અમદાવાદ: ખેડા જિલ્લાના અને અમદાવાદના જમાલપુરમાં રહેતા પરિવારના યુનુસભાઈ સિકંદરભાઈ વ્હોરા (ઉ. ૫૧) ૯ વર્ષ પહેલાં વ્યવસાય માટે દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયાના મકોપાને ગામમાં સ્થાયી થયા હતા. મકોપાનેમાં યુનુસભાઈએ પાર્ટનરશિપમાં શોપ શરૂ કરી હતી. યુનુસભાઈએ જેમની મદદથી શોપ શરૂ કરી હતી તેમને બે દુકાનો હતી. ૨૦ જૂને યુનુસભાઈ દુકાનમાં હાજર હતા, પરંતુ ઘરે જવાના સમય પહેલાં તેમણે કાર ચેક કરતાં કાર બગડી હોવાનું જણાયું હતું. તેથી તેમણે બીજી દુકાને ફોન કરી દુકાન બંધ થવાના સમયે કોઈને લેવા માટે આવવાનું કહ્યું હતું.
દરમિયાન, સાંજે સુમારે યુનુસભાઈને લેવા માટે બીજી દુકાને બેસતો કર્મચારી આવ્યો હતો અને સાંજના પાંચના સુમારે બધા બીજી દુકાને પહોંચ્યા હતા. જોકે દુકાનમાં પહેલેથી લૂંટારુઓ લૂંટના ઈરાદે ઘૂસી ગયા હતા અને તે હકીકતથી અજાણ યુનુસભાઈના પાર્ટનર ગાડીમાંથી ઉતરી દુકાનમાં જતા લૂંટારુઓએ તેમના પર દુકાનમાં ફાયરિંગ કર્યું હતું.
દુકાનમાંથી ફાયરિંગનો અવાજ આવતાં ગાડીમાં બેસેલા યુનુસભાઈ દુકાન તરફ જવા લાગ્યા ત્યારે દુુકાન બહાર ઉભેલા હુમલાખોરે તેમના પર પણ ફાયરિંગ કર્યું હતું. જેમાં યુનુસભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. દુકાનમાં તોડફોડ કરીને ભાગી ગયેલા લૂંટારુઓએ દુકાનના સીસીટીવી કેમેરા અને ડીવીઆર પણ તોડી નાંખ્યા હતા.