સુરતમાં સુરક્ષા વ્યવસ્થાના ભોપાળાથી અગ્નિખેલ: બિલ્ડીંગમાં આગ ફેલાઈ, ૨૦થી વધુ હોમાયા

Saturday 25th May 2019 07:30 EDT
 
 

સુરતઃ સરથાણા નેચર પાર્ક સામે આવેલા તક્ષશિલા આર્કેડમાં શુક્રવારે (૨૫મી મેએ) સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મીઠાઇની દુકાનના એસીમાં બ્લાસ્ટથી લાગેલી આગ જોતજોતામાં ત્રીજા માળ અને ચોથા માળે આવેલા ટેરેસ રુફટોપ સુધી ફેલાઇ ગઇ હતી. ચારેબાજુ અંધારપટ, ધુમાડાના ગોટેગોટા વચ્ચે સર્જાયેલા અગ્નિતાંડવમાં અલોહા ફેશન ડિઝાઈનિંગ ઈન્સ્ટિટયૂટના કેટલાક વિદ્યાર્થીઓ અગનજ્વાળાઓમાં જીવતા ભુંજાઇ ગયા હતા. અમુક વિદ્યાર્થીઓએ જીવ બચાવવાનો કોઇ રસ્તો નહીં સૂઝતા ચોથા ફ્લોર પરના રુફટોપ પરથી ભુસકો મારવા મજબૂર થવું પડયું હતું. હૈયું હચમચાવી દેનારા આ દૃશ્યો જોઇ સંખ્યાબંધ લોકોના મોઢા ફાટી રહ્યાં હતાં.

અડધો કલાક મોડા આવેલા ફાયર વિભાગના લશ્કરોએ રેસ્ક્યૂ કામગીરી આરંભી હતી. અપૂરતા સાધનોને લીધે વધારે લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો હતો. ચાર કલાકની જહેમતને અંતે આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. પહેલાં પાંચ પછી ૧૨ પછી ૧૯ અને અંતે વીસથી વધુ નિર્દોષોનો જીવ આ ઘટનામાં લેવાયાના આંકડા બહાર આવ્યા છે.

એસીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી

તક્ષશિલા આર્કેડમાં ત્રીજા માળનું બાંધકામ ગેરકાયદે છે. આ ગેરકાયદે બાંધકામમાં અલોહા ક્લાસિસ હતા. બાંધકામ અનઅધિકૃત હોય લોકોની અવરજવર માટે લાકડાનો દાદર રાખવામાં આવ્યો હતો. બીજા માળે મીઠાઇની દુકાનમાં એસીમાં બ્લાસ્ટ થતાં આગ લાગવાથી લાકડાનો દાદર બળી ગયો અને વિદ્યાર્થીઓ ફસાઇ ગયા. છેવટે ચોથા ફ્લોરથી ભૂસકો મારવા તેમને મજબૂર થવું પડયું હતું.

ફાયર વિભાગ લકવાગ્રસ્ત

ઘટના વખતે ફાયપ બ્રિગેડનું હાઇડ્રોલિક ખોટકાયું હતું. જાળ લાવવાનું ભૂલી ગયા હતા. અંતે કૂદતા વિદ્યાર્થીઓને કેચ કરવા દોડેલા ચાર લોકોનાં હાથ ભાંગી ગયા હતા. વર્ષે કરોડો રૂપિયાના સાધનોની ખરીદી કરતા ફાયર વિભાગનો ઘોડો ખરા સમયે દોડયો ન હતો. જેને કારણે વિદ્યાર્થીઓએ ત્રીજા માળેથી ભૂસકો મારવાની નોબત આવી હતી. કોલ મળતા સ્થળ ઉપર પહોંચેલા લશ્કરો પાસે માત્ર દોઢ માળ સુધી રેસ્ક્યૂ કામગીરી કરી શકાય એટલી જ ઊંચાઇ ધરાવતી જ સીડી હાજરમાં હતી. હાઇડ્રોલિક ખરાબ હતું, જાળ લાવવાનું ભૂલી ગયા હતા. જ્યારે વિદ્યાર્થીઓ ત્રીજા માળે ફસાયા હતા. આખરે જીવ રઘવાયા બનેલા વિદ્યાર્થીઓએ ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી. કેટલાક લાશ્કરો વિદ્યાર્થીઓનો કેચ પકડવા દોડયા હતા પણ ચાર લાશ્કરોના હાથ ભાંગ્યા હતા. દુર્ઘટનામાં ટયૂશન કલાસિસમાં ટયૂટર તરીકે ફરજ બજાવતા ક્રિષ્નાબહેન સુરેશભાઈ પીપલીયા ( ઉ. વ. ૨૧ ) બચવા માટે કૂદી પડયા હતા, પરંતુ માથાની ગંભીર ઈજાને કારણે તેમણે જીવ ગુમાવ્યો હતો.

