સુરતઃ રિવરફ્રન્ટ પર ભવ્ય દીક્ષામંડપમાં સુરતના વેપારી વોરા પરિવારનાં સગા ભાઇ-બહેન સહિત ત્રણ દીક્ષાર્થીઓએ સંયમ માર્ગે નવમીએ પ્રયાણ કર્યું હતું. આ ભાઇ બહેન સાથે નવસારીની મોક્ષા (ઉં. ૨૧)એ પણ દીક્ષા ગ્રહણ કરી હતી.
આ બંને બાળકોમાંથી બહેન આયુષી ચાર વર્ષ અને ભાઇ યશે બે વર્ષ સંતો સાથે વિહાર પણ કર્યો છે. આ બંને ભાઈ – બહેન પોતાના પિતા ભરત વોરાએ પહેલાં તો દીકરીની દીક્ષા માટે તૈયારી બતાવી હતી, પરંતુ યશની દીક્ષા માટે તેઓ તૈયાર નહોતા.
યશને લક્ઝુરીયસ કાર પસંદ હોવાથી તે દીક્ષા ન લે એ માટે પિતાએ તેને જેગુઆર, ઓડી અને મર્સિડીઝ જેવી કાર લાવી આપવાની ઓફર પણ કરી હતી, પરંતુ યશ નિર્ણય પર અડગ હતો.
આયુષીને પણ વૈભવી જીવન પસંદ હતું. તે બ્રાન્ડેડ અને ફેશન પરસ્ત હતી, પરંતુ તેનું મન સાધ્વી જીવન તરફ વળ્યું. આયુષીએ જણાવ્યું કે જ્યારે તે જૈન મુનિઓ સાથે વિહાર કરવા ગઈ ત્યારે અચાનક જ તેને ભૌતિક વસ્તુઓ પ્રત્યે મોહ હતો તે તૂટી ગયો હતો. જેનું આજ કારણ છે કે, તે તેને પણ સંયમ જીવન વ્યતિત કરવાનો નિર્ણય કર્યો હતો.
યશ અને આયુષીએ ૧૨ કોમર્સ સુધી અભ્યાસ કર્યો છે. આચાર્ય યશોવર્મસૂરિજીની નિશ્રામાં ૯મી ડિસેમ્બરે ત્રણેય દીક્ષાર્થીઓની સામૂહિક દીક્ષા થઈ હતી.
સાતમીએ ત્રણેય મુમુક્ષુઓની વિજય તિલક શોભાયાત્રા નીકળી હતી. અડાજણ રિવરફ્રન્ટ પર બનાવેલા ભવ્ય દીક્ષામંડપમાં આઠમીએ સવારે ૮.૩૦ કલાકે સાધુ ભગવંતોનો પ્રવેશ થયો તથા બપોરે સંયમ વસ્ત્રો પર કેસર છાંટણા થયા. મહેંદી રસમ તથા સાંજી પણ આઠમીએ યોજાઇ હતી. રવિવારે વહેલી સવારે ૪ વાગ્યે ત્રણેયની દીક્ષાવિધિ થઈ હતી.