ભાવનગર: સમગ્ર વિશ્વનું સૌથી જૂનું અને ઐતિહાસિક એરક્રાફ્ટ કેરિયર INS વિરાટ અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવવાનું છે. દેશની બે અગ્રણી બાઇક ઉત્પાદક કંપનીઓ વિરાટના સ્ક્રેપમાંથી બાઇક બનાવવા માટે ઉત્સુક છે.
અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં પ્લોટ નં. ૯માં શ્રીરામ ગ્રીન શિપ રિયાસકલિંગ ઇન્ડસ્ટ્રીઝના મુકેશભાઇ પટેલના જણાવ્યા અનુસાર, દેશની બે અગ્રણી બાઇક ઉત્પાદક કંપનીઓ અમારા દ્વારા ખરીદવામાં આવેલા આઇએનએસ વિરાટ જહાજના સ્ક્રેપને ખરીદવા ઉત્સુક છે. આ અંગે વાટાઘાટો ચાલી રહી છે. આ અગાઉ મુંબઇમાં આઇએનએસ વિક્રાંત ભાંગવામાં આવ્યું હતું અને તેના સ્ક્રેપમાંથી બજાજ કંપની દ્વારા ખાસ બાઇક બનાવવામાં આવ્યા હતાં. દેશમાં તે સફળ પણ નીવડ્યા હતા.
શ્રીરામ ગ્રીન શિપ રિયાસકલિંગ ઇન્ડસ્ટ્રીઝે ઓનલાઇન હરાજીમાં ૩૮.૫૪ કરોડ રૂપિયાની કિંમતે આઇએનએસ વિરાટ ખરીદી લીધું છે. આ જહાજ માટેની ખરીદીની રકમ પણ જમા કરાવી દેવામાં આવી છે. અંતિમ ખરીદનારને ડિલિવરી ઓર્ડર પણ મળી ચૂક્યો છે. સંભવત: મુંબઇના નેવી ડોકયાર્ડમાંથી INS વિરાટને બહાર ખેંચી લાવવાની પ્રક્રિયા હાથ ધરાશે અને સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં ખાસ ટગ દ્વારા ખેંચી અને અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં લવાશે.