તક્ષશિલા કોમ્પલેક્સમાં આગ લાગ્યા બાદ યુવક અને યુવતીઓ જીવ બચાવવા માટે ઉપરથી કૂદકા મારી રહ્યા હતા. આ દરમિયાન ૨૮ લોકો નીચે કુદ્યા હતા. તે સમયે એક યુવન થોડી સાવચેતી સાથે ત્રીજા માળે આવેલી બારી ઉપર ઊતરી ગયો હતો. તેણે એક યુવતી અને યુવકનો જીવ બચાવવાના પ્રયાસ કર્યા પણ તેઓ નીચે પટકાયા હતા. ત્યારબાદ તેણે બીજી બે યુવતીઓને હળવેકથી બારી ઉપર ઉતારી હતી. તેની સભાનતા અને સાવચાતીના કારણે જ તેનો તથા બે યુવતીઓનો જીવ બચ્યો હતો. જોકે આ યુવક સ્માર્ટ ક્લાસિસનો સંચાલક ભાર્ગવ બુટાણી હોવાનું ખૂલ્યું છે. સ્માર્ટ ક્લાસિસના સંચાલક ભાર્ગવ બુટાણીને પોલીસે મુખ્ય આરોપી તરીકે ઝડપી લઈને કાર્યવાહી શરૂ કરી છે. આ જ ભાર્ગવ બુટાણીએ દુર્ઘટના વખતે ઉપરથી લટકીને પછી અન્ય બે વિદ્યાર્થીઓને બચાવી લીધાં હતાં. બાદમાં ફાયરબ્રિગેડની ક્રેઈન દ્વારા સૌપ્રથમ વિદ્યાર્થીઓને નીચે ઉતારીને પોતે નીચે ઉતર્યો હતો. આ અંગે ક્રાઈમ બ્રાંચના એસીપીએ પણ બચાવનાર ભાર્ગવ હોવાનું કહ્યું હતું.

આર્કેડમાં ફાયર સેફ્ટી નથી

ફાયર સેફટીને મામલે ફાયર વિભાગની કડકાઇ માત્ર કાગળ પર જ રહી ગઇ છે. ફાયર વિભાગના આ પાપે તક્ષશિલા આર્કેડમાં ફાયર સેફટીની સુવિધા જ નહોતી. ફાયરની એનઓસી આપી માત્ર મલાઇ ખાવામાં રસ ધરાવતા અધિકારીઓ દ્વારા આ દિશામાં જો પૂરતું ધ્યાન આપવામાં આવ્યું હોત તો તક્ષશિલા આર્કેડમાં મોતના મુખમાં ધકેલાઇ ગયેલી નિદોર્ષ જિંદગીઓને મોતના મુખમાં જતી બચાવી શકાય હોત.

