સુરતઃ વિશ્વમાં જ્યાં જ્યાં ભારતીયો વસી રહ્યા છે ત્યાં ત્યાં ગણેશોત્સવ રંગેચંગે ઉજવાઇ રહ્યો છે. કોરોનાના કારણે ચમકદમક ભલે ઝાંખી પડી હોય, શ્રદ્ધાળુઓના ઉમંગઉત્સાહમાં લગારેય ઓટ આવી નથી. મૂલ્યવાન ધાતુથી માંડીને માટીના બનેલા ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના થઇ છે. જોકે હીરાનગરી સુરતમાં અનોખા વિઘ્નહર્તા બિરાજે છે. આ ગણપતિ હીરાના બનેલા છે, અને તેનું મૂલ્ય છે રૂ. ૬૦૦ કરોડ.
સુરતના હીરા વેપારીએ આ સાથેની તસવીરમાં જોવા મળતા ગણેશજીની સ્થાપના કરી છે, જેને વિવિધ વિક્રમોની નોંધ લેતી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડે યુનિક ગણાવ્યા છે. ૧૮૨ કેરેટના આ ડાયમંડની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત અંદાજે ૬૦૦ કરોડ રૂપિયાથી વધુ હોવાનું મનાય છે. તેમજ આ ગણેશજીના દર્શન કરવાની ઇચ્છા અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર કમલા હેરિસે પણ વ્યક્ત કરી છે. સુરતના કનુભાઇ આસોદરીયા પાસે ગણેશજીની પ્રતિકૃતિનો આ ડાયમંડ છે. દેશ-વિદેશના લોકો ગણેશજીની આ મૂર્તિથી આકર્ષિત થયા છે. હાલ ૨૫ દેશોના મહત્વપૂર્ણ વ્યક્તિઓ પાસે આ ગણેશજીનો ફોટો છે.
કનુભાઇ દર વર્ષે ગણેશચતુર્થીએ આ મૂર્તિની સ્થાપના કરે છે. ગણેશની પ્રતિકૃતિના આ હીરાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ૬૦૦ કરોડથી વધુ હોવાનું કહેવાય છે. ડાયમંડનું વજન ૧૮૨ કેરેટ ૫૩ સેન્ટ છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડે પણ આ હીરાને વિશ્વના યુનિક હીરા તરીકે દરજ્જો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોહીનૂર હીરો ૧૦૫
કેરેટનો છે.
કનુભાઇ કહે છે કે, ૨૦૧૮માં હું કેલિફોર્નિયા ગયો ત્યારે ડેમોક્રેટિક પાર્ટીના નેતા અને મિત્ર અજય જૈનને મળ્યો હતો. આ ગણેશ ડાયમંડનો ફોટો ત્યાં હિન્દુ મંદિરમાં મુકાયો છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર કમલા હેરિસ સાથે સીધો સંપર્ક નથી, પરંતુ તેમને શુભેચ્છા ઇ-મેઇલ મોકલ્યો તો તેમણે પ્રત્યુત્તરમાં આ ગણેશ ડાયમંડના દર્શન કરવાની ઇચ્છા દર્શાવી છે.