અમદાવાદ: ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ખીરધર ગામના નિલેશ ઘુસરે દૂધનું એટીએમ મશીન બનાવ્યું છે. અગિયાર ધોરણ ભણેલા ખેડૂતે એવું એટીએમ બનાવ્યું છે કે તેમાંથી પૈસા અને ફિંગરપ્રિન્ટ દ્વારા દૂધ મેળવી શકાય છે. એક વર્ષથી નિલેશભાઈ આ પ્રકારના મશીન પર કામ કરી રહ્યા હતા. ઘણીવાર ખેડૂતોને ડેરી કે સહકારી સંસ્થાઓમાં દૂધના યોગ્ય ભાવ નથી મળતા ઉપરાંત ડેરીઓમાંથી મળતી દૂધની કિંમતોમાં વારંવાર વધારો થતો રહે છે. તેથી તેમણે જૂના ફ્રિજમાંથી એટીએમ પ્રકારનું વેન્ડિંગ મશીન બનાવ્યું હતું જેમાં પૈસા નાખવાથી દૂધ મળે. આ મશીનમાં દૂધનો સંગ્રહ કરી શકાય છે. ડેરી કે સહકારી સંસ્થાઓને દૂધ ન વેચવા માગતા ખેડૂતો આ મશીન દ્વારા સ્વતંત્ર રીતે દૂધ વેચી શકે છે. આ મશીનમાંથી ૨૦, ૫૦ અને ૧૦૦ની નોટથી દૂધ ખરીદી શકાય છે ઉપરાંત રોજિંદા ગ્રાહકોના ફિંગરપ્રિન્ટ અને આઈ.ડી.-પાસવર્ડનો ડેટા પણ તેમાં ફિટ કરી શકાય છે. હાલ આ મશીન માટેના ટ્રેડમાર્ક અને પેટન્ટની નોંધણીની પ્રક્રિયા ચાલી રહી છે. મશીનમાં ૫૦થી લઇ ૫૦૦ લીટર દૂધ સંગ્રહિત કરી શકાય છે.