સુરતઃ હીરાઉદ્યોગના હૃદયસમાન સુરત ડાયમંડ બુર્સ (એસડીબી)ના ચેરમેન પદે જાણીતા ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાની વરણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વતની અને સખાવતી તરીકે નામના ધરાવતા ગોવિંદભાઇ હીરા ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવતા હોવા ઉપરાંત તાજેતરમાં જ રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયા છે.
સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ પટેલ (લાખાણી)એ રાજીનામું આપ્યાના એક દિવસ પછી, કોર કમિટીએ ગુજરાતના રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાને બિઝનેસ હબના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. એસડીબીની કોર કમિટીના સભ્યો લાલજીભાઇ પટેલ, મથુરભાઇ સવાણી, દિયાલભાઈ વાઘાણી, અરવિંદભાઇ ધાનેરા, સેવંતીભાઇ શાહ, નાગજીભાઈ સાકરિયા અને કેશુભાઈ ગોટીની બેઠક યોજાઇ હતી, જેમાં લાખાણીના રાજીનામા પછીના આગળના પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કોર કમિટીએ હીરાના વેપારીઓ સાથે ચર્ચા-વિચારણાના અંતે એસઆરકે ડાયમંડના માલિક અને તાજેતરમાં રાજ્યસભાના સાંસદ તરીકે વરાયેલા ગોવિંદભાઇ પર પસંદગી ઉતારવામાં આવી હતી. એસડીબીની સલાહકાર સમિતિના સભ્ય એવા ગોવિંદભાઇએ પ્રમુખપદ સંભાળવાની ઓફર સ્વીકારી હતી.
લાલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘ગોવિંદ ધોળકિયાની એસડીબીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે, અને ઉદ્યોગમાં તેમના બહોળા અનુભવથી તેઓ તમામ અવરોધોને દૂર કરીને સમગ્ર જહાજનું સંચાલન કરશે. નવા નિયુક્ત અધ્યક્ષના નેતૃત્વમાં નિયમિત બેઠકો યોજવામાં આવશે અને ટૂંક સમયમાં સમગ્ર કાર્યાલય સંકુલ સંપૂર્ણ રીતે કાર્યરત થાય તેવો ઉદ્દેશ્ય છે.
તેમણે કહ્યું હતું કે ‘વલ્લભભાઈ લાખાણી કોર કમિટીની બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. અમે અમારી તમામ સમિતિઓની પુનઃરચના કરવાનો નિર્ણય લીધો છે, જેમ કે મેનેજમેન્ટ કમિટી, કોર કમિટી, ફાઇનાન્સિયલ, લીગલ, મેમ્બર રિલેશન કમિટી વગેરે. વલ્લભભાઈએ ખાતરી આપી છે કે, તેઓ એસડીબી સાથે રહેશે અને જ્યારે પણ જરૂર પડશે ત્યારે સભ્યો સાથે ઊભા રહેશે અને એસડીબીના સંપૂર્ણ સંચાલનમાં તેમનો સહયોગ આપશે.
ઉલ્લેખનીય છે કે ભારતના પોલિશ્ડ હીરાના સૌથી મોટા નિકાસકાર કિરણ જેમ્સના માલિક વલ્લભભાઈ પટેલ (લાખાણી) નવેમ્બર 2023માં એસડીબીમાં તેમના સમગ્ર ટ્રેડિંગ ઓફિસ સેટઅપને મુંબઈથી સુરત શિફ્ટ કરનારા પ્રથમ વેપારી હતા. છેલ્લા બે દાયકાથી સુરતમાં તેમનું ડાયમંડ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. કિરણ જેમ્સની ફેક્ટરીઓમાં 20,000 થી વધુ ડાયમંડ પોલિશર્સ છે.
હીરા ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે, તમામ ટ્રેડિંગ ઓફિસોને મુંબઈથી સુરત ખસેડવા પાછળનો હેતુ એ હતો કે, તેઓ સુરતમાં હીરાના કારખાના ધરાવે છે અને સુરતથી કટ અને પોલિશ્ડ હીરાને મુંબઈની ટ્રેડિંગ ઓફિસો સુધી પહોંચાડવાનું જોખમી અને સમય માંગી લેતું હતું.