નવી દિલ્હીઃ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા બનેલા કેપી ગ્રૂપના ડો. ફારુક પટેલનું.
એક બસ કંડક્ટરના દીકરાએ વર્ષ 1994માં રૂ. એક લાખની મુડી સાથે કેપી ગ્રૂપના નામથી શરૂ કરેલી બિઝનેસ સફર તેના અથાગ પરિશ્ચમ, ઈનાવેશન, મેનેજમેન્ટ થકી તેને સુરતના ટોપ-ફાઇવમાં સ્થાન અપાવી ગઈ છે.
સુરતથી પ્રકાશિત થતા ‘ઉમ્મીદ’ સાપ્તાહિકના અહેવાલ અનુસાર, ડો. ફારુક પટેલ રૂ. 9700 કરોડની સંપત્તિ સાથે સુરતના બીજા ક્રમે સ્થાન પામનારા બિલિયોનેર બિઝનેસમેન બની ચુક્યા છે.
સુરતમાં 28 બિલિયોનેર
સુરત શહેરમાં કુલ 28 બિલિયોનેર છે, ટોપ-10ની વાત કરીએ તો, તેમાં એથર ઇન્ડસ્ટ્રીઝના અશ્વિન દેસાઈ પાસે સૌથી વધુ 10700 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ત્યાર બાદ ડો. ફારુક પટેલ (કેપી ગ્રૂપ) 9700 કરોડની સંપત્તિ સાથે સુરતના બીજા ક્રમના અરબપતિ બિઝનેસમેન બની ગયા છે. તેમની કંપની કેપીઆઈ ગ્રીન એનર્જી, કેપી એનર્જી અને કેપી ગ્રીન એન્જિનિયરિંગ પણ શેર બજારમાં સારું એવું પ્રદર્શન કરી રહી છે. ડો. ફારુકની કંપની રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કામ કરી રહી છે. સોલારમાં 473 મેગાવોટ તેઓ ઈન્સ્ટોલ કરી ચુક્યા છે અને 2.33 ગીગાવોટના ઓર્ડર કંપનીના હાથમાં છે. જ્યારે વિન્ડમાં 840 મેગાવોટના પ્રોજેક્ટ તેઓ કરી ચુક્યા છે અને 1009 મેગાવોટના ઓર્ડર હાથમાં છે. ત્રણેય કંપની મળીને તેમ માર્કેટ કેપ 18000 કરોડથી વધુનું છે. ગ્રુપનું બિઝનેસ એમ્પાયર રૂ. 186 બિલિયનથી વધુ છે. માર્ચ-2024માં જ ડો. ફારુક પેટલની ત્રીજી કંપની કેપી ગ્રીન એન્જિનિયરિંગ બીએસઈના એમએસઈ પ્લેટફોર્મ પર દેશનો સૌથી મોટો 189.50કરોડનો આઈપીઓ લઈને આવી હતી. કેપી ગ્રીન એશિયાનું સૌથી મોટુ ગેલ્વેનાઈઝીંગ કેટલ માતર ગામની નવી કંપનીમાં બનાવી રહી છે. ગુજરાતનો સૌથી મોટો પ્રાઈવેટ સોલાર પાર્ક પણ
ડો. ફારુક પટેલની કંપની પાસે છે.