સુરતઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૯મી મેએ સુરતની મુલાકાતે આવ્યા હતા. ત્રણ કાર્યક્રમોમાં હાજર રહેલા રાષ્ટ્રપતિએ સુરત અને ગુજરાતને દેશના વિકાસનું ગ્રોથ એન્જિન ગણાવ્યું હતું. ઉપરાંત સુરતીઓની સ્વભાવના વખાણ કર્યાં હતાં. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આધુનિક વિચારધારા, અસાધારણ કર્તવ્યનિષ્ઠા અને યોગદાનને વિશ્વવ્યાપી સરાહના મળી હોવાનું પણ જણાવ્યું હતું.
ઓર્ગન ડોનર્સના પરિવારનું સન્માન
બ્રેઇનડેડ વ્યક્તિઓના ઓર્ગન ડોનેશન કરનાર પરિવારના સભ્યોનું સુરતમાં રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે કોઈ વ્યક્તિ કોઈ ઉપલબ્ધિ હાંસલ કરે ત્યારે તેઓનું સન્માન થાય છે. જ્યારે અહીં સ્વજનનું સર્વસ્વ ન્યોછાવર કરી દેનારા પરિવારનું સન્માન કરવાનો એક અનોખો કાર્યક્રમ રહ્યો છે. ફક્ત ગુજરાત નહીં પરંતુ, સમગ્ર દેશ આ માનવસેવાના કાર્યમાં સાથે છે.
ભારતની વિકાસગાથા ગુજરાત વિના અધૂરી
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૪૯માં પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કવિંદે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત વિના ભારત દેશની વિકાસગાથા અધૂરી છે. દક્ષિણ ગુજરાતનું આ ક્ષેત્ર ગુજરાતનું ઇકોનોમિક એન્જિન છે અને સુરત શહેરે તેમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું નામ ૧૯મી સદીના મહાન રચનાકાર નર્મદાશંકર દવે એટલે કે
કવિ નર્મદના નામ સાથે જોડાયું હોય ગૌરવની બાબત છે.
અવસરનું શહેર સુરત
એસઆરકે નોલેજ ફાઉન્ડેશનના સંતોક બા માનવરત્ન એવોર્ડ સમારોહમાં ડો. કૈલાસ સત્યાર્થી અને વૈઞ્જાનિક પદ્મશ્રી એ. એસ. કિરણકુમારને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ એનાયત કરાયા હતા. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે શહેરી સ્વચ્છતામાં સુરત દેશના અન્ય શહેરો માટે ઉદાહરણ રૂપ બની ગયું છે. સુરત શહેર અવસરોનું શહેર છે. તે મિની ઇન્ડિયા છે. રોજગારી વેપાર માટે આવતા અન્ય પ્રાંતના લોકોને સુરતીઓ સમાવી લે છે. સુરતીઓ ખરા અર્થાત જીવન જીવવાની કળાના જાણકાર છે. વિપરીત સંજોગોમાં પણ આનંદ ઉલ્લાસથી રહેનારા લોકો છે.