ત્રણ દિવસના કાર્યક્રમમાં પહેલી માર્ચે કોકટેલ પાર્ટીનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન ડ્રોન શો, મુકેશ અંબાણી અને અનંત અંબાણીની પરિવાર માટે ભાવુક સ્પિચ અને સૌથી મહત્ત્વનું આકર્ષણ આંતરરાષ્ટ્રીય પોપ સિંગર રિહાનાનું ધમાકેદાર પર્ફોર્મન્સ રહ્યું હતું. આ કાર્યક્રમમાં દેશવિદેશના મહેમાનો બ્લેક એન્ડ વ્હાઈટ લૂકમાં જોવા મળ્યાં હતાં. આ દરમિયાન અનંત અંબાણીના ડ્રીમ પ્રોજેક્ટ 'વનતારા'ને હજારોની સંખ્યામાં ડ્રોન ઉડાવીને આકાશમાં દેખાડાયો હતો.
પ્રથમ દિવસે મુકેશ અંબાણીએ મંચ ઉપરથી સ્પિચ આપી તમામ મહેમાનોનું સ્વાગત કરીને આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘મહેમાન ભગવાન સમાન હોય છે અને ભારતીય પરંપરામાં અમે એટલે જ અતિથિ દેવો ભવ: કહીએ છીએ. આપ સૌએ આ પ્રસંગને મંગલમયી બનાવી દીધો છે, નવદંપતિને તમારા આશીર્વાદ આપજો. આજે મારા પિતા ધીરુભાઈ ઉપરથી આપણને સૌને આશીર્વાદ આપી રહ્યા છે. મને ખાતરી છે કે તેઓ આજે ખૂબ ખુશ હશે કારણ કે આપણે સૌ તેમના પ્રિય પૌત્ર અનંતના જીવનના સૌથી ખાસ પળોની ઉજવણી કરી રહ્યાં છીએ.' આ વાત આગળ વધારતા તેમણે જણાવ્યું કે, ‘મને અનંતમાં અનંત શક્તિ દેખાય છે, જ્યારે પણ અનંતને જોઉં છું તો મને તેનામાં મારા પિતાની ઝલક દેખાય છે. અનંતની વિચારધારા બિલકુલ મારા પિતા જેવી જ છે. તેઓ કહેતા કે, દુનિયામાં કંઈ પણ અશક્ય નથી, હું કરી શકું છું અને હું કરીશ. અનંતને રાધિકાના સ્વરૂપમાં યોગ્ય જીવનસાથી મળી છે, આ તો ‘રબ ને બના દી જોડી’ છે.’