જામનગર: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ કાર્યક્રમના છેલ્લા દિવસે સોમવારે લગ્ન લખવાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો, આ સાથે જ ભવ્યાતિભવ્ય ત્રણ દિવસના પ્રિ-વેડિંગ કાર્યક્રમનું સમાપન થયું હતું. છેલ્લા દિવસે બોલીવૂડના દિગ્ગજ કલાકારો અને સિંગરોએ હાજરી આપી હતી. અંબાણી પરિવારનો ભવ્યાતિભવ્ય પ્રિ-વેડિંગ કાર્યક્રમના આખરી દિવસે રવિવારે ખાસ થીમ પર કાર્યક્રમ થયો હતો, ત્યારબાદ લગ્ન લખવાની વિધી થઈ હતી. કાર્યક્રમ પૂર્વે સવારથી જ બોલીવૂડના દિગ્ગજ અમિતાભ બચ્ચન, રજનીકાંત, સંજય દત્ત સહિતના દિગ્ગજો પહોંચ્યા હતા.
દેશ અને દુનિયાના સૌથી મોટા ઉદ્યોગપતિઓ પૈકી એક મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીમાં દુનિયાભરમાંથી દિગ્ગજો પહોંચ્યા હતા. પ્રથમ દિવસે અમેરિકન પોપ સ્ટાર રિહન્નાએ જોરદાર પરફોર્મ કરીને તમામને મંત્રમુગ્ધ કર્યા બાદ બોલિવુડના ત્રણેય ખાન શાહરુખ, આમીર અને સલમાને સ્ટેજ પર એક સાથે ડાન્સ કરીને તમામને રોમાંચિત કર્યા હતા. ત્રણેય ખાન આરઆરઆરના હિટ ગીત ‘નાટુ નાટુ...’ પર હુક સ્ટેપ્સ કરતા દેખાયા હતા. સમગ્ર આયોજન પાછળ અંદાજે રૂ. 1200 કરોડનો ખર્ચ થયાનો અંદાજ છે.
‘અતિથિ દેવો ભવ’ની લાગણી સાથે નવા ભારતના દર્શન
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય પ્રી-વેડિંગ સેરેમની નિમિત્તે જામનગરમાં ત્રણ દિવસ સુધી વિશ્વભરમાંથી વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ હોંશભેર હાજરી આપી હતી. વર્ષ 2022માં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ રાજસ્થાનના શ્રીનાથદ્વારા મંદિરમાં યોજાઈ હતી. જાન્યુઆરી-2023માં મુંબઈના એન્ટિલિયા ખાતે ગોળ-ધાણાની વિધીનું આયોજન થયુ હતું. અને જામનગર ખાતે અંબાણી પરિવારના ભવ્ય મકાનમાં લગ્ન લખવામાં આવ્યા હતા. સૌપ્રથમ ભગવાન સમક્ષ કંકોતરી અર્પણ કર્યા બાદ નિકટના મિત્રો-પરિવારજનોની કંકોતરી લખાઈ હતી. 12 જુલાઈએ મુંબઈ ખાતે ભવ્ય લગ્ન સમારંભ પૂર્વે 1થી 3 માર્ચ દરમિયાન જામનગર ખાતે આવેલા રિલાયન્સ ગ્રીન્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રી-વેડિંગ સેરેમની યોજાયો હતો.
અંબાણી પરિવારે 'અતિથિ દેવો ભવ'ની લાગણીને સાર્થક કરવાની સાથે ઉદ્યોગજગત, ફિલ્મ ઈન્ડસ્ટ્રી, રમત જગત અને રાજકીય અગ્રણીઓને ભારતીય પરંપરાની ઝલક આપી હતી. દેશ અને દુનિયા માટે યાદગાર બનેલા આ પ્રસંગે નવા અને સશક્ત ભારતની છબિને ઉજાગર કર્યો હતો.
જામનગર ખાતે ત્રણ દિવસના પ્રી-વેડિંગ સેરેમનીમાં અંબાણી પરિવારના આતિથ્ય સત્કારની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. આ પ્રસંગે બિલ ગેટ્સ, માર્ક ઝકરબર્ગ જેવા ઉદ્યોગજગતના માંધાતાથી માંડી સચિન અને ધોની જેવા લોકપ્રિય ક્રિકેટર અને અમિતાભ બચ્ચન - રજનીકાન્ત - શાહરુખ ખાન - સલમાન ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હસ્તીઓએ હાજરી આપી હતી.
સેલિબ્રિટીઝના કારણે ફેશન અને જવેલરીની પસંદગીમાં નવા ટ્રેન્ડ સેટ થતા જોવા મળ્યા હતા. કરીના કપૂર ખાને પોતાના રિસેપ્શનની જવેલરી આ ખાસ પ્રસંગે પહેરી હતી. ઐશ્વર્યા રાય અને દીકરી આરાધ્યાએ મેચિંગ ડ્રેસ સાથે હાજરી આપી હતી. આલિયા-રણબીર, દીપિકા- રણવીર, કેટરિના-વિકી કૌશલ, શાહરુખ ખાન-ગૌરી જેવા પાવર કપલના ઉત્સાહે સમગ્ર સેરેમનીને શોભાવ્યો હતો.
પરફેક્ટ ડેટ કેવી હોઇ શકે?
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની લવ સ્ટોરી પરી કથા જેવી સોહામણી અને દિલચસ્પ છે. બાળપણના મિત્રો હવે જીવનસાથી બનવા જઈ રહ્યા છે. અનંત અંબાણીએ રાધિકા સાથે મળીને સજાવેલી સપનાની દુનિયાની ઝલક આપી છે. અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથેની પરફેક્ટ ડેટ કેવી હોય તે અંગે નિખાલસતાથી વાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ચારે તરફ કુદરતનો કલરવ હોય અને પ્રાણીઓ વિચરતા હોય તેવી દુનિયામાં રહેવું છે. હાથીઓની વચ્ચે તળાવમાં પેડલ બોટિંગ કરતા હોઈએ અથવા વહેલી સવારે ચિત્તાની સારવાર માટે દોડવાનું થાય તેવા દ્રશ્યો ધરાવતું ડેટિંગ આદર્શ છે.
