જામનગરઃ શહેરની ભાગોળે આવેલી રિલાયન્સ કંપનીની ટાઉનશિપમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. આ માટે મહેમાનોના નામ પણ ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. પ્રિવેડિંગની આ સેરેમનીમાં ભાગ લેવા દેશ-દેશના મહાનુભાવો આવી રહ્યા છે ત્યારે તેમની સુવિધા માટે અત્યંત ઉચ્ચ કક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
પ્રિવેડિંગ માટે 3 દિવસના ડ્રેસકોડ તેમજ કાર્યક્રમોનું લિસ્ટ બહાર આવ્યું છે. છેલ્લા 2 માસથી આ માટેની ભરપૂર તૈયારીઓ ટાઉનશિપમાં ચાલી રહી છે. વર્ષ 2007માં મુકેશ અંબાણી દ્વારા જામનગરમાં ગેટ ટુગેધરનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ફિલ્મસ્ટારો અને ઉદ્યોગપતિઓ જામનગરમાં ઉમટી પડ્યા હતા. હવે 17 વર્ષ બાદ ફરી આવો એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે.
શાહરુખ-રણબીર-આલિયા-રિહાન્નાના પર્ફોર્મન્સ
પહેલી માર્ચથી ત્રણ દિવસ પ્રી-વેડિંગ સેલિબ્રેશન ચાલશે જેમાં 1200 જેટલા અતિથિઓ હાજરી આપશે. મહેમાનોને જામનગર લાવવા પ્રાઈવેટ જેટની વ્યવસ્થા કરવામાં આવી છે. 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન ત્રણ દિવસના પ્રી-વેડિંગમાં અતિથિઓની સરભરા અને મનોરંજન માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શાહરુખ ખાન, રણબીર કપૂર-આલિયા ભટ્ટ, રિહાન્ના, દિલજિત દોસાંજના પરફોર્મન્સ નિશ્ચિત છે.
3 દિવસના કાર્યક્રમો અને ડ્રેસ કોડ
1 માર્ચે એન ઈવનિંગ ઈન એવરલેન્ડ કાર્યક્રમ છે. જેના માટે પોશાક એલીગન્ટ કોકટેલ રાખવામાં આવ્યો છે. 2 માર્ચે એવોક ઓન ધ વાઈલ્ડ સાઈડ જેના માટે પોશાકની થીમ જંગલ ફીવર રખાઈ છે. બીજા દિવસે મેલા કાર્યક્રમમાં પોશાકની થીમ ડેઝલિંગ દેશી રોમાંસ રાખવામાં આવી છે. 3 માર્ચે ટસ્કર ટેઈલ્સમાં પોશાક કેઝયુલ ચીક રાખવામાં આવ્યો છે. તેમજ હસ્તાક્ષર કાર્યક્રમમાં ભારતીય પોશાક રાખવામાં આવ્યો છે.
મહેમાનો માટે વીવીઆઈપી સગવડ
અહેવાલમાં જણાવાયું છે કે દેશ-વિદેશના આવનારા ખ્યાતનામ મહેમાનો માટે મુંબઈ અને દિલ્હીથી સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેન તા. 1 માર્ચના રોજ સવારે 8 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. જે મહેમાનોને સીધા જામનગર લઈ આવશે. આવનાર મહેમાન તેમની સાથે એક હેન્ડ લગેજ વ્યક્તિદીઠ અથવા 3 સૂટકેશ કપલદીઠ લઈ આવી શકશે. મહેમાનોને જામનગરમાં 3 કલાકમાં જ લોન્ડ્રી સર્વિસ મળી રહેશે. મહેમાનો માટે હેર સ્ટાઈલ, સાડી પહેરાવવી તેમજ મેકઅપ માટેની તમામ સુવિધાઓ રાખવામાં આવી છે. આ ઉપરાંત જે કોઈ મહેમાનોને તેમની પસંદનું ભોજન તેમજ મેડિકલ જરૂરિયાત હશે તે તાત્કાલિક મળી રહેશે. સ્વાભાવિક છે કે તમામ મહેમાનો માટે રાજાશાહી જેવી સગવડો કરાઇ છે. લંચ 250 વાનગીઓ તો ડીનર દરમિયાન 275 વાનગીનું મેન્યુ તૈયાર કરાયું હોવાના પણ અહેવાલ છે.
બાહુબલીની ટીમ દ્વારા સેટ તૈયાર થયો
છેલ્લા બે માસથી રિલાયન્સ ટાઉનશીપમાં પ્રિ-વેડીંગના કાર્યક્રમને લઈને ભવ્યાતિભવ્ય સેટનું નિર્માણ કામ ચાલી રહ્યું છે. આ કામ બાહુબલી ફિલ્મના જે કારીગરોએ કર્યું હતું તે જ લોકો કામ કરી રહ્યા છે. આ સેટ શીશ મહેલ જેવો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.
‘મારા દાદીના કહેવાથી જામનગરની પસંદગી’
ડેસ્ટિનેશન વેડિંગના આ યુગમાં તમે જામનગર લગ્ન માટે કેમ પસંદ કર્યું? તેવા સવાલના જવાબમાં અનંત અંબાણીએ કહ્યું હતું કે મારાં દાદી (કોકિલાબહેન)ની ઇચ્છા હતી કે, હું લગ્ન જામનગરમાં કરું. તેમને મેં જ્યારે પૂછ્યું કે દાદી, લગ્ન ક્યાં કરવાં જોઇએ તો તેમણે પળભરનો વિચાર કર્યા વગર કહ્યું કે જામનગર. કારણ કે જામનગર તેમનું વતન છે એટલે જ અમે જામનગરમાં પ્રી-વેડિંગ કાર્યક્રમનું આયોજન કર્યું છે.
પ્રિ-વેડિંગમાં આ મહાનુભાવોના આગમનની શક્યતા
અમિતાભ બચ્ચન • શાહરુખ ખાન • સલમાન ખાન • રણબીર કપૂર - આલિયા ભટ્ટ • વિક્કી કૌશલ • બિલ ગેટ્સ (માઈક્રોસોફ્ટના સ્થાપક) • માર્ક ઝુકરબર્ગ (મેટા સીઈઓ) • લેરી ફીંગ (બ્લેક રોક સીઈઓ) • સ્ટીફન વાસમેન (બ્લેકસ્ટોન ચેરમેન) • બોબ ઈગર (ડીઝની સીઈઓ)
• ઈવાના ટ્રમ્પ • ટેડ પીક (મોર્ગન સ્ટેન્લી સીઈઓ) • બ્રેઈન થોમસ (બેંક ઓફ અમેરિકા ચેરમેન) • મહંમદ બીન અબ્દુલ રહેમાન બીન જાસીમ અલ થાની (કતાર પ્રિમિયર) • સુલતાન અહેમદ અલ ઝબેર (એડનોક સીઈઓ) • શાન્તુ નારાયણ (એડોબે સીઈઓ)... આ ઉપરાંત ભુતાનના રાજા-રાણી યુરી મીલનર સહિત અનેક વિદેશી મહેમાનો પધારે તેવી શક્યતા છે.