ગેરકાયદે ઇમ્પેકટ ફીમાં મંજૂર

સરથાણા જકાતનાકા પર તક્ષશિલા આર્કેડ આખે આખું ગેરકાયદે બનાવી ઇમ્પેકટ ફી યોજનામાં મંજૂર કરાવવામાં આવ્યું હતું. તક્ષશિલા આર્કેડના ટેરેસ પર ધરાર ગેરકાયદે ડોમ બનાવી ખાનગી કલાસ શરૂ કરાયા હતા. ડોમની ઊંચાઇ માંડ પાંચ છ ફૂટ હોવાથી વિદ્યાર્થીઓને બેસવા માટે ગાદલા મૂકવામાં આવ્યા હતા. આગની દુર્ઘટનામાં આ ગાદલા સળગતા આગ વિકરાળ બની હતી. કોર્મિશયલ બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનો નહોતા. સરથાણા જકાતનાકા વિસ્તારમાં ૧૯નો નિર્દોષનો ભોગ લેનાર તક્ષશિલા આર્કેડનો કોઇ પ્લાન પાલિકામાં મૂકવામાં આવ્યો નહોતો. ૨૦૧૧માં રાજ્ય સરકારની ઇમ્પેકટ ફી યોજના હેઠળ જ્યોતિબહેન હસમુખ વેકરિયા અને અન્યોએ આ કમર્શિયલ મિલકત મંજૂરી માટે વરાછા ઝોનમાં મૂકી હતી. અરજદારોએ ગ્રાઉન્ડ ફલોર વત્તા ત્રણ માળની કમર્શિયલ મિલકત ઇમ્પેકટ ફીમાં મંજૂરી માટે મૂકી હતી. વરાછા ઝોનના જે તે સમયના ઇજનેરોના મેળાપીપણામાં આ મિલકતની ઇમ્પેકટ ફી મંજૂર કરવામાં આવી હતી. આ પછી ટેરેસના ભાગમાં ગેરકાયદે ડોમ બનાવવામાં આવ્યો હતો.

કેઝયુલિટીમાં મૃતદેહોને ઢગલો

સ્મીમેર હોસ્પિટલમાં કેઝયુલિટી વોર્ડમાં દર્દીઓને બદલે મૃતદેહોનો ઢગલો થઈ ગયો હતો. મોટાભાગની બોડીઓ એટલી હદે આગમાં ભડથું થઈ ગઈ હતી કે, લાંબી કવાયત બાદ પણ તેની ઓળખ થઈ શકી ન હતી, જેને કારણે મૃતદેહોને નંબર આપવા પડયા હતા. બનાવ બાદ ચિંતિત પરિજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા હતા, પરંતુ મૃતદેહમાં પોતાના સ્વજનની ઓળખ નહીં થતાં અને ભાળ પણ નહીં મળતા હોસ્પિટલ ખાતે આક્રંદ મચાવી દીધું હતું.

આગની આ ઘટના અંગે મેસેજ મળતા જ પોતાના વહાલસોયા બાળકોને શોધવા તક્ષશિલા આર્કેડ અને સ્મિમેર હોસ્પિટલ દોડી આવેલા વાલીઓની ચિચિયારીઓ વચ્ચે ચારેતરફ આંસુ, આક્રંદ અને ડૂસકા રહી ગયા હતા. ઘટનાની ગંભીરતા પારખી રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તેમના તમામ કાર્યક્રમો પડતા મૂકી તાત્કાલિક સુરત દોડી આવ્યા હતા. સ્થળ સ્થિતિની સમીક્ષા કરી આ દુર્ઘટનાની તપાસ સરકારના શહેર વિકાસ વિભાગના અગ્રસચિવ મુકેશ પુરીને સોંપતો હુકમ કર્યો હતો. આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓના પરિવારજનોને રાજ્ય સરકારે રૂ. ૪ લાખની જાહેરાત કરી છે.

