સુરતઃ સુરત અંગદાનમાં રાજ્યભરમાં અવ્વલ નંબરે છે. રાજ્યમાં હૃદયનું સૌપ્રથમ દાન કરનાર સુરતમાં ફેફસાંના પણ સૌપ્રથમ દાનનો કિસ્સો નોંધાયો છે.
અડાજણનાં બ્રેઇનડેડે વ્રજેશ શાહનાં હૃદય, કિડની, ચક્ષુનાં દાન સાથે સાથે ફેફસાંનું પણ દાન કરાયું હતું. સુરતથી બેંગ્લોરનું ૧૨૯૩ કિલોમીટરનું અંતર ૧૯૫ મિનિટમાં કાપી ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. આ સાથે જ યુવકે સાત-સાત વ્યક્તિઓને નવજીવન
બક્ષ્યું છે.
અડાજણ કેનાલ રોડ પર રહેતા વ્રજેશ નવિનચંદ્ર શાહ (ઉ. વ. ૪૨) આઇ.ટી. ટ્રેનિંગ એકેડમી ચલાવતા હતા. ૧૨મી મેએ તેમને માથામાં દુખાવો ઉપડયો હતો, તેથી યુનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાત્રે ખેંચ આવતા સિટી સ્કેન કરાવાતા મગજની નસ ફાટી જવાથી લોહી જામી ગયું હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ ૧૫મી મેના રોજ ન્યૂરોસર્જન ડો. ધવલ પટેલ અને ફિઝિશિયન સી. ડી. લાલવાની અને ફિઝિશિયન સમીર ગામીએ યુવકને બ્રેઇનડેડ જાહેર કર્યાં હતાં. યુવકને બ્રેઇનડેડ જાહેર કરતા યુનિકનાં તબીબ ડો. સમીર ગામીએ ડોનેટ લાઇફનાં પ્રમુખ નિલેશ માંડલેવાલાનો સંપર્ક કરી માહિતી આપી હતી.
દરમિયાન માંડલેવાલાએ વ્રજેશનાં પરિવારજનોને અંગદાન માટે સમજાવતાં પરિવાજનો અંગદાન માટે તૈયાર થયા હતા. એ પછી અમદાવાદની સંસ્થાનો સંપર્ક કરી કિડની અને લિવરનું દાન કરવા જણાવ્યું હતું. જ્યારે ગુજરાતની હોસ્પિટલમાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ માટે કોઇ દર્દી નહીં હોવાથી મુંબઇની હોસ્પિટલ અને ફેફસાંના દાન માટે બેંગ્લોરની હોસ્પિટલને જાણ કરાઇ હતી. દરમિયાન મુંબઇની ફોર્ટીસે હૃદયનું દાન અને બેંગ્લોરની બીજીએસ ગ્લોબલ હોસ્પિટલે ફેફસાંનું દાન સ્વીકાર્યું હતું. જ્યારે આંખનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકનાં પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યુ હતું. હવે ફેફસાંનું તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય તે માટે સુરતથી ફેફસાંને બેંગ્લોર સુધી ૧૨૯૩ કિમીનું અંતર ૧૯૫ મિનિટમાં કાપી અશોક ચૌધરી નામનાં વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. જ્યારે હૃદય સુરતથી મુંબઇ સુધીનું ૨૬૯ કિલોમીટરનું અંતર ૯૦ મિનિટમાં કાપી સુરતનાં જ રહેવાસી પ્રકાશ શાંતિલાલ શાહનું હૃદય ધમકતું કર્યુ હતું. તેવી જ રીતે કિડની અમદાવાદનાં રહીશ અને લિવર ઊંઝાનાં રહેવાસી ઇન્દુબેન પટેલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.