અમદાવાદ: અમેરિકાના ન્યૂ જર્સીમાં ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે સાહિત્યની ઉપાસનાના આશય સાથે ‘સાહિત્ય સંસદ યુએસએ’નો પ્રારંભ થયો છે. મુંબઈમાં કાર્યરત સાહિત્ય સંસદ સંસ્થાના પ્રમુખ કનુભાઇ સૂચકે જણાવ્યું કે ‘સાહિત્ય સંસદ’ ગુજરાતી ભાષા અને સાહિત્યની શુદ્ધ ઉપાસનાનાં લક્ષ્યને વરેલી છે. સાહિત્ય સંસદ અન્વયે જે રીતે ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રસાર માટે સાહિત્યિક પ્રવૃત્તિ થાય છે અને એને ગુજરાતી સાક્ષરો, વિદ્વાનો, ભાષાકર્મીઓનો બહોળો પ્રતિસાદ મળે છે. અમેરિકામાં પણ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નાનામોટાં જૂથમાં ખૂબ સુંદર પ્રવૃત્તિઓ થાય છે પરંતુ એનું કાર્યસ્વરૂપ અલગ પ્રકારનું
હોય છે.
જોકે, ગુજરાતી ડાયાસ્પોરા સાહિત્ય સર્જનમાં અનેક પ્રસ્થાપિત અને નવોદિત સર્જકો છે અને આશ્ચર્ય થાય એ રીતે ત્યાં ગુજરાતી ભાષાનાં સર્જનશીલો સાહિત્યકર્મ ક્ષેત્રે પ્રવૃત્ત છે. અમેરિકાની અમારી તાજેતરની તેમજ અગાઉની મુલાકાત વેળા એ જોવા અને અનુભવવા મળ્યું. તેનાથી પ્રેરાઈને જ સાહિત્ય સંસદનો કાર્યવિસ્તાર અમેરિકા સુધી પ્રસારવાનું બળ મળ્યું.
અમેરિકાના ન્યૂ જર્સી નિવાસી લેખક, કવિ, જર્નાલિસ્ટ, ટેલિવિઝન એંકર અને રેડિયો હોસ્ટ વિજય ઠક્કરના પ્રમુખપદે સાહિત્ય સંસદ યુએસએનો શુભારંભ કરવામાં આવ્યો છે. સાહિત્ય સંસદમાં ઉપપ્રમુખપદે ગુજરાત સાહિત્યના લેખક-કવિ ડોક્ટર નિલેશ રાણાની વરણી થઇ છે. સાહિત્ય સંસદના બે મહામંત્રીઓ તરીકે સૂચિ વ્યાસ અને નંદિતા ઠાકોરની પસંદગી થઇ છે. તેમજ કોષાધ્યક્ષ તરીકે લેખિકા અને બ્લોગર કોકિલા રાવલની વરણી થઇ છે.