રાજકોટઃ ગુજરાતના આર્થિક વિકાસમાં મહત્ત્વનો ફાળો ધરાવતા સૌરાષ્ટ્રને દિલ્હીની ફ્લાઇટ અંતે મળી છે. દસ કરતા વધારે વર્ષો સુધી થયેલી રજૂઆતો અને માંગણીનો અમલ આખરે ૨૩ ફેબ્રુઆરીથી શરૂ થયો છે. અગાઉ સૌરાષ્ટ્રમાંથી દિલ્હીના મુલાકાતીઓને ફરજિયાત અમદાવાદથી ફ્લાઇટ લેવી પડતી હતી. એર ઇન્ડિયાનું ૭૦ બેઠકો ધરાવતું વિમાન દિલ્હીથી સવારે ૫.૫૦ કલાકે ઉપડીને રાજકોટમાં ૮.૧૫ વાગ્યે ઉતરાણ કરશે. રાજકોટથી ૮.૪૫ વાગ્યે ઉપડીને આ ફ્લાઇટ દિલ્હી ૧૧.૧૦ કલાકે પહોંચાડશે. સોમવારે આ ફ્લાઇટ જ્યારે દિલ્હીથી આવી ત્યારે તેમાં ૩૪ મુસાફરો હતા. જ્યારે રાજકોટથી ફ્લાઇટ ઉપડી તેમાં કેન્દ્રીય કૃષિ રાજ્ય પ્રધાન અને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા સહિત ૨૪ મુસાફરો જોડાયા હતા. મોહનભાઇએ એરપોર્ટ પર ટિકિટ બારીએ રીબીન કાપી ઉદ્ધાટન કર્યું હતું. દિલ્હીથી આવેલા મુસાફરોનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું.