અમરેલીઃ જિલ્લામાં સરકારે એક માસ સુધી ‘સુજલામ સુફલામ’ યોજના હેઠળ જળસંચયની કામગીરી હાથ ધરી ચોમાસામાં મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ વધી જશે તેવી બડાશો હાંકી હતી, પણ પંચાયત હસ્તકની નાની સિંચાઇના ૩૮૪ ચેકડેમોમાંથી મોટાભાગના ચેકડેમો તૂટેલી હાલતમાં હોવાથી પુરતો જળ સંગ્રહ નહીં થાય તે દિશામાં જરા પણ ધ્યાન આપવામાં આવ્યું નથી. સરકાર દ્વારા નવી યોજનાઓના તાયફાને બદલે જૂની યોજનાની મરામતમાં ધ્યાન દેવામાં આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.
અમરેલીમાં ૧૧ તાલુકાઓમાં નાની સિંચાઇ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૩૮૪ ચેકડેમ બનાવાયા છે. જીલ્લા પંચાયત હસ્તકની નાની સિંચાઇના આ ચેકડેમો જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં સ્વાભાવિક રીતે જ જળસંચયનું મોટું કામ કરી શકે, પરંતુ આ ચેકડેમોની મરામત પ્રત્યે કોઇ ધ્યાન અપાતું નથી.
જેને પગલે ધીમે ધીમે આ ચેકડેમો તૂટી રહ્યા છે અને તેની જળ સંગ્રહ ક્ષમતા સમાપ્ત થઇ રહી છે. તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા ‘સુજલામ સુફલામ’ યોજના હેઠળ તળાવો, ચેકડેમો ઉંડા ઉતારવાની કામગીરી કરાઈ હતી. જો કે ઠેક ઠેકાણે આવી કામગીરી નામ માત્રની ચાલી હતી ત્યારે આ યોજનાની સાથે સાથે આ ચેકડેમોની મરામતની પણ જરૂરી છે.