રાજકોટઃ તેલુગુ અભિનેત્રી ડિમ્પલ ચોપડેએ રાજકોટના ગોંડલ રોડ પર આવેલા બાલાશ્રમમાંથી આઠમીએ વિધિવત રીતે એક બાળક દત્તક લીધું હતું. ડિમ્પલ સિંગલ મધર છે. ડિમ્પલે કહ્યું હતું કે, દરેક આર્થિક સક્ષમ દંપતીએ એક બાળક દત્તક લઈને તેનો યોગ્ય ઉછેર કરવો જોઈએ.
ર૮ વર્ષીય અભિનેત્રીએ માત્ર પાંચ માસના બાળકને દત્તક લીધું છે. આ નિર્ણય અંગે વાત કરતાં ડિમ્પલે જણાવ્યુ હતું કે, જ્યારે આ બાળકને જોયું ત્યારે મને મારા નાના ભાઈના માસૂમ ચહેરાની પ્રતિકૃતિ સામે દેખાઈ અને ત્યારે જ આ બાળક દત્તક લેવાનું નક્કી કરી લીધું. ફિલ્મોમાં સારી એવી નામના અને કારકિર્દી ધરાવતી ડિમ્પલ કહે છે કે આ બાળક દત્તક લઈને હું ખૂબ જ ખુશ છું. હું એક સિંગલ મધર બની છું તેથી બાળકની પૂરતી સંભાળ રાખી શકાય અને તેને ભરપૂર પ્રેમ મળે તે માટે હું છ મહિના સુધી બાળકને જ પ્રાથમિકતા આપીશ. હાલમાં ‘બાહુબલી’ ફિલ્મ હિટ છે અને આ ફિલ્મનું પાત્ર અમરેન્દ્ર અમર બની ગયું છે. તેથી બાળકનું નામ પણ અમરેન્દ્ર જ રાખવાનો ડિમ્પલનો વિચાર છે.