વોશિંગ્ટનઃ ગુજરાતી અમેરિકન અવકાશયાત્રી સુનીતાના પૃથ્વી પર પુનરાગમનની ભારતમાં ઉજવણી કરાઈ હતી. સુનીતા સ્પેસ સ્ટેશનમાં હતી ત્યારે તેણે અવકાશમાંથી જ ભારતમાં યોજાયેલા મહાકુંભને નિહાળવાનો લ્હાવો માણ્યો હતો. સુનીતાના ભાભી ફાલ્ગુની પંડયાએ કહ્યું હતું કે, સુનીતાએ તેમને પ્રયાગરાજના મહાકુંભની તસવીરો મોકલી હતી. ફાલ્ગુનીએ જણાવ્યું હતું કે, મહાકુંભમાં જતાં પહેલાં મેં સુનીતા સાથે વાત કરતાં પૂછયું હતું કે શું તેને આકાશમાંથી મહાકુંભ દેખાય છે અને જો દેખાતો હોય તો તે એ દૃશ્ય કેવું છે? આ વાતચીત થયાં બાદ તેમણે મને અંતરીક્ષમાંથી લીધેલી મહાકુંભની તસવીર મોકલી હતી.