સુરતઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સુરત વિશ્વનું સૌથી મોટું હીરાનું ટ્રેડિંગ માર્કેટ બનશે. ડાયમંડ બુર્સ સાકાર થવાથી દુનિયાના દેશો પોલિશ્ડ ડાયમંડની ખરીદી માટે સુરત આવશે જેથી સુરતનું નામ વિશ્વસ્તરે પ્રસ્થાપિત થશે. અહીં 4500થી વધુ ઓફિસો બની છે. સુરત, મુંબઈ સહિત વિદેશના હીરા વેપારીઓએ ઓફિસો ખરીદી છે. હવે એક જ જગ્યાએ રફ ડાયમંડનું ટ્રેડિંગ અને પોલિશ્ડ ડાયમંડનું ટ્રેડિંગ થશે, ઉપરાંત 1.5 લાખ લોકોને રોજગારીની તકો મળશે. ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં વૈશ્વિક સિદ્ધિ બાદ હવે સુરત હવે ડાયમંડ ટ્રેડિંગનું પણ હબ બનશે તેનો વિશેષ આનંદ છે. આ બુર્સ પ્લેટિનમ, સિલ્વર ડાયમંડ, લેબગ્રોન ડાયમંડના વન સ્ટોપ ડેસ્ટીનેશન તરીકે ઉભરી આવશે. વિશેષ વાત એ છે કે, કોઈ એક વ્યક્તિએ કે કંપનીએ નહીં, પરંતુ 4200 વેપારીઓએ ભેગા મળીને આ સુરત ડાયમંડ બુર્સનો વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ સાકાર કર્યો છે. અગાઉ વિશ્વનું સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ અમેરિકાનું પેન્ટાગોન હતું, પરંતુ હવે દુનિયાના સૌથી મોટા બિલ્ડિંગનું સ્થાનસુરતમાં 67 લાખ ચોરસ ફૂટમાં નિર્માણ પામેલા ડાયમંડ બુર્સે લીધું છે. નવ ટાવરમાં પથરાયેલું આ બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ છે, અને નવીનીકરણ તેમજ ગ્રીન એનર્જીમાં સર્વોચ્ચ એવું પ્લેટિનિયમ ગ્રેડેશન પણ ધરાવે છે.
સુરતમાં હવે 175 દેશના વાવટા ફરકશે: લાલજી પટેલ
ડાયમંડ બુર્સ કમિટીના સભ્ય લાલજીભાઈ પટેલે કહ્યું હતું કે, પહેલાં સુરતમાં 84 દેશોના વાવટા ફરકતા હતાં, હવે આ ડાયમંડ બુર્સને કારણે 175 દેશમાંથી હીરા ખરીદરનારો સુરતમાં પોલિશ્ડ ડાયમંડ ખરીદવા આવશે. સુરતમાં વૈશ્વિક કક્ષાનું ડાયમંડ બુર્સ બનાવવાનો મુખ્ય આશય ભારતમાંથી હીરા, જેમ્સ અને જ્વેલરીની આયાત નિકાસ અને વ્યાપારને પ્રોત્સાહન આપવાનો છે તેમજ ડાયમંડ બિઝનેસ સાથે સંકળાયેલી કંપનીઓને ગ્લોબલ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.