રાજકોટઃ મન હોય તો માળવે જવાય અને હૈયે હામ હોય તો 67 વર્ષની ઉંમરેય ગિરનાર ચઢી શકાય. આ વાત છે રાજકોટના વડીલ ચુનીલાલ ચોટલિયાની. આ વડીલે એકાદ-બે વાર નહીં, પરંતુ 456 વખત તેમણે આ સાબિત કરી દેખાડ્યું છે. સામાન્ય રીતે આજે પણ ઘણાં લોકો ગિરનાર પર્વત જોઈને કે તેના 10 હજાર પગથિયાં વિશે સાંભળીને આરોહણ કરવાનો વિચાર માંડી વાળે છે, પરંતુ નાનામવામાં રહેતા ચુનીલાલ વિરજીભાઈ ચોટલિયાનો દર બુધવારે ગિરનાર આરોહણનો વણલખ્યો નિયમ છે.
ચુનીલાલ ચોટલિયા ગિરનાર આરોહણના તેમના નિત્યક્રમના કારણે દુકાનદારોમાં પણ લોકપ્રિય થઈ ગયા છે. પર્વત પર તમામ દુકાનદારો ચુનીલાલને ‘બુધવારવાળા બાપા’ જેવા હુલામણા નામે ઓળખે છે. પર્વત પરના અનેક વેપારીઓ અને સાધુ-સંતો પણ ચુનીલાલને વ્યક્તિગત રીતે ઓળખે છે. ચુનીલાલનો એક જ મંત્ર છે કે, કશું જ અશક્ય નથી. માણસે કામ કરતા રહેવું જોઈએ, તો જ શરીર સારી રીતે ચાલતું રહે અને મન સ્વસ્થ રહે.
એક સમયે ચુનીભાઈએ પગમાં ફ્રેક્ચરને કારણે ઓપરેશન કરાવવું પડ્યું હતું. આ દરમિયાન તેઓ ચાલી પણ શક્તા ન હતા, પરંતુ જીવનના એ વિપરિત સંજોગોને માત આપીને ચુનીલાલે અત્યાર સુધી 456 વખત ગિરનાર સર કર્યો છે. ભગવાન દત્તાત્રેયની શ્રદ્ધા અને મજબૂત મનોબળને આત્મસાત કરીને તેઓ ઘણાં વર્ષોથી ગિરનારના 10 હજાર પગથિયાં ચઢવા-ઉતરવાની સિદ્ધિ હાંસલ કરી રહ્યા છે.
ચુનીલાલ ચોટલિયા કારખાનામાં મજૂરી કામ કરે છે અને દર બુધવારે રજા હોવાથી મંગળવારે રાત્રે જ ટ્રેનમાં બેસીને જૂનાગઢ જાય છે. બાદમાં વહેલી સવારે ચાર વાગ્યે પગથિયાં ચઢવાનું શરૂ કરે છે. પર્વત પર પહોંચી દર્શન-પૂજાપાઠ કરે છે, પ્રસાદ લીધા પછી નીચે ઉતરવાનું શરૂ કરે છે અને સાંજ સુધીમાં તળેટીએ પહોંચીને રાત્રે રાજકોટ પણ પરત આવી જાય છે. બાદમાં એક પણ દિવસનો આરામ કર્યા વિના બીજે જ દિવસેથી ફરી કારખાનામાં કામે વળગી જાય છે.
યુવાનોને સંદેશ આપતા તેઓ કહે છે કે મનથી નક્કી કરેલું કામ નિષ્ફળ નથી જતું. ચુનીલાલ ચોટલિયા ગિરનાર પ્રત્યે ખૂબ જ લગાવ ધરાવે છે. કદાચ એટલે જ તેઓ ખૂબ જ સ્વસ્થતાથી અને સંપૂર્ણ ઊર્જાથી ગિરનાર પર્વત ચઢી જાય છે. તેઓ કહે છે કે, મનથી નક્કી કરેલું કામ ક્યારેય નિષ્ફળ જતું નથી અને સિદ્ધિ હાંસલ થાય જ છે.