અમદાવાદઃ ધો.૧૨ સાયન્સ પછી મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ પરીક્ષા નીટનું પરિણામ ૧૬મી ઓક્ટોબરે જાહેર થયું છે. જેમાં દેશના ટોપ ૫૦ રેન્કમાં ગુજરાતના બે વિદ્યાર્થી છે. રાજકોટનો માતરવાડિયા માનિત ૧૦મા રેન્ક સાથે ગુજરાતમાં પ્રથમ છે અને અમદાવાદનો અંજિક્યા દીપક નાઈક ૪૨માં ક્રમ સાથે બીજો છે. અમદાવાદના જ કર્મા પટેલે ૮૩મો રેન્ક મેળવ્યો છે અને ગુજરાતમાં લગભગ તે ત્રીજા ક્રમે છે. આ વર્ષે ગુજરાતનું પરિણામ વધ્યું છે. ગુજરાતમાં ગત વર્ષથી ૧૨૨૧ વિદ્યાર્થી પાસ થતાં કુલ ૩૬૩૯૮ વિદ્યાર્થી ક્વોલિફાય થયાં છે અને ગુજરાતનું ઓવરઓલ પરિણામ ૫૬.૧૮ ટકા રહ્યું છે. કોરોનાને પગલે આ વર્ષે નીટ બે વાર લેવાઈ. પ્રથમ ૧૩મી સપ્ટેમ્બરે લેવાઈ ત્યારે કોરોનાને લીધે કેટલાક વિદ્યાર્થી પરીક્ષા ન આપી શક્યા. ૧૪મી ઓક્ટોબરે ફરીથી નીટ લેવાઈ હતી. ૧૫૯૭૪૩૫ વિદ્યાર્થી સાથે આ વર્ષે વિદ્યાર્થી ગત વર્ષથી વધુ નોંધાયા. જોકે કોરોનાને લીધે દેશમાંથી ૨૩૦૪૯૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા ન આપી. ગુજરાતમાંથી ૧૫ હજારથી વધુએ પરીક્ષા આપી ન હતી.