અનંત અંબાણીના બાળપણનો ઘણો સમય જામનગરમાં વીત્યો છે અને પ્રાણીઓના સંરક્ષણ માટેનો તેમનો પ્રેમ જગજાહેર છે. પ્રાણીઓના જતન અને સંરક્ષણ માટે જામનગર ખાતે રિલાયન્સ રિફાઈનરી કોમ્પ્લેક્સમાં ‘વનતારા’નું નિર્માણ કર્યું છે. અનંત અંબાણીએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યુ હતું કે, રાધિકા અન્ય કોઈ સ્થળ કરતા જામનગરમાં વધારે ખુશ રહે છે. તેઓ આ જગ્યાને મારા કરતાં પણ વધારે ચાહે છે.
દાદીમાની જન્મભૂમિ -દાદાજીની કર્મભૂમિ
અનંત અંબાણીએ ખુલાસો કર્યો હતો કે મુંબઈ તેમનું ઘર છે, પરંતુ જામનગરમાં અનંત આનંદ આવે છે. અહીંયા માત્ર પ્રાણીઓ જ નહીં, કોમ્પ્લેક્સના કર્મચારીઓ પણ મોટા પરિવાર સમાન છે. જામનગરમાં પ્રી-વેડિંગ સેલિબ્રેશન રાખવા અંગે અનંતે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેડ ઈન ઈન્ડિયાનું સૂત્ર આપ્યું છે અને આ સૂત્રથી જ તેમને પ્રોત્સાહન મળ્યું છે. આ ઉપરાંત દાદીમા કોકિલાબેન અંબાણીનો જન્મ જામનગરમાં થયો હતો. આ શહેરમાં દાદાજી ધીરુભાઈ અંબાણી અને પિતા મુકેશ અંબાણીએ વ્યવસાયની શરૂઆત કરી હતી. જામનગરમાં જ પોતાનો ઉછેર થયો છે અને આ જ સ્થળે ઉજવણી શક્ય બની હોવા બાબતે અનંતે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે, દાદીમાની આ જન્મભૂમિ છે અને દાદાની કર્મભૂમિ છે. આપણા વડાપ્રધાન દેશમાં જ લગ્ન કરવાનું આહવાન કરતા હોય ત્યારે આ આયોજન ગર્વ અને આનંદનો વિષય છે. મારા પિતા હંમેશા કહેતા કે આ દાદાજીની સાસરી છે અને તેથી જ અમે અહીં ઉજવણી કરીએ છીએ. હું પણ પોતાની જાતને જામનગરવાસી જ માનું છું. ઉલ્લેખનીય છે કે, અનંતે અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે અને તેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વિવિધ કંપનીના બોર્ડમાં છે.
ભોજન વ્યવસ્થાનું કુલ બિલ રૂ. 200 કરોડ
ત્રિદિવસીય જલસા માટે દેશવિદેશમાંથી આવી રહેલા મહેમાનો માટે ગુજરાતી ટ્રેડિશનલ સહિતની ભારતીય વાનગીઓ ઉપરાંત મેક્સિન, ઈસ્ટ એશિયન, જાપાનીઝ અને પારસી ક્યુઝિનની વ્યવસ્થા કરાઈ છે. રોજેરોજ બ્રેકફાસ્ટ, લંચ, ડીનર ઉપરાંત મીડ નાઈટ જયાફતનું આયોજન હતું. આ તમામ મિજબાનીમાં આશરે અઢી હજારથી વધુ ડિસીઝ પીરસાઇ હતી. તે માટે 200 કરોડ રૂપિયા ખર્ચાઈ રહ્યા હોવાનો અંદાજ છે. છે. આ ક્યુઝિન તૈયાર કરવા માટે ઈન્દોરના ટોચના શેફ્સ સહિતની ટીમો દિવસો અગાઉથી જામનગર સરસામાન સાથે પહોંચી ચુકી છે. ભારતનાં એકટીનાં ફાઈવસ્ટાર હોટલ ગ્રૂપને પણ મોટો કોન્ટ્રાક્ટ અપાયો છે. ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવારે આ પ્રસંગો માટે આસપાસના ગામો માટે સામૂહિક જમણવાર યોજ્યો છે જેમાં આશરે 50 હજારથી વધુ લોકોએ ભોજન લીધું હોવાનો અંદાજ છે.
ફક્ત રિહાનાને રૂ. 74 કરોડ ચૂકવાયા
ઈન્ટરનેશનલ પોપ સ્ટાર રિયાના એક ઈવેન્ટ માટે 5 મિલિયન પાઉન્ડ એટલે કે આશરે 52 કરોડ રૂપિયા ચાર્જ કરતી હોવાનું કહેવાય છે. જોકે, આ તો માત્ર રિહાનાની પરફોર્મન્સ ફી છે. આ સિવાય તેના ગ્રૂપના સામાન, સાઉન્ડ સિસ્ટમ્સ, ટ્રાવેલ અને સ્ટે સહિતના લોજિસ્ટિક્સ બધું મળીને જોતાં આ એક જ પરફોર્મન્સ માટે 74 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. રિહાનાના ઈન્સ્ટાગ્રામના 15 કરોડ ફોલોઅર્સ છે. વિશ્વની સૌથી મોંઘી પોપ સ્ટારમાં તેનો સમાવેશ થાય છે.