવો પડશે. એમનામાં ય પ્રતિભાઓ ભરી પડી છે એ આગળ આવે. રાજનીતિક ક્ષેત્રમાં, એજ્યુકેશન ક્ષેત્ર કે મેડીકલ ક્ષેત્ર વગેરેમાં આગળ આવવાનો મોકો મળે તો તેઓ પોતાની શક્તિ સાબિત કરી શકે.
સવાલ : સાંદીપની વિદ્યાનિકેતન, પોરબંદરથી આપે ભારતીય સંસ્કાર શિક્ષણનો ઝંડો ફરકાવ્યો છે. એના નેજા હેઠળ હાલ કેટલી શાળાઓ ચાલે છે અને કેટલા વિદ્યાર્થીઓને એનો લાભ મળી રહ્યો છે? શાળામાં ભણતા બધા જ બાળકોને વિના મૂલ્યે શિક્ષણ અપાય છે?
જવાબ: પોરબંદર ખાતે સાંદીપની વિદ્યા નિકેતનમાં બે વિભાગો ચાલે છે. * ઋષિકૂળ અને * ગુરૂકૂળ. ઋષિકૂળમાં સંસ્કૃત શિક્ષણ ફ્રીમાં અપાય છે અને એ રેસિડેન્શીયલ સ્કુલ છે. એમાં ભણતાં વિદ્યાર્થીઓને રહેવા-જમવાનું-યુનિફોર્મ-અભ્યાસ બધું જ વિના મૂલ્યે છે. ગુરૂકૂળમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની સ્કુલો ચાલે છે. આ સ્કુલમાં દિકરીઓને ૨૫ % માફી અપાય છે. આ શાળાને સરકારી મદદ નથી મળતી એ સેલ્ફ ફાયનાન્સ છે એથી એનો ઓપરેટીંગ એક્સપેન્સ નીકળે એટલી જ ફી લેવાય છે.પરંતુ જો કોઇ વિદ્યાર્થીની આર્થિક સ્થિતિ ન હોય અને ભણવામાં તેજસ્વી હોય તો એનું ભણવાનું અટકે નહિ, એને સ્પોન્સરશીપ અપાય છે. આ બન્ને શાળાઓમાં લગભગ ૨૦૦૦ દિકરા-દિકરીઓ ભણે છે.
સાંદીપનીની બીજી શાખા રાજકોટ ગામના છેવાડે આવેલ મીટોડા ગામમાં સાંદીપની વિદ્યાદીપ ચાલે છે. સાપુતારા ગિરિમથકમાં રેસિડેન્શીયલ સ્કુલ ચાલે છે અને એક મારી જન્મભુમિ દેવકામાં દેવકા વિદ્યાલય નામે હાઇસ્કુલ, કોમર્સ, સાયન્સ કોલેજ અને આઇ.ટી.આઇ.માં વોકેશ્નલ કોર્સીસ ચાલે છે. દેવકામાં સરકારશ્રી તરફથી કન્યા કેળવણી ફ્રી છે. એમાં સરકારશ્રી તરફથી કેટલાક શિક્ષકોનો પગાર ચૂકવાય છે અને કેટલાકનો પગાર સંસ્થા ભોગવે છે. અમારી બધી શાળાઓમાં મળી ૩૦૦૦ થી વધુ બાળકો અભ્યાસ કરે છે. જેમાં સરકાર તરફથી દર મહિને ૧૦૦૦ રૂપિયા લેખે ૧૦૦ કન્યાઓની ફી ચૂકવાય છે.
સવાલ: સંસ્કૃતિ ફાઉન્ડેશન યુ.કે.ની સ્થાપના ક્યારે થઇ અને એના નેજા હેઠળ કયા કયા કાર્યો થયા?
જવાબ: ૧૯૮૯માં લેસ્ટરમાં મોટા સ્તરે કથાનું આયોજન થયું હતું ત્યાર બાદ ૧૯૯૦માં સંસ્કૃતિ ફાઉન્ડેશન યુ.કે.ની સ્થાપના થઇ. સંસ્થાનો આશય કથા-સત્સંગ દ્વારા લોકોમાં સંસ્કાર સિંચન થાય. ખાસ કરીને યુવાનોને આપણી સંસ્કૃતિ પ્રતિ ઝૂકાવ થાય, જાગૃતિ આવે અને એ સાથે જોડાયેલા રહે એ માટેની પ્રવૃત્તિઓ સમયાંતરે થતી રહે છે. એના આયોજનમાં યુ.કે.ના ટ્રસ્ટીઓ, ડીવોટીસ અને યંગસ્ટર્સ ઘણાં વર્ષોથી સક્રિય છે. ૧૯૮૯માં જે યુથ કથા સાંભળવા આવ્યા હતા આજે તેઓ આ કથાના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. જેથી એમના બાળકો એમાં પ્રવૃત્ત થાય. આજે દુનિયા બદલાઇ રહી છે. સોસીયલ મીડીયાના ઉપયોગ દ્વારા "સાધના"ના કોર્સીસ થાય છે જેમાં દેશ-વિદેશના યુથ જોડાઇ હિન્દુ સંસ્કૃતિ વિષે માહિતી મેળવે છે. એનું મીડીયમ ઇંગ્લીશ રહે છે. પોરબંદરમાં પણ આવા કાર્યક્રમો યોજાય છે એમાં સંસ્કૃતિ ફાઉન્ડેશન યુ.કે.નું યોગદાન રહે છે. આ રામકથાના આયોજનમાં ય એમનો મહત્વનો ફાળો છે.
સવાલ: આપની દ્રષ્ટિએ પરંપરાગત રૂઢિઓનું કે માનવધર્મનું મહત્વ વધારે?
જવાબ: રૂઢી શબ્દમાં જડતા જોડાયેલી છે. જ્યાં સુધી પરંપરા છે ત્યાં સુધી એ સારી વસ્તુ છે, કામની છે પણ જ્યારે એ કામની ન રહે કે એની ઉપયોગીતા ન હોય ત્યારે એ રૂઢી બની જાય છે. ધર્મમાં હંમેશા ધ્યાનમાં રાખવાનું કે, આ કરો કે આ ન કરો એ બેયમાં માનવ જીવનની સુખાકારી કેન્દ્ર સ્થાને હોવી જોઇએ. માનવ ધર્મનું જ વિશેષ મહત્વ છે. માનવ કલ્યાણને જ કેન્દ્રમાં રાખી બીજી બધી પ્રવૃત્તિઓ ગોઠવાય.
સવાલ: યુ,કે. તેમજ વિદેશવાસી ભારતીય યુવા પેઢીને આપણી સંસ્કૃતિ પ્રત્યે આદર, સદ્ભાવ, પ્રેમ અને રૂચિ કેળવાય તેમજ જિજ્ઞાસા જાગે એ માટે શું કરવું જોઇએ?
જવાબ: જે વસ્તુ પ્રત્યેનું અજ્ઞાન હોય એ પ્રત્યે ક્યારેય આકર્ષણ નહિ થાય. જ્ઞાન જ ના હોયતો આદર-અનાદરનો પ્રશ્ન જ ઉભો નથી થતો. રામાયણમાં શ્લોક છે: "જાને બિન ના હોઇ પરતિતી, બિન પરતિતી હોઇ નહિ પ્રીતિ…"
યુવાનોને હિન્દુ ધર્મની વૈજ્ઞાનિકતા વિષે સમજાવવાની જરૂર છે. આજના યુવાન ભણેલા હોવાથી એમની બુધ્ધિની ક્ષિતિજો વિસ્તરેલી છે. એથી એ પ્રશ્ન કરે છે. એના પ્રશ્નનો આદર કરી એની પાછળનું લોજીક અને સાયન્સ સમજાવાશે તો તો એને આપણી સંસ્કૃતિ વિષે જાણવાની રૂચિ થશે. આપણી સંસ્કૃતિમાં માનવતા, પ્રકૃતિ, પર્યાવરણની ઉપયોગીતા દર્શાવાઇ છે વિશે સમજશે તો સ્વાભાવિક રીતે જાણવાની જિજ્ઞાસા વધશે. જેમ શીખતો જશે એમ આદર વધતો જશે.
સવાલ: આ મહોત્સવ નવ દિવસીય શા માટે રાખવામાં આવ્યો?
જવાબ: સામાન્ય રીતે અમે પાટોત્સવ પાંચ દિવસનો કરતા હોઇએ છીએ પરંતુ આ ૧૫મો પાટોત્સવ છે. કોવીદ-૧૯ના સમયમાં ઘેર બેઠાં લોકોને સત્સંગ મળે એ માટે રામકથાનું આયોજન કર્યું અને એ નવ દિવસની હોય. લાઇવ વેબકાસ્ટમાં સમગ્ર વિશ્વના લોકો આ સત્સંગમાં જોડાય અને સેવાના કાર્યમાં જેને જોડાવવું હોય તે સહભાગી બને. ગ્રામ્ય વિસ્તારના બાળકોના જીવનમાં અજવાળાં પાથરવાની જેની ઇચ્છા હોય એને અમે આવકારીશું. સર્વ દાનોમાં વિદ્યાદાન સર્વશ્રેષ્ઠ મનાય છે.
સંસ્કૃતિ ફાઉન્ડેશન યુ.કે. યોજીત પોરબંદરમાં સાંદીપની વિદ્યાનિકેતન સંકુલ ખાતે પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની વર્ચ્યુઅલ રામકથા : શનિવાર તા.૧૩ ફેબ્રુઆરી થી રવિવાર ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૧
10am to 1.30pm GMT (3.30pm – 7.00pm IST) સંસ્કાર ટી.વી.પર નિહાળી શકાશે.
 વધુ વિગત માટે સંપર્ક:
ભાવિત મહેતા UK : +44 796 197 6669


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter