અમદાવાદ ખાતે આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં શનિવારે યોજાયેલા બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવ પ્રસંગે દીપ પ્રગટાવતા પ.પૂ. મહંતસ્વામી મહારાજ સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને બ્રહ્મવિહારીસ્વામી. આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં સેવા-સમર્પણના ભેખધારી એક લાખ કાર્યકરોનું અંતરના ઉમળકાથી અભિવાદન કરાયું હતું. કાર્યક્રમની વિશેષતા એ હતી કે કાર્યકરો પ્રેક્ષકગણમાં હતા ને સંતો સેવામાં! સન 1972માં મુંબઇ ખાતે માત્ર 11 કાર્યકરો સાથે સ્વયંસેવકોની નોંધણીનો પ્રારંભ થયો હતો, આજે આ આંકડો એક લાખને વટાવી ગયો છે. ઉલ્લેખનીય બાબત એ છે મુંબઇમાં સ્વયંસેવક નોંધણીનો પ્રારંભ મહંતસ્વામીના હસ્તાક્ષર સાથે થયો હતો અને હવે તેમના જ હસ્તે એક લાખ સ્વયંસેવકોનું સન્માન થયું છે.
•••
બીએપીએસનો આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવ
1 લાખ નિઃસ્વાર્થ કાર્યકરોનું ભવ્ય અને દિવ્ય અભિવાદન
• 2000 જેટલાં પર્ફોર્મર્સ દ્વારા રંગારંગ અભિવાદન • વિશ્વમાં પહેલી વખત 1 લાખ પ્રિ–પ્રોગ્રામ રિસ્ટ બેન્ડસ • લાઇટ-સાઉન્ડ અને ઓડિયો-વીડિયોના માધ્યમથી મંત્રમુગ્ધ કરતી અવિસ્મરણીય રજૂઆત • સવા લાખની મેદનીએ સમૂહ આરતીથી સર્જ્યો નયનરમ્ય નજારો
અમદાવાદઃ છેલ્લાં 100 વર્ષ કરતાં પણ વધુ સમયથી બીએપીએસ દ્વારા રોપાયેલાં ધર્મપ્રવૃત્તિનાં બીજને આજનું વિરાટ વૈશ્વિક વટવૃક્ષ બનાવનાર પ્રતિબદ્ધ કાયકરોના કર્તવ્યનિષ્ઠ સમુદાયને બિરદાવવા શનિવારે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભવ્યાતિભવ્ય સમારોહ યોજાયો હતો. સેવા, સમર્પણ અને ગુરુભક્તિથી હર્યાભર્યા એક લાખ કાર્યકરોનું રોમાંચક પ્રસ્તુતિઓથી અદભુત અભિવાદન કરાયું હતું.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. તો ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરાયું હતું. બીએપીએસના વડા ૫.પૂ. મહંતસ્વામી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા. બાળ-કિશોર-યુવા વૃંદ દ્વારા 'કાર્યકરાણાં અભિવંદનમ્, સમર્પિતાનામ્ અભિવંદનમ્' શબ્દો દ્વારા નૃત્યાંજલિ રજૂ કરાઇ હતી.
પ્રારંભે બીએપીએસની કાર્યકર પ્રવૃત્તિના મુખ્ય કાર્યવાહક સંત પૂ. યજ્ઞપ્રિયસ્વામીએ તેમના સંબોધનમાં મહંતસ્વામી મહારાજને કાર્યકરોને વધાવવાનો કેવો ઉમંગ છે તેના વિષે વાત કરી હતી. આ પછી કલાત્મક રથમાં મહંતસ્વામી મહારાજનું આગમન થયું ત્યારે અદભુત માહોલ રચાયો હતો. સ્ટેડિયમમાંથી પસાર થઈ રહેલાં મહંતસ્વામી મહારાજના રથની સમાંતરે ચાલતી પ્રસ્તુતિમાં - જેમ જેમ રથ આગળ વધતો ગયો એટલે કે સત્પુરુષનો સંસ્પર્શ સૌ કાર્યકરો પામતા ગયા તેમ તેમ વિખરાયેલા મણકા એક માળામાં પરોવાઈ ગયા અને ગુલાબની પાંખડીઓ ક્યારેય ન કરમાય તેવી સુવર્ણ પાંખડીઓમાં પરિવર્તન પામી – આવી અર્થપૂર્ણ અને આકર્ષક રીતે મહંત સ્વામી મહારાજનું સ્વાગત કરાયું હતું. આ વિશિષ્ટ પ્રસ્તુતિ માટે 550 પુષ્પ પાંખડીઓ અને 225 મણકા બનાવવામાં ચાર મહિનાનો સમય લાગ્યો હતો.
પ્રારંભે માત્ર 11, આજે આંકડો 1 લાખ
સન 1972માં બીએપીએસના કાર્યકરોનું મધ્યસ્થ કાર્યાલય મુંબઈ ખાતે શરૂ કરાયું ત્યારે ભારતના 8 અને 3 વિદેશી મળી કુલ 11 કાર્યકરોની નોંધણી સાથે કાર્યાલય શરૂ થયું હતું. તેની નોંધમાં પૂ. મહંતસ્વામીની સહી છે. હવે કાર્યકરોની નોંધણીને 2022માં 50 વર્ષ પૂરા થયા. આથી સુવર્ણ મહોત્સવ યોજીને તમામ કાર્યકરો કે જેમની સંખ્યા એક લાખ કરતાં પણ વધારે થઈ ગઈ છે તેમનું સન્માન કરવાનું નક્કી થયું. 2022માં પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાયો, ને હવે બે વર્ષ બાદ કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજાયો.
સંઘશક્તિનું જ્વલંત ઉદાહરણ
બીએપીએસના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ તેમના ઉદ્બોધનમાં કહ્યું હતું, ‘કાર્યકરોનું અભિવાદન કરવા પ્રમુખસ્વામી મહારાજના જન્મદિન કરતાં ઉત્તમ દિવસ અને સમય કયો હોઈ શકે? બીએપીએસ કાર્યકરોએ વિશાળ સંઘશક્તિનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું હતું અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ વેળા. તે સમયે કાર્યકરોએ અકલ્પનીય કાર્ય શક્ય બનાવ્યું, 600 એકરના વિશાળ વિસ્તારમાં આખું નગર ઊભું કરી દીધું હતું, જેમાં સવા કરોડ જેટલાં લોકો પવિત્ર પ્રેરણા લઈને ગયા હતા. 80,000 સ્વયંસેવકો અહીં તન-મન-ધન ન્યોછાવર કર્યા હતા.
બીએપીએસ કાર્યકરોએ ઓછી સંખ્યામાં હોવા છતાં સંપ અને કાર્યનિષ્ઠાનું જ્વલંત ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે - યુક્રેન યુદ્ધ સમયે હાથ ધરાયેલા સેવા કાર્યમાં. જેમાં 27 ફેબ્રુઆરી 2022ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની વિનંતી બાદ 11 દેશોમાંથી બીએપીએસના 64 સ્વયંસેવકોએ બીજા દિવસથી જ રાહત કેમ્પ શરૂ કરી દીધો. આ કાર્યકરોએ ઠંડીમાં, ભૂખ્યા રહીને, ઉજાગરા વેઠીને 3700 જેટલાં ભારતીયોને મદદ કરી હતી.
બીજમાંથી વટવૃક્ષ બની સ્વયંસેવક-સેવા
બીએપીએસના આંતરરાષ્ટ્રીય સંયોજક પૂ. ઈશ્વરચરણ સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ પ્રસંગે એક નાના બીજમાંથી વટવૃક્ષ બનેલી આ સ્વયંસેવક-સેવાઓ ભારત અને વિશ્વભરમાં કેવી રીતે વ્યાપી અને અનેક વિપરીત સંજોગોના વાવાઝોડા વચ્ચે પણ કર્તવ્યનિષ્ઠ રહેનાર કાર્યકરોની રોમાંચક ગાથા રજૂ થઈ હતી.
પ્રથમ વાર આટલા મોટા પાયે કાર્યકરોનું સન્માન: વિવેકજીવનસ્વામી
પૂ. વિવેકજીવન સ્વામીએ કહ્યું હતું કે કોઇ પણ કાર્યક્રમ હોય, કાર્યકરો હંમેશા વ્યવસ્થામાં હોય છે. આથી પ.પૂ. મહંતસ્વામી મહારાજ દ્વારા આવા કાર્યકરોનું સન્માન કરવાનો નિશ્ચય કરાયો હતો. દેશ-દુનિયાના એક લાખ કાર્યકરો પ્રેક્ષકગણમાં હતા અને સંતો તેમની સેવામાં. કાર્યકરો વર્ષોથી નિ:સ્વાર્થ સેવા આપી રહ્યા છે માટે તેમનું સન્માન કરવું એ સંતો માટે ગૌરવની બાબત છે.
પૂ. અક્ષરવત્સલ સ્વામીએ જણાવ્યું હતું કે, સ્વયંસેવકોના યોગદાનને બિરદાવવા મહંતસ્વામીનો વિચાર એવો હતો કે તેઓ ખુદ તેમના ઘરે જાય પરંતુ સ્વાસ્થ્યને કારણે તે સંભવ ન હતું. જેથી અમે વર્ષ દરમિયાન અલગ અલગ એ રીતે આયોજન કર્યું કે મહંતસ્વામી આ કાર્યકરોને રૂબરૂ મળી શકે. 1972માં પ્રમુખસ્વામી મહારાજે કાર્યકર્તાઓ માટે આ સંગઠનની શરૂઆત કરી હતી. આ સ્વંયસેવકો દુનિયામાં ગમેતેવી કપરી પરિસ્થિતિમાં જરૂરતમંદોની વહારે પહોંચે છે.