વડા પ્રધાને દુઃખ વ્યકત કર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે, સુરતમાં આગની ઘટનાથી હું બેહદ વ્યથિત છું. મૃતકોનાં પરિવાર પ્રત્યે મારી ઘેરી સંવેદના વ્યક્ત કરું છું. મેં ગુજરાત સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓને આગ કાંડમાં અસર પામેલા લોકોને તમામ મદદ કરવાનો આદેશ આપ્યો છે. ઘટનામાં ઈજા પામેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના છે.

મૃત્યુ પામેલાઓ પ્રત્યે સંવેદના: અમિત શાહ

ગુજરાતનાં સુરતમાં થયેલી આગ હોનારતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે હું ઘેરું દુઃખ વ્યક્ત કરું છું. મૃતકોનાં પરિવાર પ્રત્યે મારી ઘેરી સંવેદનાઓ વ્યક્ત કરું છું. જે લોકો ઈજા પામ્યા છે તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. કેન્દ્રનાં આરોગ્ય પ્રધાન જે પી નડ્ડાએ ગુજરાતનાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે ફોન પર વાત કરી હતી. કેન્દ્ર સરકાર આ દુર્ઘટનામાં તમામ મદદ કરશે તેવી નડ્ડાએ ખાતરી આપી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ સુરત આગ હોનારત અંગે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.

તંત્ર સામે પ્રચંડ આક્રોશ

વરાછાના તક્ષશિલા કોમ્પલેક્સમાં તંત્રના પાપે બનેલી ઘટનાને લઇને લોકોમાં પ્રચંડ આક્રોશ ફેલાયો છે. એસએમસી, જીઇબી, તથા ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટની લાપરવાહી સામે લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ વિરોધ નોંધાવવા માંડયો હતો. ઘટના બન્યાના સ્થળથી પાંચ મિનિટના અંતરે જ ફાયરબ્રિગેડ સ્ટેશન હોવા છતાં ફાયરના પાણી ટેન્કરને આવતા ૩૦ મિનિટ લાગી હતી. બીજીતરફ જીઇબીના જોખમી ટ્રાન્સફોર્મરના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યાનો મત રજૂ થઇ રહ્યો હતો. ગેરકાયદે બાંધકામ તથા ફાયર સેફ્ટીની સુવિધા નહિ હોવાના મુદ્દે એસએમસી-ફાયરબ્રિગેડ તંત્રની લાપરવાહી સામે આક્રોશ રજૂ થયો હતો. જેમા પણ તંત્ર પાસે ચાર માળથી ઊંચી સીડી નહિ હોવાની અને ઉપરથી નીંચે કૂદનારાઓને ઝીલવા કોઇ નેટ નહિ હોવાની લાચારી સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોકો બ્લડ ડોનેશન માટે સ્વયંભૂ દોડી આવ્યા હતા. ઉપરાંત વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરાયેલાઓની યાદી પણ ફરતી કરાઇ હતી.

બાળકોએ વિચાર્યુંઃ મરવું તો નક્કી હતું, જો નીચે કૂદીએ તો કદાચ બચી જઇએ

આ ઘટનાને નજરે જોનારા લોકો કહે છે કે, આગના ગોટેગોટામાંથી અવાજો આવતા હતા કૂદો કૂદો. આ ઘટનામાં નીચે છલાંગ લગાવનાર અને બચી જનાર એક ૧૫ વર્ષીય વિદ્યાર્થી રામ વાઘાણીએ કહ્યું કે, બધા કહેતા હતા કે કૂદો... કૂદો... એટલે કૂદી ગયો, પણ હું બચી ગયો

રામ કહે છે કે, હું અલોહા નામે ચાલતા માઇન્ડ ફ્રેશ એટલે કે મેન્ટલી ડેવલપમેન્ટ ક્લાસિસમાં હતો તે વખતે ધુમાડા દેખાયા. અમારા જેનિશામેડમ સાથે હું પણ બહાર નીકળ્યો. ત્રીજા માળે પહોંચ્યો. ત્યાંથી મેડમ દેખાયા જ નહીં. ત્રીજા માળેથી કૂદવાનો એક જ રસ્તો હતો. હું કૂદી ગયો બાદમાં નીચે એક મૃતક અને ઝીલવા માટે પણ લોકો હતાં. ભગવાને કર્યું ને મને લેશમાત્ર ઇજા થઈ નથી. મરવાનું જ હતું તો પછી કૂદીને બચવાનો વિકલ્પ મેં પસંદ કર્યો હતો.

અન્ય એક વિદ્યાર્થી રુચિત વેકરિયા કહે છે કે, અમે વીસેક વિદ્યાર્થીઓ ક્લાસિસમાં હજુ તો બેઠા જ હતા ત્યાં ધુમાડા દેખાવા લાગ્યા. પહેલા તો કાગળિયા સળગ્યા હોવાની વાત માની પણ એક વ્યક્તિએ આગ મોટી હોવાની વાત કરતા જ બહાર નીકળીને જોયું તો આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું.

બારી બારણાં તોડી નીકળવાનો પ્રયાસ કર્યો પણ ક્યાંય જવાની જગ્યા ન હતી. પરિણામે ક્લાસિસમાં રહીને મરવા કરતા કૂદકો મારી ચાન્સ લેવા નિર્ણય કર્યો. કૂદકો મારી પણ દીધો. હાથમાં ને માથામાં ઇજા થઈ.

ભગવાનનું રટણ કરતાં કૂદી અને લોકોએ મને કેચ કરી...!

રેન્સી રોય નામની ૧૮ વર્ષની યુવતી કહે છે કે અમારી સાથે ૩ વર્ષનો એક અને બાકીના ૫થી ૬ વર્ષના નાના બાળકો પણ હતાં. કોમ્પલેક્ષમાં એન્ટ્રી- એક્ઝિટ એક જ છે અને ત્યાંથી જ ધુમાડો છવાતો હતો અને આગ લપકારા લેતી હતી શ્વાસ પણ લઈ શકાઈ તેવી સ્થિતિ નહોતી બાળકોને બચાવવા પ્રયાસ કર્યો પણ બચવા માટેનો કોઈ રસ્તો જ ન હતો.

અમારા સાહેબો પણ કૂદી ગયાં હતાં. જીવ બચી જશે તેમ વિચારીને કૂદકો મારી દીધો.. નીચે લોકોનું ટોળું હતું તેઓએ મને કેચ કરી લેતાં જીવ બચી ગયો... પગમાં ભારે ઈજા છે અને શરીરે નાની મોટી ઈજાઓ થઈ છે.

કાચ તોડીને ઝંપલાવ્યું ને લોકોએ ઝીલી લીધી...!

ક્રિએટર ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનમાં અભ્યાસ કરતી ૧૮ વર્ષીય આરઝુ ખૂંટ કહે છે કે અલોહા વૈદિક ગણિતના ક્લાસિસ પણ ચાલે છે ત્યાં ૧૦ થી ૧૫ વર્ષના બાળકો અભ્યાસ કરે છે. આગના લીધે લીધે બધા ખૂબ જ ડરી ગયાં હતાં. ‘બચાવો બચાવો...’ની બૂમાબૂમો સતત સંભળાતી હતી. અમારી સાથે ૨૦ જેટલાં વિદ્યાર્થીઓ હતાં. બચાવવા માટે અમે કાચ તોડી નાંખ્યો હતો ત્યાર પછી મેં નીચે ઝંપલાવી દીધું હતું. લોકોનાં ટોળાએ મને ઝીલી લીધી હતી તેથી જીવ બચી ગયો છે.

કેતને ૨ બાળકોને બચાવી લીધાં

એક તરફ લોકો તસવીરો પાડવામાં વ્યસ્ત હતા ત્યારે ભીડમાંથી કેતન નામનો માણસ બીજા માળ સુધી પહોંચી ગયો હતો અને બાળકોને નીચે ઉતરવાની મથામણ કરતો હતો. કેતને બે લોકોનાં જીવ બચાવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter